Home / GSTV શતરંગ / Bhavin Adhyaru : If these seasons go away we will complain! Bhavin Adhyaru

શતરંગ / યે મૌસમ ચલે ગયે તો હમ ફરિયાદ કરેંગે!

શતરંગ / યે મૌસમ ચલે ગયે તો હમ ફરિયાદ કરેંગે!

- સ્લાઈઝ ઑફ લાઈફ 

જેમ કોઈ ડિપ્રેશનમાં સરેલા માણસને એક સહારાની જરૂરિયાત રહે એમ સામાન્ય માણસને પણ રોજિંદી જિંદગીમાં આવો કોઈક તો સોર્સ જોઈએ જેનાથી એને જીવવાની મજા પડે, ઇચ્છા જાગે, એક પ્રકારની ‘કિક’ લાગે.પણ ધીરે ધીરે સંબંધોમાં પણ સમય જતા ઝાંખપ આવે એમ અને એને ‘રિવાઇવ’ કરવા માટે ગેટ ટુ ગેધર, મેળાવડા, પોટલક પાર્ટી, નાઈટ આઉટ જેવા લાઈફ સપોર્ટ ઈકવિપમેન્ટનો સહારો લેવો પડે છે. આપણે બધા એટલી બધી ફાસ્ટ લાઈફ જીવવા લાગ્યા છીએ કે સહેજ પર રૂરલ ટચ વાળી ફિલ્મ પણ આપણને પચાવતા વાર લાગે છે! (જેમ કે 'ન્યુટન'!) ત્યારે આજે વાત કરવી છે, આવી કેટલીક વસ્તુઓની જે આવી ત્યારે એક નોવેલ્ટી હતી, પણ સમય જતા એનો અતિરેક થતા એનું ‘નવાપણું’ કોઈ બોટોક્સના ઇન્જેક્શનથી ટકેલી યુવાની જેવું તકલાદી અને ફેડેડ થઇ ગયું. 
 
૦૧. વન-ડે ક્રિકેટ: 
 
લેઈટ સેવન્ટીઝમાં કેરી પેકર એ વન-ડે ક્રિકેટને ફ્લડ લાઈટ, મલ્ટીપલ કેમેરા ટેલિકાસ્ટ, વ્હાઈટ બોલ, ટેલિવિઝન બ્રોડકાસ્ટ અને બીજું ઘણુંબધું નવું આપી જાણે ક્રિકેટનું ‘રિઈન્કાર્નેશન’ કર્યું હતું! પછી થી લગભગ સાત જેટલા વર્લ્ડ કપ રમાયા. ક્રિકેટે ઘણા તડકા-છાંયા જોયા. ૨૦૦૬ પછી એક્ટીવ રીતે ૨૦-૨૦ ક્રિકેટ આવ્યા પછી જાણે વન-ડે ક્રિકેટને રીતસર ગ્રહણ લાગ્યું. જે ૮ કલાકની મેચ જોવા લોકો ધંધા-રોજગાર છોડી રેડિયો કાને લગાડતા, પાનના ગલ્લે જાત-ભાતની કોમેન્ટ્સ કરી ઝઘડી પડતા, પેલું ગાંગુલીનું ટિશર્ટ કાઢવું, મિયાંદાદના કુદકા, સઈદ અનવરના ૧૯૩ નોટ આઉટ, સચિનની શારજાહમાં રણના તોફાન વચ્ચેની ઝંઝાવાતી બેટિંગ અને બીજું ઘણું બધું હવે ધીરે ધીરે ઇતિહાસ બનતું ગયું. ૨૦-૨૦ ક્રિકેટ ટીનએજ લવની જેમ તન-મનમાં જાદુ કરી ગયું! ૮ કલાક ના બદલે ગેમ 3 કલાક માં પતવા લાગી. અધૂરામાં પૂરું ૨૦૦૭માં ભારત પાકિસ્તાનને હરાવી ૨૦-૨૦ વર્લ્ડ કપ જીત્યું. જાણે પડતા પર પાટુ વાગ્યું! અને દુષ્કાળમાં અધિક માસની જેમ આઈપીએલ આવતા વન-ડે ક્રિકેટ સૌને ટેસ્ટ ક્રિકેટ જેવું સ્લો લાગવા લાગ્યું. છાશવારે ચર્ચાઓ થવા લાગી કે શું ખતમ થઇ જશે વન ડે ક્રિકેટ? જાણે વર્ષોના લગ્ન પછી ઘણાને પત્ની બોરિંગ લાગવા લાગે એવું જ, ભલે એ સો ટચનું સોનું હોય! 
 
૦૨. બ્યુટી પેજન્ટ:
 
સંસ્કાર અને મર્યાદાના નામે આપને ભારતમાં એમ પણ બધા બ્યુટીને સીધી રીતે ધિક્કારે પણ અંદરથી બધાને બધું જ ગમે, બસ સ્વીકારે કોઈ નહિ. જનરલ નોલેજની કિતાબોમાં રીતા ફારિયા ૧૯૬૬માં પ્રથમ ભારતીય મિસ વર્લ્ડ વિજેતા તરીકે દર્જ છે! ઓકે, પણ એ પછી ૧૯૯૬માં બેંગલોરમાં એ.બી.સી.એલના મિસ વર્લ્ડના પ્રસારણ સામે અને સ્વીમ સ્યુટથી લઇ ઘણા તાયફા થયા હતા. છેવટે ઐશ્વર્યા રાય અને સુષ્મિતા સેનથી એક અલગ યુગ શરુ થયો. જે પ્રિયંકા ચોપરા,લારા દત્તા, યુક્તા મુખી, દિયા મિર્ઝા, ડાયેના હેડન જેવી ફૂટડીઓ એ આગળ વધાર્યો. મૌરીન વાડિયા જેવી માનુનીઓ એ ગ્લેડરેગ્સ થી લઇ અને પછી તો જાણે દુકાનો ચાલુ થઇ ગઈ, જેમ અવોર્ડસ માં પણ લાઈનો લાગે એમ બધાએ જુદા જુદા સ્તરે અવોર્ડસ ચાલુ કર્યા, વચ્ચે વચ્ચે જમ્મુમાં અનારા કાંડ જેવા કિસ્સા પણ બહાર આવ્યા. પણ છેલ્લા થોડા વર્ષોથી ના તો કોઈ ભારતીય યુવતી વિશ્વ સ્તરે વિજેતા બને છે અને ક્યારે આ બધા બ્યુટી પેજન્ટસ આવીને જતા રહે છે એ જ કોઈને ખબર નથી રહેતી. ભારતના એક એક શહેરની યુવતી કદાચ હવે સ્વીકારતી થઇ છે કે બ્યુટી જ બધું નથી અને જો બ્યુટીને કોઈ સર્ટીફિકેટની જ જરૂર હોય તો આસપાસના લોકો કદર કરે એ વધુ મહત્વનું છે. આજે આપણા માંથી કોઈને પૂછવામાં આવે કે આ વર્ષે હમણાં જ યોજાયેલી મિસ યુનિવર્સ સ્પર્ધામાં વિજેતા કોણ બની? તો કેટલાને ખબર હશે! એકના એક ગોખેલા સવાલોના જવાબો, સાવ સેવ-ગાંઠિયા જેવું શરીર બનાવી નાખતી એનોરેક્સિક બ્યુટી(?) વિશે જાણવા ઈરા ત્રિવેદીનું વોટ વુડ યુ ડુ ટુ સેવ ધ વર્લ્ડ વાંચવા જેવું ખરું! યાદ પણ છે આ વખતે મિસ ઇન્ડિયા અને મિસ વર્લ્ડ કોણ થયેલું?
 
૦૩. સ્ટેન્ડ અપ કોમેડી:
 
યાદ છે ને મુવર્સ એન્ડ શેકર્સનો શેખર સુમન, એક થી એક ઈન્ટેલીજન્ટ જોક અને સેન્સ ઓફ હ્યુમર દિલોદિમાગને તરબતર કરતી! એમટીવીનો સાયરસ બકરા બનાવતો! તો અમેરિકાનો મોસ્ટ ફેમસ સ્ટેન્ડ અપ કોમેડિયન જય લીનો પણ શોખીનોએ માણ્યો જ હશે! પછી આવી લાફ્ટર ચેલેંજ, સાવ બૈરાની જેમ ટાયલા કરીને બોલતો એહસાન કુરેશી, ‘રતન નુરા’નું કેરેક્ટર લાવનાર સુનીલ પાલ, ગજોધર અને બૈજનાથને ફેમસ કરનાર રજુ શ્રીવાસ્તવ અને ગુરદાસ માન જાણે એક અલગ જ ક્રેઝ લાવ્યા! પણ જેમ નકલચીઓની જમાત બનતા વાર ના લાગે એમ આમાં પણ બધા અજાણ્યા લોકો એ જુકાવ્યું. પરિણામે લાફ્ટર ચેલેન્જ નો ‘હનીમુન પીરીયડ’ માંડ ૨ વર્ષ ચાલ્યો, અને ક્યાંક ખોવાઈ ગયું. (ઘણાને હજુ પેલી પેરિઝાદ કોલાહ યાદ હશે!) પછી મેજર ગણીએ તો કોમેડી સર્કસ આવ્યું, મોટે ભાગે ઈન્ટેલીજન્ટ છતાં એડલ્ટ કોમેડી પીરસતું અને પાકિસ્તાની શકીલ, ક્રિશ્ના-સુદેશ અને અર્ચનાની રાક્ષસછાપ હાંસી બહુ જ ચાલી! હવે એમાં ઓટના દહાડા આવ્યા છે. સવાલ એ છે કે સ્ટેન્ડ અપ કોમેડીનું ભારતમાં ભવિષ્ય શું? ટીવી થી દૂર ઇન્ટરનેટ (યુ ટ્યુબ) પ્લેટફોર્મ બની ગયું છે! 
 
૦૪. ટેલેન્ટ હન્ટ: 
 
હંમેશા લોકો પર ઈમોશનલ અપીલનો વાર કરી એડ્રિનાલિન રશ ઉભો કરતા રિયાલિટી શોઝ અને ટેલેન્ટ હન્ટ શરૂઆતમાં બહુ જ સક્સેસફૂલ નીવડ્યા પણ પછી સમય જતા એકદમ બધું જ કૃત્રિમ, ફિક્સ્ડ લાગવા લાગ્યું. ગરીબ વ્યક્તિમાં રહેલા ટેલેન્ટ ને બહાર લાવી રાતોરાત ફેમસ કરવાના દવા કરતા આવા પ્રોગ્રામ્સ કોઈ ઉલ્હાસનગરના ડુપ્લિકેટ રેડીઓ કે ચાયનીઝ મોબાઈલ જેવા સાબિત થયા, આજે હાલત એ છે કે દરેક ચેનલ પર કઈ ને કઈ આવા તાયફા ચાલે છે, દરેકમાં એસએમએસ ની વણઝાર લગાવી ટેલીકોમ કંપનીઓને બખ્ખા કરાવી આપવાના! 
 
 ૦૫. ઓરકુટ અને મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટસ્: 
 
૨૦૦૪ પછી ગુગલે લોન્ચ કરેલી ઓરકુટ જાણે ભૂખમાં ગાજર જેવી સાબિત થઇ! સોશિયલ નેટવર્કીંગમાં ભારતમાં ઓરકુટ પાયોનિયર બની. ફાયદા-ગેરફાયદાની લાંબી વાતો અહી નથી કરવી પણ, અત્યારે ફેસબુક એ ઓરકુટને રીતસર ‘ચેકમેટ’ કરી દીધું છે! ઓરકુટ કોઈ ૧૮મી સદીના ફ્લિનસ્ટોન્સ કાર્ટુન સ્ટ્રિપ જેવું ભાષે છે! મોબાઈલ ઈન્સ્ટ્રુમેન્ટસ્ માં પણ ડિટ્ટો અતિરેક અને ક્લટર્ડ માર્કેટના લીધે આજે મોબાઈલનું માર્કેટ કોઈ ગામડાની લોકલ બસની જેમ ફાટ ફાટ થાય છે. સામ પિત્રોડાની વાતો હવે જુના જમાનાની લાગે એવી હાલત છે, પેલા વજનદાર બેટરી વાળા મોબાઈલ થી લઇ આજે ઓર્ગેનિક LED અને ફેસ ડિટેકશન સુધીની સફર પછી મોબાઈલથી લોકો અઠવાડિયામાં એક દિવસ કે કેટલાક કલાકો બંધ કે સાયલન્ટ રાખી શાંતિ અનુભવવાની મિથ્યા કોશિશ કરે છે! આમાં પેલા ડમ્બ ફૉનનો આડંબર પણ ગણી લેજો! 
 
આ સિવાય મોંઘીદાટ પાર્કર પેન્સ, એસએમએસ પેક્સ, સરાહા જેવી એપ્સ, પૉકિમૅન જેવી ગેઇમ્સ પણ વાત બહુ સિમ્પલ છે, જેની ભરતી છે, એની ઓટ આવવાની જ, ક્યારેક કંટાળાની ફિલિંગ આવવાની જ, જરૂર છે સારા વિકલ્પોની, કંટ્રોલ્ડ વપરાશ કે આદતની. જેમ હવે દર ૫ વર્ષે તમે જૂની પેઢીના થઇ જાઓ છો અને એક નવી એડવાન્સ્ડ પેઢી આવે જ એમ આ ઉપર ગણાવેલી દરેક વસ્તુઓ હવે રૂટિન બની ધીરે ધીરે ‘ભૂતકાળ’ બનતી જાય છે! બધું જ જાણે સંજોગોને આધીન અને સબ્જેક્ટિવ છે! (શિર્ષક પંક્તિ - આનંદ બક્ષી, ફિલ્મ : લમ્હે) 
 
- ભાવિન અધ્યારુ

પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.