
અમદાવાદ: બાપુનગરમાં યુવાનની હત્યા બાદ ઘટના સ્થળનો એક વીડિયો સોશિયલ મીડિયાથી સામે આવ્યો છે. હત્યાની જગ્યા પર પોલીસ દ્વારા બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. જો કે મોડી રાત્રે પોલીસ ઘટનાસ્થળે જ ઊંઘતી ઝડપાઈ હતી. કિન્નરો અને અન્ય જાગૃત લોકોએ પોલીસને જગાડ્યા હતા. ઊંઘતી પોલીસનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
શું છે સમગ્ર મામલો?
અમદાવાદના બાપુનગરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો જેમાં બે વ્યક્તિ વચ્ચે થયેલા ઝઘડામાં વચ્ચે પડેલા 19 વર્ષના યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ મામલે પાંચ જેટલા શખ્સોએ આ ગુનાને અંજામ આપ્યો હતો જેમાંથી ચાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે.
19 વર્ષીય સગીર વચ્ચે પડતાં તે ભોગ બન્યો
પોલીસે હિંમત સોલંકી, ભદ્રેશ સોલંકી, ગણપત સોલંકી અને હર્ષદ સોલંકી નામના નામના આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ચાર જણા સહિત અન્ય જયસિંહ સોલંકી નામના આરોપીએ સોમવારે મોડી રાત્રે હત્યાને અંજામ આપ્યો છે. બાપુનગર વિસ્તારમાં આવેલા કર્ણાવતી એપાર્ટમેન્ટ બહાર આ ઘટના બની હતી, જેમાં 19 વર્ષના વિજય ઉર્ફે વિશાલ શ્રીમાળી નામના યુવકને છરીથી હુમલો કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા બાપુનગર પોલીસની ટીમે સ્થળ ઉપર પહોંચીને ગુનો દાખલ કર્યો હતો. અને આરોપીઓને પકડવાની કામગીરી હાથ ધરી ગણતરીના કલાકોમાં ગુનામાં સામેલ ચાર આરોપીઓને પકડી પાડ્યા હતા.
મૃતક વિજય શ્રીમાળીના માતા પિતાએ માતા પિતાએ છૂટાછેડા લીધા હતા જેથી તે પોતાના નાનીના ઘરે મેઘાણીનગર ખાતે રહેતો હતો. તેનું મિત્ર વર્તુળ બાપુનગર વિસ્તારમાં હોય તે દરરોજ રાત્રે કર્ણાવતી એપાર્ટમેન્ટ ખાતે પોતાના મિત્ર પ્રિયેશ વછેટાને મળવા આવતો હતો. સોમવારે રાતના સમયે પ્રિયેશ વછેટા તેના બનેવીની ઓફિસ ખાતે ગયો હતો અને ત્યાં તેના બનેવી વિજયભાઈ, ભરતભાઈ પરમાર, હાર્દિક રાજપરા, વિજય ઉર્ફે વિશાલ શ્રીમાળી, ધવલ બારોટ અને વિનોદભાઈ તેની ઓફિસે બેઠા હતા.
જયસિંહ છરી લઈને આવ્યો અને ગાળાગાળી કરી
રાતના સવા બાર વાગ્યા આસપાસ કર્ણાવતી એપાર્ટમેન્ટમાં રહેતો જયસિંહ છરી લઈને આવ્યો હતો અને પ્રિયેશ વછેટા અને તેના બનેવી વિજયભાઈ સાથે ગાળાગાળી કરી હતી. જેને ગાળો બોલવાની ના પાડતા તે ઉશ્કેરાયો હતો અને બૂમાબૂમ થતા હર્ષદ સોલંકી, ભદ્રેશ સોલંકી, હિંમત સોલંકી તેમજ ગણપત સોલંકી ત્યાં આવ્યા હતા. જ્યાં મારા મારી થતા જયસિંહ સોલંકીએ છરીથી વિજય શ્રીમાળીને છાતી પર હુમલો કરતા તેને ઇજાઓ પહોંચી હતી.
તે સમયે પ્રિયેશ વછેટા વચ્ચે પડતા જયસિંહ સોલંકીએ તેને પણ માથામાં છરીથી હુમલો કર્યો હતો તેમજ અન્ય આરોપીઓએ છરી, લોખંડની પાઇપ અને લાકડીઓ વડે પ્રિયેશ વછેટા અને તેના બનેવી વિજયભાઈને માર માર્યો હતો. જે બાદ વિજય શ્રીમાળીને 108 મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની ગંભીરતા ધ્યાને રાખી પોલીસે અલગ અલગ ટીમો કામે લગાડી ગુનામાં સામેલ ચાર આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા હતા.
તેમજ હત્યા કરનાર મુખ્ય આરોપી જયસિંહ સોલંકીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. બાપુનગર પોલીસે તપાસ કરતાં સામે આવ્યો કે, આ ગુનામાં સામેલ મુખ્ય આરોપી જયસિંહ સોલંકી અગાઉ રાયોટીંગ જેવા ગુનામાં પકડાઈ ચૂક્યો છે. તેવામાં હવે પોલીસ આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરશે. આ બનાવ અપશબ્દો બોલવાની બાબતમાં જ બન્યો છે કે પછી કોઈ જૂની અદાવત છે તેને લઈને આરોપીઓની તપાસમાં ખુલાસા થઈ શકે છે.