
સમગ્ર દેશમાં આજે ડૉ. બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવાઈ રહી છે. દેશના બંધારણના ઘડવૈયા, મહાન સમાજસુધારક અને દલિત હિતેચ્છુ ડૉ. આંબેડકરની યાદમાં સુરતમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. સુરત શહેરના માન દરવાજા ખાતે આવેલા ડૉ. આંબેડકરના સ્મારક સ્થાને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી તેમના વિઘ્નહર્તા કાર્યને નમન કરતું પુષ્પાંજલિ અર્પણ સમારોહ યોજ્યો હતો. શહેરના અગ્રણીઓ, સામાજિક કાર્યકરો અને સામાન્ય નાગરિકોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
ગૃહરાજ્યમંત્રી પહોંચ્યા
આ અવસરે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ આપ્યું તે આજે પણ દેશના લોકશાહીનું સૌથી મજબૂત પાયાનું કામ કરે છે. સમાજના તમામ વર્ગો વચ્ચે સમાનતા અને ન્યાય માટે તેમનું યોગદાન અમૂલ્ય છે.” તેમણે તમામ નાગરિકોને આ દિવસની શુભકામનાઓ પાઠવી અને સમાજમાં શાંતિ, એકતા અને સમરસતાનું સંદેશો આપ્યો.
જય ભીમના લાગ્યા નારા
જન્મજયંતિ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં રેલીઓ, સૂત્રોચ્ચાર અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા. સ્થળે ‘જય ભીમ’ ના નારાઓ ગુંજ્યા અને “જબ તક સુરજ ચાંદ રહેગા, બાબા તુમ્હારા નામ રહેગા” જેવી પ્રેરણાદાયક લાઇનો લોકોના હોઠે હતા.આ અવસરે વિવિધ સમાજસેવી સંસ્થાઓએ પણ ડૉ. આંબેડકરની વિચારધારાને યાદ કરીને ભવિષ્યની પેઢીઓને તેમના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપતી પ્રવૃત્તિઓ યોજી.આજે સમગ્ર સુરત શહેરમાં એક અનોખો ઉત્સાહ જોવા મળ્યો અને તમામ સમાજો તરફથી એક સંકલ્પ લેવાયો કે સમાજમાં સમાનતા, ભાઈચારો અને બંધુત્વનું વાતાવરણ જળવાઈ રહે.