
Banaskantha news: બનાસકાંઠા જિલ્લામાં દાંતા અને અને તેની આસપાસ દિવસે પણ રીંછના આંટાફેરા થતા હોય છે ત્યારે કોઈવાર રીંછ માનવ પર હુમલો કરવાની ઘટના સામે આવતી હોય છે. જો કે, આ વખતે એક જ દિવસમાં રીંછે એક ખેડૂત પર અને દીપડાએ એક જ પરિવારના ત્રણ લોકો પર હુમલો કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી
છે. લોકોમાં રીંછ અને દીપડાના હુમલાને લઈ ડરનો માહોલ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, બનાસકાંઠાના દાંતાના ગાજીપુરમાં ખેતરમાં કામ કરી રહેલા યુવક ખેડૂત પર રીંછે જીવલેણ હુમલો કર્યો હતો. જેને લઈ ખેડૂતને તાબડતોબ પાલનપુર સિવિલમાં સારવાર માટે ખસેડયો હતો. જ્યારે અમીરગઢના ખેમરાજિયામાં દીપડાએ એક જ પરિવારના ત્રણ લોકો પર એકાએક હુમલો કરી દીધો હતો. જેથી ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. દીપડાએ ઘરે આવીને અચાનક એક પરિવાર પર તૂટી પડયો હતો. આ ઈજાગ્રસ્ત ત્રણ લોકોને 108થી સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ આ ચારેય લોકો પાલનપુરની સરકારી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે સ્થાનિક લોકોમાં રીંછ તેમજ દીપડાને લઈ ભયનો માહોલ છે.