
ચીનમાં અમેરિકાની પ્રખ્યાત ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાએ તેના વાહનોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. તે વાહનોમાં Model S અને Model Xનો સમાવેશ થાય છે. વધતા વેપાર તણાવને ધ્યાનમાં રાખીને કંપનીએ ચીનમાં આ વાહનોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે બંને દેશોએ એકબીજાના માલ પર ટેરિફમાં પણ નોંધપાત્ર વધારો કર્યો છે.
ચીનમાં ટેસ્લાનું બુકિંગ બંધ
એલન મસ્કની કંપની ટેસ્લાએ તેની ચીન વેબસાઇટ અને વીચેટ એપ પરથી મોડેલ એસ અને મોડેલ એક્સ ઓર્ડર કરવાનો વિકલ્પ દૂર કર્યો છે. અગાઉ ચીની ગ્રાહકો આ એપની મદદથી આ બે વાહનોનું બુકિંગ કરતા હતા. પરંતુ હવે કોઈ પણ ચીની નાગરિક આ ટેસ્લા કારનો ઓર્ડર આપી શકશે નહીં. ગયા વર્ષે ચીનમાં આ બંને વાહનોનું વેચાણ ઘણું સારું રહ્યું હતું. વર્ષ 2024માં આ બંને મોડેલના કુલ 2 હજાર યુનિટ વેચાયા હતા. જ્યારે મોડેલ 3 અને મોડેલ Yના 6.6 લાખ યુનિટ વેચાયા હતા.
ટ્રેડ વોરની બજાર પર અસર
નિષ્ણાતોના મતે, ટેસ્લાએ અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વોરની વધતી અસરને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. બંને દેશો એકબીજાના માલ પર ભારે ટેરિફ પણ લાદી રહ્યા છે. આ કારણે ઉત્પાદનોની આયાત ખૂબ મોંઘી થઈ ગઈ છે. જોકે, ટેસ્લાએ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
ટેરિફમાં ભારે વધારો
તાજેતરમાં ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર 145 ટકા ટેરિફ લાદ્યો છે. જેનો ચીને પણ યોગ્ય જવાબ આપ્યો છે. ચીને અમેરિકન માલ પર ટેરિફ 84 ટકાથી વધારીને 125 ટકા કર્યો છે. જેનો આજથી સંપૂર્ણ અમલ થશે.