Arvalli News: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સતત આપઘાતના સમાચાર સામે આવી રહ્યા છે. આજે જ સુરતમાં રત્નકલાકારનો પરિવાર આર્થિક સંકળામણમાં આવી જતાં પરિવારના ત્રણ સભ્યોએ આપઘાત કર્યો હોવાના સમાચાર મળ્યા હતા ત્યારે અરવલ્લીમાંથી પણ કંઈક આ પ્રકારની જ ઘટના સામે આવી રહી છે. ગુજરાતમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક પરિવાર વિખેરાયો છે.
અરવલ્લી જિલ્લાના બાયડના આંટીયાદેવમાં પતિ-પત્નીએ ગળેફાંસો ખાધો હોવાનું સામે આવ્યું છે. વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી દંપતીએ જીવન ટુકાવ્યું છે. ગત ૪ એપ્રિલે બનેલી ઘટના મામલે ૧૪ દિવસ બાદ ફરિયાદ નોંધવામાં આવી છે. પુત્રએ માતાનો ફોન જોયા બાદ વીડિયો તેમજ પુરાવા મળતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આપઘાત પહેલા બનાવેલ વીડિયો તેમજ સ્યુસાઇડ નોટના આધારે પોલીસે ફરિયાદ દાખલ કરી હતી.
પૈસા માટે સતત ત્રાસ આપતા વ્યાજખોરોમાં રણેચી ગામના અતુલ પટેલ અને પીપોદરા શેઢા ગામના બબાભાઇ ભરવાડ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દિવસના ૧૦ ટકા ઉપરાંત સહિતના વ્યાજના ચક્રમાં પરિવાર હોમાયો છે. બે દિવસ પહેલા સાબરકાંઠામાં પણ પરિવારે આપઘાત કર્યો હતો.