
સુરતમાં વરસાદ પહેલાં રખાતી પ્રી-મોન્સૂન કામગીરી વિશે મહાનગરપાલિકા ભલે દાવા કરે કે તમામ રોડ-ડ્રેનેજનું કામ પૂર્ણ થઈ ગયેલું છે. પણ ભાઠા ગામના રહીશો માટે તો તંત્રના આ દાવા માત્ર કાગળ પર જ પૂરતા છે.
ખાનગી રસ્તામાંથી પસાર થવા મુશ્કેલી
ભાઠા ગામથી માયાવંશી મોલ્લા સુધીનો મુખ્ય માર્ગ છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી સંપૂર્ણપણે બંધ છે. અહીં ડ્રેનેજનું કામ પુરૂ થઈ ગયા બાદ પણ રસ્તાનું પુનઃનિર્માણ થઈ ન શક્યું, જેના કારણે 50થી વધુ પરિવારો અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક લોકોએ અનેક વખત મહાનગરપાલિકા અધિકારીઓ, કોર્પોરેટરો અને તંત્રને રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા હવે તેઓ બીજાની ખાનગી મિલકતોમાંથી પસાર થવા મજબૂર બન્યા છે.
દાવા ખોટા થયા પૂરવાર
તંત્ર તરફથી રોડ અને ડ્રેનેજ કામ પૂર્ણ થઈ જવાનો દાવો કરવામાં આવ્યો છે, પણ ભાઠા ગામના વાસીઓ માટે તો એ દાવા ખોટા પુરવાર થઈ રહ્યા છે. લોકોની મુશ્કેલી સાંભળી તંત્ર ક્યારેય હરકતમાં આવશે કે નહીં તે હવે પ્રશ્ન બન્યો છે. ભાઠા ગામના રહેવાસીઓ તત્કાલ પગલાં લેવાય અને રસ્તો વહેલી તકે તૈયાર કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ સામે ભાઠા ગામનું સચ્ચાઈભર્યું ચોખ્ખું કરે છે કે હજી ઘણું કામ બાકી છે.