
દાહોદમાં મનરેગા કૌભાંડ અંગે બચુ ખાબડના પુત્રો સહિતના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એવામાં સમગ્ર મામલે આમ આદમી પાર્ટીનું નિવેદન સામે આવ્યું છે. આપ ગુજરાતના નેતા ઈસુદાન ગઢવીએ આ અંગે જણાવ્યું કે, પંચાયત મંત્રી બચુ ખાબડના દીકરાઓને અને ભાણેજ દ્વારા મનરેગા કૌભાંડ કરાયું છે. ૨૦૧૯થી ચાલતું કૌભાંડ છે જે ૩૦૦થી ૪૦૦ કરોડનું કૌભાંડ છે. પંચાયત મંત્રી હોવા છતાય એમને ખબર ના હોય એવું કેવી રીતે બને? પોલીસ ફરિયાદ અને એમના જ મંત્રાલયમાં આવું કૌભાંડ થાય તો એમની મંત્રી તરીકે રહેવાની લાયકાત ખરી ?
ઓપરેશન ગંગાજળની વાત કરે છે અને સરકારી કર્મચારીઓ સામે પગલાં લેવાય તો સાચી હકીકત બહાર આવશે. નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ થાય તો ૫૦૦ કરોડ સુધીનું કૌભાંડ સામે આવી શકે છે. બચુ ખાબડને તાત્કાલિક મંત્રીપદેથી હટાવવામાં આવે અને એમની સામે પણ તપાસ કરવામાં આવે.
વધુમાં તેમણે જણાવ્યું કે, પંચાયત મંત્રીના પોતાના ખાતામાં ભીનું સંકેલવાનો પ્રયાસ થઈ શકે છે. આખા ગુજરાતમાં મનરેગાનું કૌભાંડ થયું છે, જેમાં કેટલાય લોકો વિદેશમાં હોવાનું પણ સામે આવ્યું છે. મનરેગાના જેટલા પણ નાણા આવે છે એ ગરીબને રોજગાર માટે છે. ગ્રામ વિકાસ એજન્સી નિયામક, ડીડીઓ, પંચાયત મંત્રી સહિતનાઓની ભૂમિકા હોય છે.
આપ પાર્ટી જ્યાં સુધી બચુ ખાબડનું રાજીનામું નહીં આપે ત્યાં સુધી જલદ આંદોલન ચાલુ રાખશે. વિવાસદરની બેઠક પર અગાઉ વાવ અને અન્ય બેઠક પર આપ અને કોંગ્રેસ સાથે હતા. મનરેગામાં કોંગ્રેસના નેતા પણ સંડોવાયેલા છે જેમાં કોંગ્રેસના મોટા નેતા પણ જેલમાં જાય એમ છે તેવા આપ પાર્ટીએ આક્ષેપ કર્યા છે. ભાજપના દબાણમાં આવીને કોંગ્રેસ દ્વારા વિસાવદરમાં ઉમેદવાર ઉભો રાખ્યો છે.
હરિયાણા અને દિલ્હીની વાત કરે છે પણ ગુજરાતમાં ૪ કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામુ આપ્યું એ બાબત છે. બચુ ખાબડ સાથે કોંગ્રેસના મોટા નેતા સંડોવાયેલા છે જે કૌભાંડ ૩૦૦૦ કરોડ સુધી જાય એવી શક્યતા છે. દાહોદની જનતા વચ્ચે જઈને અમે કૌભાંડ ખુલ્લું પાડીશું, કોંગ્રેસના નેતા સામે પણ મુદ્દાઓ મૂકીશું.