
અમદાવાદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ક્રાઈમની ઘટનાઓમાં વધારો થયો છે. નજીવા મુદ્દે પણ હત્યા સુધી બનાવો બની જતા હોય છે. ઘાટલોડિયા વિસ્તારમાં જૂની અદાવતમાં યુવક પર પાંચ લોકો તૂટી પડયા અને જીવલેણ હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો હતો. ત્યારબાદ પોલીસે પાંચ લોકો સામે ફરિયાદ નોંધી હતી.
મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના ઘાટલોડિયા ગામમાં સંદીપ પટેલ નામના યુવકને ગામમાં કેમ આવે છે કહીં પાંચ લોકોએ હુમલો કર્યો હતો. જો કે, યુવક એકલો હોવાથી અને સામે પાંચ લોકો યુવકને માર માર્યો હતો. જેથી યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આટલું જ નહિ યુવકને અને તેના પરિવારને મારી નાખવાની ધમકી પણ આપી હતી. હુમલાખોરો પૈકી એક શૈલેષ ચુનારા ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.
સંદીપ પટેલ નામના યુવકને જીવલેણ હુમલામાં ગંભીર ઈજાઓ થતા તાબડતોબ સારવાર માટે 108થી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. જો કે, ત્યારબાદ આ હુમલાખોરો મંજુબેન ઠાકોર, શૈલેષ ચુનારા, રોહન ઠાકોર, દેવીસિંહ રાઠોડ અને રાહુલ પંચાલ સામે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.