
Bharuch News: ભરૂચ જિલ્લાના 3 તાલુકાના 56 ગામોમાં રૂપિયા 7.30 કરોડના મનરેગા કૌભાંડ મામલે ગઈકાલે(26 જૂન) ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપ.પ્રમુખ હીરા જોટવા બાદ આજે(27 જૂન) ભરૂચ એલસીબી તેમના પુત્ર દિગ્વિજયની ધરપકડ કરી છે. આજે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા હીરા જોટવાના દીકરા દિગ્વિજય જોટવાની ધરપકડ કરાઈ હોવાની માહિતી આપી હતી. મનરેગા કૌભાંડ મામલે ગતરોજ ભરૂચ પોલીસે ગીર સોમનાથથી હીરા હોટવાની ધરપકડ કરી હતી. મોડીરાતે હીરા જોટવાને લઇ પોલીસ ભરૂચ પહોંચી હતી અને પૂછપરછ કરી હતી. ત્યારબાદ હાંસોટ તા.પં.ના ઓપરેટર રાજેશ ટેલરની પણ ધરપકડ હતી. મનરેગા કૌભાંડના આરોપી હીરા જોટવા અને રાજેશ ટેલરને પોલીસ કાફલા સાથે ભરૂચ કોર્ટમાં રજૂ કરાયા હતા. જે દરમિયાન કોર્ટે બંનેના 6-6 રિમાન્ડ મંજૂર કર્યા છે. ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં આ ત્રીજી ધરપકડ છે.
હીરા જોટવા અને તેના પરિવારજનોના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાયા: ભરૂચ જિલ્લા પોલીસ વડા
ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, કૌભાંડમાં સંડોવાયેલા કોંગ્રેસ નેતા હીરા જોટવા, તેમના પુત્ર દિગ્વિજય જોટવા અને ઓપરેટર રાજેશ ટેલરની ધરપકડ કરાઈ છે. મનરેગાનું કામ કરનાર બન્ને એજન્સીઓ જલારામ અને મુરલીધર એન્ટરપ્રાઈઝ હીરા જોટવાની હોવાનો ઘટસ્ફોટ થયો છે. મટીરીયલ સપ્લાય કર્યા વગર ખોટા જોબકાર્ડ બનાવી સરકારી રૂપિયા મેળવ્યા હોવાનું બહાર આવ્યું છે. હીરા જોટવા અને તેના પરિવારજનોના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાયા છે.
બે દિવસ પહેલા જ સરપંચની ચૂંટણીમાં થયો હતો વિજય
દિગ્વિજય જોટવા તાજેતરમાં જ સુપાસી ગ્રામ પંચાયતથી ચૂંટણી લડીને સરપંચ બન્યા હતા. બે દિવસ પહેલા જ તેમના સરપંચ બનવાની ઉજવણીના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ત્યારબાદ હવે તેમની ધરપકડ થતાં રાજકીય વર્તુળોમાં પણ ખળભળાટ મચી ગયો છે.
ઉલ્લેખનીય છે કે આ કેસમાં ભરૂચ ખાતે મદદનીશ પ્રાયોજના અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રતિક ઉદેસિંહ ચૌધરીએ મનરેગા યોજનામાં આમોદ, જંબુસર, હાંસોટમાં કરોડોનું કૌભાંડ થયું હોવાની ફરિયાદ નોંધાઇ હતી.
ભરૂચ જિલ્લાના 56 ગામોમાં મનરેગા કૌભાંડની ફરિયાદ
ભરૂચ ખાતે મદદનીશ પ્રાયોજના અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રતિક ઉદેસિંહ ચૌધરીએ મનરેગા યોજનામાં આમોદ, જંબુસર, હાંસોટમાં કરોડોનું કૌભાંડ થયું હોવાની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં જલારામ એન્ટરપ્રાઈઝ એજન્સી(પિયુષભાઇ નુકાણી) , મુરલીધર એન્ટરપ્રાઈઝ (જોધાભાઇ સભાડ) અને કરાર આધારિત આઉટસોર્સ કર્મચારી સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ આ મામલે AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ કોંગ્રેસનાં નેતા હીરા જોટવા પર આદિવાસી વિસ્તારમાંથી 'મનરેગા કૌભાંડ' હેઠળ 400 કરોડ રૂપિયા ખંખેર્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.