
Bharuch News: ભરુચ જિલ્લામાં ચાલી રહેલા મનરેગા કૌભાંડ મામલે રાજકીય ગરમાવો તેજ બની રહ્યો છે. આજે જ ભરુચના સાંસદ મનસુખ વસાવાએ મનરેગા કૌભાંડ મામલે ચોંકાવનારું નિવેદન આપ્યું હતું જેને લઈ આમ આદમી પાર્ટીના ધારાસખ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી રહી છે.
ચૈતર વસાવાએ કહ્યું કે, આખરે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ મનરેગા કૌભાંડની વાત સ્વીકારી. મનસુખ વસાવા કૌભાંડના તમામ પુરાવા જાહેર કરે. સરકાર હવે નિવૃત્ત હાઇકોર્ટ જજની અધ્યક્ષતામાં તપાસ કરાવે.
વધુમાં ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, 2500 કરોડના કૌભાંડની તપાસ CBI, ED, GST વિભાગને સાથે રાખીને કરવામાં આવે. રેતી-કપચી નાખ્યા વગર કરોડો ખાઈ ગયા. ભાજપના મંત્રી, સાંસદ, ધારાસભ્ય અને અધિકારીઓ હપ્તાખોરીમાં સામેલ છે. ભ્રષ્ટાચારમાં ભાજપના મોટા નેતાઓના નામ બહાર આવશે.
શું છે સમગ્ર મામલો?
આજે ભરુચના સાંસદ મનસુખ વસાવાએ આ કૌભાંડમાં મોટો ધડાકો કરતાં જણાવ્યું હતું કે, કામ કરનારી એજન્સી દ્વારા વિવિધ પક્ષોના નેતાઓને રૂપિયા આપવામાં આવ્યા હતા, જેમાં વિપક્ષના નેતાઓનો પણ સમાવેશ થાય છે.
સાંસદ મનસુખ વસાવાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, કૌભાંડ આચરનારી એજન્સીના કેટલાક માણસો તેમને મળવા આવ્યા હતા. તેમણે આ માણસોને રાજપીપળા ગેસ્ટ હાઉસમાં બોલાવીને જાહેરમાં મીટિંગ કરી હતી. આ મીટિંગ દરમિયાન એજન્સીના માણસોએ તેમને એક યાદી બતાવી હતી, જેમાં કૌભાંડના ભાગરૂપે દરેક પક્ષના નેતાઓને ચૂકવવામાં આવેલા રૂપિયાનો ઉલ્લેખ હતો.
મનસુખ વસાવાએ આક્ષેપ કરતા કહ્યું કે, "વિપક્ષના નેતાઓ જે આક્ષેપ કરી રહ્યા છે, તેમાંથી જ કેટલાક શાહુકાર બન્યા છે. વિપક્ષના નેતાઓએ પણ રૂપિયા લીધા છે." આ ઉપરાંત સાંસદે 'સ્વર્ણિમ' નામની એજન્સીનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેણે મનરેગા હેઠળ કામો કર્યા છે. તેમણે આ એજન્સીના કામોની પણ વિગતવાર તપાસ થવી જોઈએ તેવી માંગ કરી હતી.