
શહેરની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ગણાતી સુરત સિવિલ હોસ્પિટલમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. હોસ્પિટલના સ્ટેમસેલ બિલ્ડિંગના પાંચમા માળે આવેલા E1 વોર્ડના બાથરૂમમાંથી બુધવારે મૃત હાલતમાં એક ભ્રુણ મળ્યું હતું. આ ઘટનાથી હોસ્પિટલ પટાંગણમાં ચકચાર મચી ગઈ છે અને એક ગંભીર તપાસનો વિષય ઊભો થયો છે.
સફાઈ દરમિયાન ભૃણ મળ્યું
સાંજે વહેલી ઘડીએ સફાઈ કર્મચારીઓ જ્યારે નિયમિત સાફસફાઈ માટે બાથરૂમમાં ગયા, ત્યારે તેમને એક આઘાતજનક દ્રશ્ય જોવા મળ્યું. બાથરૂમના એક ખૂણે ભૂમિ પર રહેલું ભ્રુણ તેમની નજરે પડ્યું. તેઓએ તાત્કાલિક વોર્ડ ઇંચાર્જ અને હોસ્પિટલના વરિષ્ઠ તંત્રને જાણ કરી.હોસ્પિટલના અધિકારીઓ અને સુરક્ષા વિભાગે તરત જ સ્થળ પર પહોંચીને સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ ટીમે ઘટના સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા છે અને ફોરેન્સિક તપાસ માટે ભ્રુણને લેબોરેટરી મોકલવામાં આવ્યું છે.
હોસ્પિટલ રેકોર્ડ ચકાસાશે
હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વારથી લઈને સ્ટેમસેલ બિલ્ડિંગ સુધીના તમામ સીસીટીવી ફૂટેજ સુરક્ષા વિભાગ દ્વારા સંચિત કરવામાં આવ્યા છે. શંકાસ્પદ હલચલ જોવાઈ હોય તેવા વ્યક્તિઓની ઓળખ માટે વિડિયો ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ, છેલ્લા કેટલાક દિવસોમાં E1 વોર્ડમાં દાખલ મહિલાઓના રેકોર્ડ્સની પણ ઊંડાણપૂર્વક ચકાસણી હાથ ધરાશે. પોલીસને ઘટનાની જાણ થઇ, તેઓએ ગુનો નોંધીને અધિકારીય તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક અટકળ મુજબ આ કેસ ફેટલ મિસકેરેજ અથવા ગેરકાયદેસર ગર્ભપાત સાથે સંબંધિત હોઈ શકે છે. આ ઘટનાને ગંભીરતાથી લઈને ત્વરિત અને પારદર્શક તપાસ કરવાની જરૂર છે જેથી ભવિષ્યમાં આવા કિસ્સાઓને અટકાવી શકાય.