
Bengaluru Stampede: આઈપીએલ 2025 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની જીત બાદ બેંગલુરુમાં ઉજવણી કરાઈ હતી. પરંતુ સ્ટેડિયમની બહાર 11 લોકોના મૃત્યુ છતાં ચિન્નાસ્વામી સ્ટેડિયમની અંદર જે રીતે ઉજવણી ચાલુ રહી તે અસંવેદનશીલતાની ચરમસીમા હતી. જો કે, ઘટનાના કેટલાક કલાકો બાદ આરસીબી અને વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને શોક વ્યક્ત કર્યો. આ ઘટનાને લઈને કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે માફી માગતા કહ્યું કે, 'આવું ન થવું જોઈતું હતું અને અમને આશા નહતી કે, આટલી મોટી ભીડ થશે.'
ભાજપ પર ઘટનાનું રાજકારણ કરવાનો આરોપ
કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે કહ્યું કે, 'સ્ટેડિયમની ક્ષમતા 35,000 છે, પરંતુ ત્યાં 3 લાખથી વધુ લોકો હતા... (સ્ટેડિયમના) દરવાજા તૂટી ગયા હતા... અમે આ ઘટના માટે માફી માંગીએ છીએ.
તેમણે ભાજપ પર ઘટનાનું રાજકારણ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, 'ભાજપ રાજકારણ કરી રહી છે...આ ઘટના માટે અમને ખૂબ જ દુઃખ છે. અમે ભવિષ્યમાં વધુ સારો ઉકેલ શોધીશું. આ દુર્ઘટના બાદ ગુરૂવાર (પાંચમી જૂન) યોજાનાર તમામ સરકારી કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યા છે.'
મૃતકોના પરિવારજનોને વળતરની જાહેરાત
કર્ણાટક સરકારે ભાગદોડમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે, 'સરકાર ઘાયલોને મફત સારવાર પણ આપશે.'