
માત્ર 25 વર્ષની ઉંમરે, કશિષ ચૌધરીએ ઇતિહાસ રચી દીધો છે. પાકિસ્તાનના લઘુમતી હિન્દુ સમુદાય સાથે સંકળાયેલ, તેઓ બલુચિસ્તાન પ્રાંતમાંથી સહાયક કમિશનરના પદ પર નિયુક્ત થનારા પ્રથમ મહિલા છે. નિમણૂક બાદ પાકિસ્તાન ચેનલ સાથે વાત કરતા તેમણે કહ્યું કે તેઓ મહિલાઓ અને લઘુમતીઓના સશક્તિકરણ માટે કામ કરશે.
બલુચિસ્તાનના ચાગાઈ જિલ્લાના નોશકી શહેરના રહેવાસી કશિશે બલુચિસ્તાન પબ્લિક સર્વિસ કમિશન (BPSC) ની પરીક્ષા પાસ કરીને આ સિદ્ધિ મેળવી છે. આ તેમના અંગત જીવનમાં માત્ર એક સીમાચિહ્નરૂપ જ નથી પણ પાકિસ્તાનના લઘુમતીઓ માટે પ્રેરણા પણ છે.
સફળતા સખત મહેનત અને શિસ્તથી મળે છે
પાકિસ્તાની ચેનલ સાથે વાત કરતી વખતે કશિશે કહ્યું કે તે સતત ત્રણ વર્ષ સુધી દરરોજ ઓછામાં ઓછા આઠ કલાક અભ્યાસ કરતી હતી. તેમણે કહ્યું, "શિસ્ત, સખત મહેનત અને સમાજ માટે કંઈક કરવાની ઇચ્છાએ મને આ સફરમાં પ્રેરણા આપી." તેમના પિતા ગિરધારીલાલ વ્યવસાયે એક ઉદ્યોગપતિ છે. પોતાની પુત્રીની સિદ્ધિ પર ગર્વ વ્યક્ત કરતા તેમણે કહ્યું, "મારી પુત્રીએ જે કંઈ મેળવ્યું છે તે તેની મહેનત અને સમર્પણનું પરિણામ છે. આ મારા માટે ગર્વની વાત છે."
પ્રાંતના સર્વાંગી વિકાસ માટે કામ કરશે
કશિશ ચૌધરી અને તેના પિતા ક્વેટામાં બલૂચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગતીને મળ્યા હતા. કશિશે મુખ્યમંત્રીને કહ્યું કે તે મહિલાઓ અને લઘુમતીઓના સશક્તિકરણ તેમજ પ્રાંતના સર્વાંગી વિકાસ માટે કામ કરશે. મુખ્યમંત્રી બુગતીએ કહ્યું, "દેશ અને બલુચિસ્તાન માટે ગર્વની વાત છે કે આપણા લઘુમતી સમુદાયની દીકરીઓ આટલી મહેનત કરી રહી છે અને મહત્ત્વપૂર્ણ હોદ્દાઓ પર પહોંચી રહી છે. કશિશ આપણા માટે ગર્વનું પ્રતીક છે."
વધુ મહિલાઓ પોતાની શક્તિ બતાવી રહી છે
પાકિસ્તાનમાં હિન્દુ સમુદાયની મહિલાઓ ધીમે ધીમે પુરુષ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં પોતાની છાપ છોડી રહી છે. અગાઉ 2022 માં, મનીષા રોપેટા કરાચીની પ્રથમ હિન્દુ મહિલા એસપી બની હતી. જ્યારે, પુષ્પા કુમારી કોહલી કરાચીમાં સબ-ઇન્સ્પેક્ટર છે. સુમન પવન બોધનાની 2019 માં સિંધના શાહદાદકોટમાં સિવિલ જજ બન્યા.