
ભરૂચ જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી (કેદી ક્રમાંક 35359) નવીનભાઈ ઝીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ આજે વહેલી મુક્તિ મળી હતી. તેમણે અત્યાર સુધી 14 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યા હતા અને સમગ્ર અવધિ દરમ્યાન તેમની વર્તનતા ઉત્તમ રહી હતી.
સરકારને દરખાસ્ત મોકલી હતી
ભરૂચ જીલ્લા જેલના ઈન્ચાર્જ અધિક્ષક વી એમ ચાવડાએ કહ્યું કે, ભારતીય ન્યાય સંહિતાની કલમ-473 મુજબ પાત્રતા ધરાવતાં કેદીની વહેલી મુક્તિ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.સંબંધિત અધિકારીઓ અને જેલ સલાહકાર સમિતિ પાસેથી હકારાત્મક અભિપ્રાય મેળવી સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી.
જેલ બહાર લાગણીસભર દ્રશ્યો
રાજ્ય સરકારે બાકી રહેલી સજા માફ કરી તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.જેલ બહાર આવતાં જ નવીનભાઈ પટેલને મળવા તેમના પરિવારજનો અને સ્નેહીજનો હાજર રહ્યા હતા.લાંબા વિરામ પછી મળતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા અને ખુશીની લહેર જોવા મળી.જેલ અધિક્ષકે તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવીને વિદાય આપી હતી.