
અમરેલી જિલ્લામાં દામનગર ભાજપના મહિલા નેતાના પતિ દ્વારા કરવામાં આવેલા હુમલામાં પૂર્વ મહિલા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પીડિત પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા. પરિવાર અને દામનગર પોલીસ સ્ટેશનની મુલાકાત કરી પોલીસ પાસે પણ ન્યાયની માંગ કરી હતી.
જેની ઠુમ્મરે જણાવ્યું કે, પરિવારની વેદના અને વ્યથા અમે સાંભળી છે. આરોપી દ્વારા માર મારવા બદલ જે કલમનો ઉમેરો થવો જોઈએ તે નથી થયો તેના માટે પણ પરિવારે લડાઈ લડવી પડશે. પરિવારની તમામ લડાઈમાં સાથે રહેવાની જેની ઠુમ્મરની તૈયારી છે.
પાલિકા ઉપ પ્રમુખના પતિ 6 વર્ષ માટે ભાજપમાંથી સસ્પેન્ડ
દામનગર પાલિકા ઉપ પ્રમુખના દબંગ પતિ અતુલ દાલોલીયાને 6 વર્ષ માટે ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દામનગર મારામારીમાં સંડોવાયેલ ભાજપના નેતાને પાર્ટીએ પાણીચું પકડાવ્યું છે. જુના પ્રેમ પ્રકરણની અદાવતને લઈ ભાજપના નેતાએ વૃદ્ધ સહીત અન્ય ત્રણ વ્યક્તિઓ સાથે મારામારી કરી હતી. હાલ વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ હોવાથી તેઓ પંદર દિવસથી સારવાર લઇ રહ્યા છે. મારામારીની ઘટનાને ગંભીરતાથી લઈ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ અતુલને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યો છે.