
Gram Panchayat Election 2025: રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાતને એક સપ્તાહ બાદ આજથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચુકી છે. જ્યારે 10 જૂને મત ગણતરીના ફોર્મની ચકાસણી થશે. 22 જૂને ગ્રામ પંચાયત માટે ચૂંટણી યોજાશે. તેમજ 25 જૂને ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર થશે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના પેડાગડા ગ્રામ પંચાયત ગુજરાતમાં સૌપ્રથમ સમરસ જાહેર થઈ છે.
મળતી માહિતી અનુસાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેરાત થયા બાદ આજે ગુજરાતમાં બનાસકાંઠાની પેડાગડા ગ્રામ પંચાયત પહેલી સમરસ થઈ છે. ચૂંટણીના ફોર્મ ભરાય કે ચૂંટણી યોજાઈ એ પહેલા જ પેડાગડા ગ્રામજનોએ સરપંચ ઉપસરપંચને બિન હરીફ કર્યા હતા. ગ્રામજનોએ ભેગા થઈ અને સરપંચ તરીકે સુરેશ ગઢવી અને ડેપ્યુટી સરપંચ તરીકે કેતન જોશીની વરણી કરી હતી. સમરસ ગ્રામ પંચાયતમાં તમામ જ્ઞાતિના એક એક સભ્ય લેવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદીના સમયમાં આ પ્રકારની શરૂઆત થઈ હતી. જેમાં ગ્રામ પંચાયતની ચૂંટણી સમરસ થતા તેના વિકાસના કામો માટે ગ્રાન્ટ વધુ ફાળવવામાં આવે છે અને વિકાસમાં અગ્રીમ રહે છે.