
Ankleshwar News: અંકલેશ્વરમાં હિટાચી જેસીબી મશીન,બ્રેકર મશીન ખરીદ્યા બાદ બાકી પડતી રકમ ન ચૂકવી તેમજ ઉલ્ટા ચોર કોટવાલ કો દંડે તેમ જાનથી મારી નાંખવાની ધમકી આપનારા બે ઈસમો સામે છેતરપિંડી સહીતની પોલીસ ફરિયાદ દર્જ થવા પામી હતી.
વોટ્સએપ ગૃપમાં કરેલી જાહેરાતમાં એક વ્યક્તિએ રસ દાખવ્યો
મુળ સુરેન્દ્રનગરના થોરિયારી ગામના રહીશ માલાભાઈ જોધાભાઈ કલોતરા પાસે પોતાની ભાગીદારી પેઢીના બે હિટાચી મશીનો તેમજ એક બ્રેકર મશીન વેચવા અંગે એક વોટ્સએપ ગૃપમાં જાહેરાત કરી હતી. આ દરમ્યાન કોઈ રાજુભાઈ રબારી નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેઓએ મશીનો ખરીદવાની તૈયારી દર્શાવી હતી.
ત્રણેય મશીનનો 59 લાખમાં સોદો નક્કી કરી 15 લાખ ચૂકવ્યા
બાદમાં અંકલેશ્વર નજીક હાઇવે પર માંડવા ગામ પાસે તેમના મિત્ર કુલદીપ સિંહના પ્લોટમાં રાખેલ ત્રણ મશીનો જોવા આવનાર જૂનાગઢના રાજુ રબારી તેમજ તેનો ભાગીદાર કામરેજનો રહીશ કેયુર કનેરીયા ૫૯ લાખમાં સોદો કરી પહેલા રૂ. ૧૫ લાખ આંગડિયા મારફતે ચૂકવી બાકીની રકમનો વાયદો કરી ત્રણેય મશીનો લઇ ગયા હતા.
નિયત બગડતાં ન તો પૈસા ચૂકવ્યા ન મશીન પરત કર્યા
બાદમાં તેઓની નિયત બગડતા ન તો બાકી ની રકમ ચૂકવી ન તો મશીનો પરત આપ્યા અને ઉપરથી ફરિયાદીને એલફેલ બોલી 'ફરીવાર ઉઘરાણી કરવા આવશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી હતી'. જોકે બાદમાં ફરિયાદીએ જૂનાગઢ ખાતેથી રૂ. ૨૦ લાખનું હિટાચી મશીન પરત મેળવી પોતાના કબ્જામાં લઇ લીધુ હતું. આમ છતાંય હજુ તેઓએ રૂ. ૨૪ લાખ લેવાના બાકી હોય તેઓએ રૂ. ૨૪ લાખની છેતરપિંડી કરનારા બંને સામે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.