
- સહજને કિનારે
બરફની ચાદર આખા કેમરોઝ શહેર પર પથરાઈ ગઈ હતી. મિલીટરીના કસ્ટડી રૂમમાં અંધારું હતું. એક જાડો સરખો માણસ ખુરશી બેઠો હતો, તેનું માથું ટેબલ પર પડેલું હતું, જાણે આરામ ફરમાવી રહ્યો હતો.
બીજી તરફ શહેર રાતના અંધારામાં અને ભયંકર ઠંડીમાં થથરી રહ્યું હતું. લોકો ન્યૂઝ લઈ રહ્યા હતા, વિશ્વને આશ્ચર્યમાં પાડી દેનારી ઘટના વિશે. ઉદ્યોગપતિઓ વિચારોમાં ઠપ્પ થઈ ગયા હતા. વૈજ્ઞાનિકો સમસ્યાના ઉકેલ માટે મથી રહ્યા હતા, ડોક્ટરો વિમાસણમાં હતા. નિષ્ણાંતો પોતાના મનઘડંત વિચારોની ઉલટીઓ કરી રહ્યા હતા સોશિયલ મિડિયા કે ન્યૂઝ ચેનલમાં કારણ કે આ જે ઘટના બની હતી તે કોઈના વિચાર સુદ્ધા પણ ન આવે અરે સપનું પણ ન આવે એવી હતી!
કસ્ટડીમાં બુટના અવાજોએ પ્રવેશ કર્યો, જેમાં માર્ટિન સેલસન અમેરિકન આર્મી અધિકારી હતા. ગ્રોઝ માગાર્ટ જેવા આધુનિક યુગના મહાન વૈજ્ઞાનિક હતા. એસ. બાલાકૃષ્ણન જેવા બાયોટેકના વિશ્વપ્રસિદ્ધ નિષ્ણાંત વૈજ્ઞાનિક હતા. બે પોલીસ અધિકારી, એક મહિલા પોલીસ અધિકારી અને કસ્ટોડિયલ ચાર્જના એક અધિકારી. આટલી મોટી પેનલે કસ્ટડી રૂમમાં પ્રવેશ કર્યો. પેલા ભાઈને જગાડવામાં આવ્યા. આંખો ચોળી અને તેમણે આસપાસ જોયું. હાથકડી તો નહોતી પહેરાવી. તેણે પોતાની પર ચાલનારી ઈન્વેસ્ટિગેશનને સ્વીકારી લીધી હતી. પેનલમાં આવનારા અને લગભગ લગભગ તેને એક વિજ્ઞાની અને ટેક્નોક્રિએટર તરીકે ઓળખતા હતા. આધુનિક સંશોધકોમાં તેનું નામ હતું.
પેનલીસ્ટોએ લગભગ સૌએ કટાક્ષભર્યા સ્મિતથી તેમની સામે જોયું અને તેમણે સ્થિતપ્રજ્ઞ થઈને સૌની સામે જોયું. માગાર્ટે પૂછ્યુંઃ મિ. અલર્ક, કેવી રહી રાત? અલર્કે માયુસી ભરેલું સ્મિત કર્યું.
કસ્ટડી ઓફિસરે ઔપચારિકતાને અવગણી અને સીધો પ્રશ્ન કર્યોઃ મિ. અલર્ક કહો, શું કહેવા માંગો છો? કોર્ટ પાસે સમય ઓછો છે. તમે અહીં જે કંઈ કહેશો એ આ સમિતિ રજૂ કરશે એને તેના પર કોર્ટ નિર્ણય કરશે.
થોડીવારની શાંતિ પછી અલર્કે પાણી માગ્યું. આપવામાં આવ્યું. પીધું. પોલીસ અધિકારી સામે જોઈ અને કહ્યુંઃ મારી પત્ની પુલોમા અને દિકરો ભૃગુ કેમ છે?
પોલીસ અધિકારીએ સસ્મિત જવાબ આપ્યોઃ તેને ટ્રીટમેન્ટ આપી છે. તબિયત સુધારા પર છે. વચ્ચે જ એસ. બાલાકૃષ્ણને કહ્યું કે તેને ફોરબ્રેઈન અને સેરેબ્રમના ફર્સ્ટ લોબમાં મુશ્કેલી છે. જેના માટે ખૂબ મુશ્કેલ ટ્રિટમેન્ટમાંથી પસાર થવું પડશે કારણ કે તેને સંપૂર્ણ પણે ક્વેક્ટો ડિવાઈઝ પર આધારિત કરી દીધી હતી. ભૃગુને ઘરે રાખ્યો છે અને તારા ઘરે મારી વાઈફ ધ્યાન રાખે છે તેનું.
એસ. બાલાકૃષ્ણનના અવાજમાં સખ્તી અને આંખોમાં નમી અલર્કે બરાબર જોઈ લીધું હતું. તે વિચારવા બે ક્ષણ માટે અટક્યો કે માર્ટિન સેલસન દ્વારા ધારદાર સવાલ આવ્યો કે આ ટેકનોલોજી વિશે તમારા સંપર્કના કેટલા લોકો જાણે છે? અમારા માટે ઓર્ડર બસ આટલો છે કે આર્મીએ આવા લોકોને પ્રોટેક્ટ કરવા. તપાસ તો તમારી થયા કરશે પરંતુ આ દેશની સુરક્ષાનો પ્રશ્ન છે.
કંટાળાજનક રીતે માથુ હલાવી અને અલર્કે તરત જવાબ આપ્યો કે જૂઓ, આ બધું અચાનક થયું છે. મારા સિવાય આ સિદ્ધાંત અને ઉપયોગ કોઈએ કર્યો નથી. તેને જાણી શક્યા છે આ બાયોટેકનોલોજીસ્ટ બાકી આ સંશોધન હજુ માત્ર પાયાના તબક્કામાં ને મારા પૂરતું હતું.
માર્ટિન સેલસને બીજા પેનલીસ્ટ સામે જોઈને કહ્યુંઃ તમે તમારા પ્રશ્નો કરી શકો છો. મારા રેકર્ડમાં આ વાત દર્જ થઈ ગઈ છે હવે જો આ પદ્ધતિનો બીજે કશે ઉપયોગ થાય તો તેના માટે આ મહાનુભાવ જ જવાબદાર રહેશે એવું અમેરિકન સરકાર અને ફોર્સ બન્ને પ્રતિપાદિત કરે છે.
અલર્કે હવામાં હાથ હલાવીને વિસ્ફારિત નેત્રે સૌને જોઈ રહ્યો અને આર્મીચીફના આ નિવેદને તેને થોડો વિક્ષેપ આપ્યો તે સ્પષ્ટ જોઈ શકાતું હતું તેના મુખ પર. એવામાં પોલીસ અધિકારીએ કહ્યું કે અમને પહેલેથી એ જણાવો કે થયું શું હતુું?
થોડીવાર સ્તબ્ધતા રહી અને પછી અલર્કે નીચે જોઈ અને એક નીસાસો ખાધો અને પછી પોતાની વાત મૂકીઃ
એક દિવસ રાત્રે મારે મારા પ્રોજક્ટનું ખૂબ કામ ચાલી રહ્યું હતું. મને મજા આવી રહી હતી અને હું મારા પ્રોજેક્ટના એવા મોડ પર હતો કે તેમાં મને સફળતા મળે એમ જ હતી. હું રિએક્ટર ટેકના સેમિકંડક્ટરના બાયોફોર્મ પર કામ કરી રહ્યો હતો. જેના કારણે ભવિષ્યમાં પરમાણું હુમલો થાય તો તે દેશના અન્ય લોકોની શરીરની ચામડીને અસર ન થાય અને શ્વાસ ખૂદ તેની સામે લડી અને ચામડીના દરેક રોમને બંધ કરી શકે જેથી ચામડી રિએક્ટ કરવાનું બંધ કરી દે અને શરીરમાં તેના કિરણો લાંબી અસર કરી ન શકે.
આ દરમ્યાન મારું સંતાન મને હંમેશા હેરાન પરેશાન કરતું હતું. ભુલ મારી હતી કે મેં પ્રયોગશાળા મારા ઘરના પાછલા હિસ્સામાં રાખી હતી. તેમાં મારે રેડિયોએક્ટિવ કિરણો સાથે પનારો હતો. માટે હું તેને સાચવવા માટે પુલોમા પર ગુસ્સે થતો. પછી મેં નક્કી કર્યું કે આ લોકો ઉંઘી જાય પછી મારું કામ કરીશ. તો હું દિવસભર બીજું કામ કરતો અને મારા પ્રોજેક્ટ પર કામ રાતના કરતો. થોડાં સમયથી ભૃગુ મોડો સુતો હતો તો મને ગુસ્સો આવતો હતો. એક દિવસ મારી મતિ મારી ગઈ કે મેં ચાર દિવસની પ્રેક્ટિસ પછી એક અલ્ટ્રારેડિયો અને વોઈસ હાઈ ડેસિમલ બન્નેના મિશ્રણથી એવું ધ્વનિતરંગ ડેવલપ કર્યું કે તે માનવ મગજમાં જાય ત્યારે તેની સાથે કેટલાંક ક્વેક્ટો સાઈઝના ડિવાઈઝ પણ લેતું જાય જે વ્યક્તિના કાન દ્વારા અંદર પ્રવેશી અને મગજના ફોરબ્રેઈનમાં સ્થાન લે.
ગ્રોઝ માગાર્ટ ઉભા થઈ ગયા અને ક્રોધથી બોલ્યાઃ અસંભવ. તું ત્યાં સુધી પહોંચાડ એ પહેલા તો શરીરની સિસ્ટમ જ રોકી લે.
ધીમા અને ઠંડા અવાજે અલર્ક બોલ્યો કે ધ્વનિ તરંગની ગતિ હાઈ કરી દીધી હતી.
ગ્રોઝ માગાર્ટ પોતાના માથા પર હાથ ફેરવતા ફેરવતા અને ઓહ માય ગોડ બોલતાં બોલતાં ફરીથી બેસી ગયા.
એસ. બાલાકૃષ્ણન જે માથા પર હાથ રાખીને આખું સાંભળી રહ્યા
હતા તેણે કહ્યુંઃ બોલ આગળ
હાં. તો બસ એ ત્રણ ડિવાઈઝ મેં અંદર મોકલી દીધા અને ભૃગુમાં એક જ. પછી…
અલર્ક અટકી ગયો. તેની આંખમાં આંસુ હતા. તે ભીને ગળે બોલવા ગયો પણ બોલાયું નહીં. તેણે પાણી પીધું અને ખબર નહીં શું થયું પણ લેડી પોલીસને ગુસ્સો આવ્યો તે ઉભી થઈ, પાણીનો જગ પડ્યો હતો તે આખો અલર્કના માથા પર ઢોળી દીધો. ગાળો બોલવા લાગી.
અલર્કે માંડ પોતાની સ્થિતિ સંભાળીને તૂટક અવાજે કહેવા લાગ્યો કે મેં પછી એ ડિવાઈઝને કનેક્ટ કર્યા. હું હવે તે બન્નેને એક યંત્રની જેમ ઓપરેટ કરી શકતો હતો.
એસ. બાલાકૃષ્ણએ જોરથી મુઠ્ઠીઓ પછાડી ટેબલ પર.
રડમસ અવાજમાં અલર્કે વાત ચાલું રાખીઃ પછી તેને હું મન પડે ત્યારે સુવડાવી શકતો હતો. હું તેને ફ્રી થઈને ઉઠાડતો. હું ફ્રી થાઉં પછી જ તેને ભૂખ લાગે એવું કરવા લાગ્યો.
પેલી લેડીપોલીસ દૂર ઉભી ઉભી બડબડી રહી હતી. બાલાકૃષ્ણ સામે જોઈ અને ગ્રોઝ માગાર્ટે કહ્યું તો ખબર કેમ પડી?
એજ રડમસ અવાજે અલર્ક કહેવા લાગ્યો. તે લોકોનું શરીર રંગ, આકાર, રિએક્શન બધું બદલવા લાગ્યું. એ સમયે મારા સાસુ અહીં આવ્યા અને તેણે આ બન્નેની દશા જોઈ અને ઈન્ડિયા લઈ જવાની જીદ્દ કરી. હવે પેલા ડિવાઈઝ હું પાછા ખેંચી શકું એમ તો નહોતો. પણ તે લોકો જશે તો મારે મારો પ્રોજેક્ટ કરવામાં અનુકૂળતા રહેશે એ વિચારે મેં જવા દિધા અને ડિવાઈઝ ડિસએક્ટિવ કરી નાખ્યા. પરંતુ તેઓએ ત્યાં તપાસ કરાવી.
તરત એસ. બાલાકૃષ્ણન પેનલીસ્ટો સામે જોઈ બોલ્યાઃ તેના સાસુ મારા સબંધી થાય. તેઓએ લગભગ બધે તપાસ કરાવી. કોઈ પરિણામ ન મળ્યું. આખરે મને તેઓએ વાત કરી. પુલોમા ગુમસુમ રહેતી હતી. કોઈ કામ, ઘટના, વાત વગેરેમાં કોઈ રિએકશન પુલોમા કે તેના બાળકમાં રહ્યું ન હતું. મારા ન્યૂરોલોજીસ્ટ મિત્ર અનંત સાથે મેં વાત કરી અને અમે બન્નેએ જ્યારે મગજના સ્કેન જોયાં ત્યારે અમે હતપ્રભ હતા કે તેના મગજના પ્રવાહીમાં ક્વેક્ટો સાઈઝના વિચિત્ર ત્રણ કણ મળ્યા અને એ જ પ્રકારનું એક કણ અમે તેના બાળકના મગજમાં પણ જોયું. સૌ પ્રથમ તો અમે તેને એક વાયરસના રૂપમાં લીધુું પણ જે રીતે પુલોમા અને બાળકની તબિયત બગડી ત્યારે મેં અલર્ક સાથે વાત કરી અને જે પણ હોય સાચું કહેવા માટે કહ્યું ત્યારે તેણે આ વાત કરી હતી. મેં જ કહ્યું અલર્કના સાસુને કે આના પર કેસ થવો જોઈએ. જો આ પદ્ધતિ, આ સંશોધન અહીં ન અટક્યું તો જગતમાં બહુ મોટો અનર્થ થઈ જશે. વિજ્ઞાન એ જીવનને સાર્થક કરવા માટે છે. આ પદ્ધતિ અને સંશોધનનો તો નાશ થવો જ જોઈએ સાથે સાથે આ મા -
બાલાકૃષ્ણને પોતાની વાત અધુરી છોડીને ફરીથી ગુસ્સામાં ટેબલ પર મુક્કા માર્યા. તેની આંખો પણ ભીની થઈ રહી હતી.
ન્યાયધિશ પાસે જ્યારે આ કમિટિએ પોતાની વાત મૂકી ત્યારે કોર્ટે અલર્કને આજીવન કેદની સજા આપી. અલર્કે કોર્ટને વિનંતી કરી કે જેલમાં મને મારા પશ્ચાતાપનું પ્રાયશ્ચિત કરવા માટે સંથારો કરવા દેવામાં આવે.
પુલોમા ભૃગુને લઈ અને એસ. બાલાકૃષ્ણન એક વખત આવ્યા. ત્યારે સંથારાને કારણે શુષ્ક થયેલા અલર્કે કહ્યુંઃ બાલાજી, આપ એને ભારત લઈ જાવો. ભૃગુ એનું શ્રેષ્ઠ જીવન ભારતમાં પૂરું કરે એવું હું ઈચ્છું અને કદાચ, એ ભવિષ્યમાં વિજ્ઞાનનો સકારાત્મક ઉપયોગ કરે એવું એના જીવનમાં ઉમેરજો.
- આનંદ ઠાકર