
કોંગ્રેસના સર્જન સંગઠન અભિયાન અંતર્ગત બનાસકાંઠામાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ માટે સેન્સ લેવામાં આવી હતી. પાંચ સભ્યોની પેનલે પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત સહિત પાંચ દાવેદારોના નામ હાઇ કમાન્ડને મોકલ્યા છે. ટુંક સમયમાં બનાસકાંઠામાં કોંગ્રેસના નવા પ્રમુખની વરણી કરાશે.
બનાસકાંઠા કોંગ્રેસ જિલ્લા પ્રમુખ તરીકે સેન્સ લેવામાં આવી
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના સાંસદ તરીકે ગેનીબેન ઠાકોર વિજેતા બન્યા હતા. બાદમાં બનાસકાંઠામાં કોંગ્રેસની પકડ મજબૂત બનાવવા કમર કસી છે. કોંગ્રેસના સર્જન સંગઠન અભિયાનમાં ઝારખંડના સાંસદે તાજેતરમાં બનાસકાંઠાની મુલાકાત લઇને સેન્સ લીધી હતી અને બાદમાં સમગ્ર રિપોર્ટ લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને મોનિટરિંગમાં રજૂ કર્યો હતો. જેના આધારે બનાસકાંઠાના જિલ્લા પ્રમુખ માટે કોંગ્રેસના આગેવાનોના નામની યાદી તૈયાર કરી છે. જે હવે દિલ્હી હાઇકમાન્ડ આખરી નિર્ણય કરશે.
કોણ બનશે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ?
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બનવા માટે થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત,ડીસાના પૂર્વ પાલિકા પ્રમુખ વિપુલભાઇ શાહ, પાલનપુર શહેર પૂર્વ પ્રમુખ મુકેશભાઇ ચૌહાણ જ્યારે એક સશક્ત મહિલા અને પૂર્વ જિલ્લા પંચાયત ડેલિગેટ લક્ષ્મીબેન કરેણ તેમજ વર્તમાન કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહના નામો નિરીક્ષકોએ કેન્દ્રીય કોંગ્રેસ પસંદગી સમિતિને મોકલ્યા હોવાના અહેવાલ છે. જોકે, આ મામલે બનાસકાંઠા સાંસદનું પણ મંતવ્ય લેવામાં આવે તેવી સંભાવના છે.