
Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી હાઈવે પર ગેરકાયદેરીતે પશુઓની તસ્કરીના બનાવ વધ્યા છે. જેના લીધે જીવદયા પ્રેમીઓ પશુઓને બચાવવા ભરપૂર પ્રયાસ કરતા હોય છે. જો કે, આ દરમ્યાન અસામાજિક તત્વો જીવદયા પ્રેમીઓ પર હુમલો કરી દેતા હોય છે. આવી જ ઘટના બની પાલનપુર શહેર નજીક ચંડીસર પાસે પશુઓ ભરેલી ટ્રકને જીવદયા પ્રેમીઓ દ્વારા રોકવા જતા હથિયારો સાથે ધસી આવેલા ટોળાંએ હુમલાનો પ્રયાસ કર્યો હતો.
મળતી માહિતી અનુસાર, પાલનપુર તાલુકાના ચંડીસર નજીક એક ટ્રકમાં અબોલ પશુઓને મોટી સંખ્યામાં બાંધીને લઈ જવાતા હતા. જેને બચાવવા જીવદયા પ્રેમીઓએ ટ્રક રોકવાનું જણાવ્યું ત્યારે એક ટોળું ભારે હથિયારો સાથે ઘટનાસ્થળે દોડી આવ્યું હતું અને પશુઓ ભરેલી ટ્રકને જતી રહેવા જણાવ્યું આ દરમ્યાન ઘર્ષણ દરમ્યાન પશુઓ ભરેલી ટ્રકોને ત્યાંથી રવાના કરી દેવામાં આવી હતી. હુમલાનો પ્રયાસ કરતા સમગ્ર વિસ્તારમાં ઉત્તેજના પ્રસરી જવા પામી હતી.
હથિયારો સાથે ધસી આવેલા ટોળાંએ પશુઓ સાથેની ટ્રકોને જવા દેતા જીવદયા પ્રેમીઓએ ગઢ પોલીસ મથકે લેખિતમાં રજૂઆત કરી હતી. આ અંગે ગઢ પોલીસે બનાવની ગંભીરતા જોઈને તપાસ હાથ ધરી હતી.