
ભરુચ જિલ્લાના નેત્રંગ પંથકમાં આવેલી ચાસવડ ડેરીના ગોડાઉનમાંથી અજાણ્યા ઈસમ દ્વારા 935 ઘીના ડબ્બાની ચોરી કરવામાં આવી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપીએ લગભગ 12 ફૂટ ઊંચી દીવાલ કૂદીને ગોડાઉનમાં પ્રવેશ કર્યો હતો અને મોટી માત્રામાં ઘીના ડબ્બા લઈ ફરાર થયો હતો.
તપાસ હાથ ધરાઈ
ગોડાઉન સંચાલકોએ ઘીના ડબ્બાની સંખ્યા ઓછી જણાઈ ત્યારે શંકા આધારે સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યું. ફૂટેજમાં એક અજાણ્યો ઈસમ ગોડાઉનમાં પ્રવેશતો અને સામાન લઈ જતો નજરે પડ્યો હતો.
પોલીસે હાથ ધરી તપાસ
આ ઘટનાની તાત્કાલિક જાણ પોલીસને કરવામાં આવી હતી અને કુલ રૂ. 5,61,000ના ઘીના ડબ્બાની ચોરી અંગે નેત્રંગ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. નેટ્રંગ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.