
- કાગળ પરના પંખી ટહુકયાં
'સિચ્યુએશનશીપ' હમણાં ‘ઝેન – ઝી’માં ખુબ વપરાતો શબ્દ છે. જેમ ગયા અઠવાડિયે આપણે ‘ઘોસ્ટીંગ વિષે આર્ટીકલ લખ્યો હતો આ એવો જ આ શબ્દ છે. આ શબ્દ પણ સોશ્યલ મીડિયા પર આજકાલ બહુ જ ચર્ચાય છે. તો આજે આપણે જોઈશું કે રીલેશનશીપ વિષે તો બહુ લખાયું અને કહેવાયું છે પણ હવે આ નવો શબ્દ સિચ્યુએશનશીપ છે શું?
સાદી ભાષામાં આ બે શબ્દો એ છુટા પાડીએ તો એક શબ્દ છે સિચ્યુએશન એટલે કે પરિસ્થિતિ અને બીજો શબ્દ છે શીપ (રીલેશનશીપ) એટલે કે સંબંધ. હવે આ બંને શબ્દને જોડીએ તો બને પરીસ્થિતિ પ્રમાણેનો સંબંધ એટલે કે સિચ્યુએશનશીપ.. જે લાગણી મુજબ નહિ પણ જરૂરિયાત અને માંગણી મુજબનો કહી શકાય. તો શું હોય છે આ સિચ્યુએશનશીપ?
આમાં વ્યક્તિ મળે, ડેટ પર જાય, એ એમ ફિલ કરાવે પણ ખરા કે આ સંબધ સ્પેશ્યલ છે પણ કોઈ કમીટમેન્ટ ના આપે, એમાં શારીરિક અટકચાળા પણ હોય અને ઘણી વાર તો એ સંબંધ શારીરિક સંબંધ સુધી પણ પહોચી જાય પણ તેમ છતાંય સામેવાળું પાત્ર એમ જ કહે કે હું હજી સ્યોર નથી કે આપણી વચ્ચે આ છે એ શું છે? એ લોકો એમ કહેશે કે, “ગો વિથ ધ ફલો એન્ડ થોડો સમય આપીએ આપણે એકબીજાને અને મને સ્લો પેસમાં આગળ વધુ ગમે છે.” એવું બધું કહ્યા કરે અને સામેના પાત્રને એમ લાગે કે આ તો થોડો સમય લઇ રહ્યો છે અને આ બાજુ આવી વાતો કરનાર એકની સાથે બીજા અનેક લોકો સાથે વાત પણ કરતો હોય અને ડેટ પણ કરતો હોય એવું બને અને તેમ છતાંય સામેવાળા પાત્રને તો વફાદાર જ રહેવાનું. સાદી ભાષામાં એ કરે એ બધું ચાલે પણ સામેવાળું પાત્ર કશું ના કરવું જોઈએ. જો એને આવું કંઈ પણ જાણવા મળે તો આરોપ મુકશે અને ગુસ્સે થશે અને જે સંબંધ છે જ નહિ એને તોડવાનો ભય પણ બતાવશે.
એ ખુલ્લા આકાશમાં લાગણી અને સંબંધના નામે ઉડશે પણ તમને એ જ સંબંધને ટકાવી રાખવા માટે પીંજરામાં પૂરી રાખશે. એ આજે તમને મળશે અને કાલે તમને શોધ્યો પણ નહિ મળે અને ફરી જયારે એને જરૂર પડશે ત્યારે તમારી સામે પ્રગટ થઇ જશે. એ તમારા માટે એવેલેબલ રહે કે ના રહે પણ તમારે એવેલેબલ રહેવાનું અને સાથે એ બાબતે પણ ક્લીયર રહેવાનું કે આ કોઈ રીલેશનશીપ નથી જ. જો ભૂલે ચૂકે સામેવાળાને સહેજ પણ લાગણી થઇ કે પ્રેમ જેવું લાગ્યું તો તરત જ એને કહેવામાં આવશે કે, “કોણે કહ્યું હતું લાગણી રાખવાનું? મેં તો પહેલેથી જ ક્લીયરલી કહ્યું હતું કે મને તારા માટે એવું કંઈ નથી અને તારા મનમાં લાગણી જન્મી છે તો એ તારો વાંક છે અને જેના મનમાં લાગણી જન્મી હોય એ બિચારું એ જ વિચારતું રહી જાય કે એનાથી એવો કયો મોટો ગુનો થઈ ગયો એક લાગણી રાખી એમાં? આ માણસો ના જાય ના જવા દે. લાગણી સ્વીકારે નહિ પણ લાગણી છે એવું કહ્યા કરે.. પણ જો તમે થોડી પણ લાગણી બતવવા જાઓ તો તરત કહેવામાં આવે કે બી મેચ્યોર... બાળક જેવું વર્તન ના કરો... આ સંબંધ સંબધ ઓછો અને કોન્ટ્રાકટ વધારે લાગે. જેમાં જાણે નિયમો પ્રમાણે વર્તવાનું ના હોય. ના ખુલીને બોલાય, ના ખુલીને વાત કરાય, ના ખુલીને રહેવાય બસ સતત એ જ ડરમાં જીવવાનું કે હું કંઈ એવું ના કરી બેસું કે અમારો રીલેશન ખરાબ થઇ જાય જે રીલેશનની સામેવાળાના મન કોઈ કિંમત જ ના હોય. આવી કંઈક હોય છે સિચ્યુએશનશીપ..
જેમાં વ્યક્તિને માત્ર મૂંઝવણ, અકળામણ, બેચેની અને ખોટી આશા સીવાય બીજું કશું નથી મળતું.. અને આજકાલની પેઢીએ સિચ્યુએશનશીપની આવી નવી ટર્મિનોલોજી વાપરીને કમીટમેન્ટ ના આપવાની એક કળા હાંસિલ કરી છે પણ એ વખત એકવાર એ નથી વિચારતા કે કોઈની સાથે રહેવું અને ના રહેવું એ વ્યક્તિગત મામલો છે પણ લાગણીના નામે સતત કોઈને અવેજીમાં વસ્તુની માફક રાખ્યા કરવું અને જયારે મન થાય ત્યારે સ્વીચ ઓફ સ્વીચ ઓન કરવું કેટલે અંશે યોગ્ય છે? તકલીફ એ છે કે માણસોને માણસો ના સમજીને વસ્તુની જેમ વર્તવું એ કોઈ વ્યક્તિ માટે કેટલું હાનીકારક અને ઝોખમી બની જાય છે. આપણે થોડા વર્ષો પહેલા રણબીર કપૂરની એક ફિલ્મ જોઈ હતી ‘બચના એ હસીનો’ જેમાં બિપાશા બસુ અને નિમિષા લાંબા એ ભજવેલા પાત્રો આવી જ કોઈક સિચ્યુએશનશીપથી પીડાયેલા હોય છે જે આખી જિંદગી એક ટ્રોમાંમાં જીવે છે અને વર્ષો પછી પણ કોઈની પર ભરોસો નથી મૂકી શકતાં.
તો આપણે બસ એ જ શીખવાનું છે કે સંબંધો અને લાગણી એ માણસને માણસ બનાવે છે અને જીવવા માંટેનું કારણ આપે છે એટલે સંબંધો રાખો, લાગણીઓ રાખો પણ એમાં ક્લેરીટી રાખો અને સામેવાળાને પણ ક્લીયર રાખો. જેને આપણે કશું જ આપી નથી શકતા એને બીજે કશેથી પણ કશું મળવા ના દઈએ એ કેવું? આપણી લાગણીઓ એ લાગણીઓ અને બીજાની લાગણી એ લાગણી નહિ? જીવનમાં દરેક સંબંધ અગત્યનો છે. એટલે સંબંધને સાચું અને યોગ્ય સ્વરૂપ આપીને જીવનમાં રાખી જ શકાય છે પણ શરત એટલી જ છે કે જયારે જયારે એ સંબંધ વિષે આપણા મનમાં વિચાર આવે તો આપણા મોઢાં પર સ્મિત આવી જવું જોઈએ નહિ કે આપણું મન કોઈ ઊંડા વિષાદમાં જતું રહેવું જોઈએ. તો સંબંધો વિષે થોડા વધુ સ્પષ્ટ થઈએ..રીલેશનશીપને રીલેશનશીપ જ રહેવા દઈએ એને સીચ્યુશેન પ્રમાણે સિચ્યુએશનશીપમાં ના ફેરવીને સંબંધોની આમન્યાને જાળવી રાખીએ.
- અર્ચના તેજસિંહ ચૌહાણ