
Ankleshwar News: અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ માયાનગરી સોસાયટીમાં એક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જ્યાંથી સોના ચાંદીના દાગીના અને રોકડા રકમ મળી રૂપિયા 13 લાખ 86 હજારના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ જતા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ માયાનગરી સોસાયટીના મકાન નંબર બી-13માં રહેતા ચંદ્રેશ્વર યાદવ હાલ નિવૃત જીવન ગુજારે છે અને તેમના પુત્ર અમદાવાદ ખાતે નોકરી કરે છે. ગત તારીખ 12 મેના રોજ રાત્રે તેઓ તેમના મકાનના ગ્રાઉન્ડ ફ્લોરના દરવાજાનું તાળુ મારી ઉપરના માળે સુવા ગયા હતા.
તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનમાં પ્રવેશ કરી કબાટમાં મુકેલ રૂપિયા 13 લાખ 80 હજારના સોના ચાંદીના દાગીના તેમજ રોકડા 6 હજાર મળી કુલ રૂપિયા 13 લાખ 86 હજારના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે તેઓ નીચે ઉતરતા ગ્રાઉન્ડફ્લોરના મકાનનું તાળુ તૂટેલી હાલતમાં હતું અને અંદર તપાસ કરતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. આ અંગે તેઓએ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને બનાવ સંદર્ભે ચોરી અંગેની ફરિયાદ નોંધી તસ્કરોનું પગેરૂ મેળવવા પોલીસે તેમના ચક્રોગતિમાન કર્યા છે.