- સ્લાઈઝ ઑફ લાઈફ
‘’હવે ક્યાં એ લામ્બ્રેટા અને અર્ધી ચા? તું હવે ક્યાં મારી પ્રમાણિકતા જોતી;
નોકરી-મકાન અને ઓળખનું કમઠાણ,સંઘર્ષ જિંદગીનું બીજું નામ,
હવે એ નિર્દોષતા ક્યાં? એ ફાટેલી અને ટૂંકી શર્ટનું રફુ ક્યાં?
કપુચીનો અને બ્રાન્ડ્સમાં મારી નિર્દોષતા ક્યાંક ખોવાઈ ગઈ,
જો ને હજુ એ લાગણી ની આત્મા રીશિદાની ફિલ્મોમાં ભટક્યા કરે છે!
ટાઇગર શ્રોફનાં ઝટકા અને દિપ્પીનું ઝીરો ફિગર લાગતું મને આર્ટિફિશિયલ;
અમોલ પાલેકર-વિદ્યા સિંહા અને જુનું મુંબઈ આ ૭૦એમએમ રોજ મિસ કરે છે!’’
આજે વાત કરવી છે સિનેમાના એક એવા પ્રકાર વિષે જે આજે લગભગ ગુમશુદા બન્યો છે. નામ છે એનું 'મિડલ ઓફ ધ રોડ મુવિઝ'. રિષિકેશ મુખર્જી અને બાસુ ચેટરજી, (ઘણે અંશે હવે સુજિત સિરકાર અને રજત કપૂર પણ!) આ પ્રકારની ફિલ્મોના સર્જક હતા, જેને એ સુવર્ણ યુગને કેમેરામાં કેદ કરેલો. એ માસુમિયત અને રિયાલીટીને કેદ કરવી આજે નામુમકીન છે! મિડલ ક્લાસ કે જેની જિંદગી એની ૩ મુખ્ય વસ્તુઓ સર્જવામાં જાય છે એ નોકરી-પોતાનું ઘર અને પોતાની ઓળખ, બસ બાસુદા અને રિશિદા આ પરિસ્થિતિ અને જિંદગીને ૭૦એમએમ ના પડદે આબેહુબ કંડારતા. મિડલ ઓફ ધ રોડ મુવીઝ એટલે એવી ફિલ્મો જેમાં જમીની હકીકત છે, સંઘર્ષ છે, નોકરી ની તલાશ છે, બોસ ની ગાળો છે, ગમતી છોકરીની ના-પસંદ છે, પોતાની ઓળખ ઉભી કરવાની જદ્દોજહદ છે.
મુખ્યત્વે ફોરેન લોકાલ્સ અને ઝાકઝમાળ નહિ પરંતુ ભારતીય શહેરોના આકરા તાપ વાળા રસ્તાઓ પર શુટિંગ તેની આગવી ઓળખ હતા. થોડા ઉદાહરણો જોઈએ તો ૧૯૭૦-૭૫ ના સમયમાં જવું પડે. બાસુ ચેટરજીની ખટ્ટા-મીઠા, હમારી બહુ અલ્કા, લાખો કી બાત, બાતો બાતો મેં, ચિતચોર, રજનીગંધા, પ્રિયતમા, છોટી સી બાત, કિરાયેદાર, મનપસંદ વગેરે વગેરે તો બીજી બાજુ રીશિદાની બાવર્ચી, આનંદ, ગોલમાલ, ખુબસુરત, નરમગરમ, મિલી, રંગબિરંગી, અભિમાન, ગુડ્ડી અને સત્યકામ યાદ કરવી જ પડે. શું છે જે આ ફિલ્મો માં હતું જે આજે મિસિંગ છે, શું હતું કે આપને આજે એની વાત માંડી ને બેઠા છીએ? ચાલો કેટલાક એલીમેન્ટ્સ પર નજર નાખીએ...
• સાદગી: સૌથી પહેલા ઉડીને આંખે વળગે એવું કઈ હોય તો એ છે સાદગી, ફર્નિચર એકદમ સાદું અને સરળ, અમોલ ફારુક શેખ અને દીપ્તિ નવલ ડેટ પર જાય તો પેલી કાપડ ની ખુરશી પર બેસે અને ગાર્ડનમાં એકદમ ટીપીકલ ગીત આવે. દીપ્તિ નવલ હોય કે બિંદીયા ગોસ્વામી, સંપૂર્ણ ભારતીય નારી જેવી સાડી. ઘરમાં પેલો ચકરડા વાળો ફોન અને સગા વહાલા ને ફોન કરતી વખતે કરવામાં આવતો ટ્રંકકોલ! માં ના બનાવેલા લાડુ, નોકરીમાં આપવામાં આવતો ત્યારના વખતનો ૫૦૦ રૂપિયાનો પગાર! પંજાબી ડ્રેસ પણ જ્યાં વેસ્ટર્ન તરીકે લેખાય અને સગાઇ-લગ્ન તો માં-બાપ જ નક્કી કરે! પેલી એકદમ એન્ટિક ઘડિયાળો અને ખાદીના ઝભ્ભા. હીરો ની મૂછ અને હિરોઈન એકદમ સીટી બસમાં જનારી સાવ સરળ ભારતીય નારી. ક્લિવેજ શબ્દ જાણે સિનેમામાં કોઈ ન જાણતું, એડલ્ટ સર્ટિફિકેટની ગાઈડલાઈન્સ પણ અલગ હતી. હજુ એ સમયે બાદશાહ અને હની સિંઘ ક્યાં જોયેલા?
• ઓરિજિનાલિટી: વાત આવે ઓરિજિનાલિટીની તો માનવું પડે કે એ સમયમાં અને એ ફિલ્મો માં નકલ આપણે ભાગ્યે જ સહન કરવાની આવતી. પ્લેગ્યરીઝમનો સડો હજુ સિનેમાને નહોતો લાગેલો. 'કથા', 'ખુબસુરત' અને 'ઘરોંદા' જેવી ફિલ્મો જાણે અસ્સલ ઝિંદગાનીનો અરીસો હતી. કથાનો રાજારામ જોશી (નસીર સાહેબ) જોઇને આંખોમાં ઝળઝળિયાં આવી જાય, કેવું આબેહુબ ચિત્રણ, કોઈ પણ આવીને મૂરખ બનાવી જાય અને જે પણ ફિલ કરે ક્યારેય કઈ ના કહી શકે. આજે પણ એકદમ બદમાશ અને લુચ્ચા ઇન્સાન જોઈએ ત્યારે કથા ફિલ્મનો બાસુદેવ (ફારુક શેખ) યાદ આવી જાય. છે આજે કોઈ માય નો લાલ જે સઈ પરાંજપેની જેમ ચશ્મે બદ્દૂર જેવી નિતાંત સરળ અને સુંદર ફિલ્મ બનાવી શકે? કોણ બનાવે છે આજે ભાડે રૂમ રાખી રહેતાજુવાનિયાઓ પર ફિલ્મ? (સાંભળો છો બાઝમીઓ અને રોહિત શેટ્ટીઓ??) અને બની જાય તો પણ ફુલ ઓફ ડબલ મિનિંગ વલ્ગર ફિલ્મ જ બને એની ગેરંટી!
• સંઘર્ષ: સંઘર્ષ તો જાણે મિડલ ઓફ ધ રોડ ફિલ્મ્સની ધોરી નસ હતી, 'ખટ્ટા મીઠા' માં રાકેશ રોશનને એનો થનારો સસરો પ્રદીપ કુમાર કહે છે, કમાઈ શકીશ મારી દીકરીને રાખી શકે એટલું? એ સિવાય ભાડે મકાન ખાલી કરવાની નોબત આવે એવી દારુણ પરિસ્થિતિ, છતાં બધા કેટલા હસતા હસતા બધું સહન કરી એમાં થી બહાર આવતા (આજે તો ગોલમાલ ૩ માં રોહિત ભાઈ બેઠું 'ખટ્ટામીઠા' તો 'ગોલમાલ' ની નકલ ઉતારી 'બોલ બચ્ચન' બનાવે છે!) બીજી તરફ ગોલમાલમાં એકદમ સિદ્ધાન્તવાદી બોસ (લેજન્ડરી ઉત્પલ દત) ને ચકરી ખવડાવતો અને ક્યારેક થાકી પણ જતો અમોલ પાલેકર. ઘરોંદામાં પોતાનું ઘર નું ઘર બનાવવાની ચેલેન્જ, છોટી સી બાતમાં કોન્ફિડેન્સ ના અભાવે કાયમ પાછળ પડતો અરુણ (સુપર્બ અમોલ પાલેકર અગેઇન) જાણે સંઘર્ષ નું બીજું નામ.
સો બેઝિકલી, મિડલ ઓફ ધ રોડ મુવિઝ એટલે એક એવો નાયક અને નાયિકા ની કથા જે હીરો કે સુપર નેચરલ તાકાત ધરાવતા નથી પણ એનામાં આક્ર તાપ, પોતાની ઓળખ ઉભી કરવાની કોશિશ કરતા રહેવાનો એક અતુટ ભરોષો છે. એ ક્યારેય પ્રયત્ન નથી મુકતો. એ ક્યારેય હાર નથી માનતો, સંજોગો ને હંમેશા ફાઈટ આપી હંફાવે છે. રિશિદા અને બાસુદા આપણને આવી ફિલ્મો આપી ગયા એ માટે એમને સત સત સલામ...
ડેઝર્ટ:
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.