ડો. બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતીને લઈ ગુજરાત સહિત દેશભરમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. અનેક સ્થળો પર આંબેડકર જયંતિને લઈ રેલી કાઢવામાં આવી હતી. બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી ઠેક ઠેકાણે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. તેમજ ગરબા તથા ડીજેના તાલે લોકો ઝુમ્યા હતા
અમદાવાદ જિલ્લામાં આંબેડકર જયંતીની ભવ્ય ઉજવણી
અમદાવાદ જિલ્લાના સાણંદમાં હાથીની અંબાણી પર બાબાસાહેબની પ્રતિમા અને બંધારણ મૂકી રેલીનું પ્રસ્થાન થયું હતું. રેલીમાં મોટી સંખ્યામાં વાહનો, બગીઓ અને ભીમ સૈનિકો જોડાયા હતા. સાણંદ બસ સ્ટેન્ડથી રેલીનું પ્રસ્થાન થઈ પોલીસ સ્ટેશન રોડ ઉપર આગળ નીકળી હતી. સાણંદના લોકો મોટી સંખ્યામાં સાણંદની મહારેલીમાં જોડાયા હતા. લાઇવ ડીજે સાથે કલાકારોએ ડોક્ટર બાબા સાહેબના ગીતો ગાઈને રેલીમાં ધૂમ મચાવી હતી. ભીમ સૈનિકોએ હાથમાં બાબાસાહેબના ઝંડા લઈ લાઇવ ડીજેના તાલે ઝુમ્યા હતા.
આયોજકોએ જણાવ્યું હતું કે, રેલીનો મુખ્ય હેતુ લોકોમાં સમરસતાનો મેસેજ મોકલવાનો હતો. પ્રથમ પણ રાષ્ટ્ર અને અંતિમ પણ રાષ્ટ્ર તો રાષ્ટ્ર માટે તમામ સમાજ એકત્રિત થાય અને સમરસ રાષ્ટ્રનું નિર્માણ થાય તેવું જણાવ્યું હતું. સાથો સાથ સાણંદમાં રાત્રે ભીમ ગરબા પણ યોજાશે તેમાં પણ હજારોની સંખ્યામાં ભીમ સૈનિકો ગરબા ગાય ભીમ જયંતિની ઉજવણી કરશે. મહારેલીને લઇ સાણંદ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
સુરેન્દ્રનગરમાં ભાજપ નેતાઓ સહિત બાઈક રેલી
સુરેન્દ્રનગરમાં વિધાનસભાના દંડક જગદીશ મકવાણા લોકસભાના સાંસદ ચંદુ શિહોરા અને ભાજપના નેતાઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી. 700 બાઈક ચાલકો રેલીમાં જોડાયા હતા. સુરેન્દ્રનગર શહેરમાં આવેલ બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફુલહાર કરાયા હતા. ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને નેતાઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. શહેરના જોરાવરનગર આંબેડકરચોક વઢવાણ ખાતે બાઈક રેલીનું આયોજન કરાયું હતું.
બાબાસાહેબ આબેડકરની જન્મ જયંતિ દરમિયાન ભાજપના નેતાઓએ ટ્રાફિકના નિયમોની ઐસી તૈસી કરી હતી. ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા અને સાસંદ ચંદુ સિહારાએ હેલ્મેટના કાયદાને ઘોળીને પી ગયા હતા. અંદાજિત 500થી વધુ ભાજપ કાર્યકર્તાઓએ હલ્મેટના કાયદાનો છડે ચોક ભંગ કરી રેલી યોજી હતી.
વડોદરામાં શોભાયાત્રામાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો જોડાયા
વડોદરામાં ભારત રત્ન ડો ભીમ રાવ આંબેડકરની જન્મ જ્યંતીની ઉજવણી કરાઈ હતી. 135મા જન્મ દિવસની શહેરભરમાં ઉજવણીઓ થઇ રહી છે. આ પ્રસંગે શોભાયાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકોએ ભાગ લીધો હતો. શહેરના રેસકોર્સ સર્કલ ખાતે આવેલી ડો ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કરાઈ હતી.
વલસાડમાં બાબાસાહેબની નવી મૂર્તિનું અનાવરણ
વલસાડ જિલ્લાનાં ઉમરગામ પાલિકા વિસ્તારના વોર્ડ નંબર 6માં બાબાસાહેબ આંબેડકરની નવી મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ભારતીય બંધારણ ઘડવૈયા એવા બાબા સાહેબને યાદ કરતા આજે મોટી સંખ્યામા લોકો એ હાજરી આપી હતી. ઉમરગામ પાલિકા વિસ્તારના વોર્ડ નંબર 6માં અગાઉ બાબાસાહેબની નાની પ્રતિમા હતી જે હવે ભારતીય સંવિધાનના પુસ્તક વાળી નવી પ્રતિમા મુકવામાં આવી છે. આજે ભેગી થયેલી જનમેદનીએ બાબાસાહેબ અમર રહોના નારા લગાવી એમને યાદ કર્યા હતા.
રાજકોટમાં યોજાયેલી રેલીમાં ઉડ્યા કાયદાના લીરેલીરા
રાજકોટમાં ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિતે યોજાયેલ રેલીમાં કાયદાના લીરેલીરા ઉડ્યા હતા. રેલીમાં અનુસૂચિત જાતિના યુવાનો છરા સાથે નજરે પડ્યા હતા. પોલીસ મૂક પ્રેક્ષક બની તમાશો જોતી રહી. કાયદો વ્યવસ્થાના લીરા ઉડતા દ્રશ્યો સામે આવ્યા હતા. કોઈ જગ્યાએ યુવાનોએ બાઈક સ્ટંટ કર્યા તો કોઈ જગ્યાએ હાથમાં છરા રાખી ઉજવણી કરી હતી.