
આર્મીમાં ફરજ બજાવતા અને રજાઓમાં ઘરે આવેલા જવાન સાથે દુર્ઘટના સર્જાઈ છે. સુરતના અમરોલી વિસ્તારમાં એપાર્ટમેન્ટના પાંચમા માળેથી નીચે પટકાતા આર્મી જવાનનું અવસાન થયું છે. એપાર્ટમેન્ટમાં રહેતા આર્મી જવાન પોતાના ફ્લેટમાં પહોંચે તે પહેલા પેસેજમાંથી સંતુલન ગુમાવતા નીચે પટકાયા હતા. આર્મી જવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. તેમના પરિવારમાં બે દીકરીઓ છે. આર્મી જવાનના મોતને લઈને પરિવાર સહિતના લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
સંબંધીના ઘરેથી પરત આવ્યા હતા
કોસાડ રોડ પર આવેલી સ્વીટ હાઉસમાં પાંચમા માળે આર્મીમાં ફરજ બજાવતા પ્રકાશ શામજીભાઈ ગોહિલ પરિવાર સાથે રહેતા હતા. તેમને સંતાનમાં બે દીકરીઓ છે. તેઓ મે મહિનાની 8 તારીખે ફરજ પરથી રજા લઈને ઘરે આવ્યા હતા. આગામી 7 જૂનના રોજ ફરજ પરત જવાના હતા. જોકે તે અગાઉ બપોરે સંબંધીના ઘરેથી પોતાના ઘરે પરત આવ્યા હતા.
દીકરીઓએ પિતાની છાયા ગુમાવી
એપાર્ટમેન્ટની લિફ્ટ બંધ હોવાથી તેઓ દાદર ચડીને ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન પાંચમા માળે પોતાના ફ્લેટમાં જાય તે પહેલા જ પેસેજમાં સંતુલન ગુમાવતા નીચે પટકાયા હતા. ઘટના અંગેની જાણ થતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા.પ્રકાશભાઈને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબ દ્વારા તપાસીને તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પ્રકાશભાઈના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. આ સાથે જ બે પુત્રીઓએ પિતાની છત્રછાયા પણ ગુમાવી દીધી છે.