
Tesla Driverless Robotaxi Service Launched: એલન મસ્કની કંપનીએ વર્ષોની મહેનત બાદ અમેરિકાના ટેક્સાસ શહેરમાં રોબો ટેક્સી સર્વિસ શરુ કરી છે, જેમાં ડ્રાઇવર વિના ટેસ્લા મોડેલ વાય SUV કાર લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જશે. એલન મસ્ક માટે આ ઐતિહાસિક ક્ષણ છે. ટેસ્લા રોબોટેક્સીની શરુઆત ઓસ્ટિન શહેરમાં થઈ છે. આ શહેરમાં 10થી 20 ટેસ્લા મોડેલ Y SUV દોડાવામાં આવી રહી છે. આ કાર શહેરની એક ખાસ વિસ્તારમાં જ દોડશે. આ વિસ્તારમાં જિઓગ્રાફિકલ ફેન્સિંગ કરવામાં આવી છે, જેનો અર્થ છે કે વાહનો તેની સરહદની બહાર નહીં જાય. આ રોબો ટેક્સીઓ માત્ર સાઉથ અને મિડલ ઓસ્ટિનમાં જ ચાલશે. સાથે જ, જે રસ્તા પર ટ્રાફિક હોય તેવા રસ્તા પર જવાનું પણ ટાળશે.
શરુઆતમાં ખાસ ગ્રાહકોને રાઇડ અપાશે
ટેક્સાસમાં રોબો ટેક્સી સર્વિસ શરુ થયા બાદ એલન મસ્કે માઇક્રો બ્લૉગિંગ સાઇટ X પર ખુશી વ્યક્ત કરી સાથે સૉફ્ટવેર અને ચિપ ડિઝાઇન કરનારી ટીમને શુભેચ્છા પણ આપી હતી. ટેસ્લા હાલ કેટલાક ખાસ ગ્રાહકોને જ રાઇડ આપી રહી છે, જેમાં કેટલાક સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર્સ પણ સામેલ છે. આ ગ્રાહકો પ્રત્યેક ટ્રિપ માટે 4.20 ડૉલરની ફી ચૂકવશે.
રોબો ટેક્સીનો ઉપયોગ કેવી રીતે કરાશે
રોબો ટેક્સી સર્વિસનો ઉપયોગ કરવા ગ્રાહકોને રોબો ટેક્સી ઍપ ડાઉનલોડ કરવી પડશે. પછી ટેસ્લા ઍકાઉન્ટથી સાઇન ઇન કરવું પડશે. જો ગ્રાહક પાસે ટેસ્લા ઍકાઉન્ટ ન હોય, તો પહેલાં ગ્રાહકે એક ઍકાઉન્ટ બનાવવું પડશે. સાઇન ઇન કર્યા બાદ ઍપમાં દર્શાવેલા વિસ્તારની અંદર ડેસ્ટિનેશન નાખવું પડશે. જ્યારે રાઇડ કન્ફર્મ થશે, ત્યારે ગ્રાહક રાઇડનું ભાડું અને કારનો આવવાનો સમય દેખાશે. કાર આવ્યા બાદ ગ્રાહકે કાર નંબર પ્લેટને ઍપમાં આપેલા નંબર સાથે મેચ કરવી પડશે.