
સુરતના ડુમસ વિસ્તારમાં શ્રી ભીમપોર સામુદાયિક સહકારી મંડળીના સભ્યો માટે સ્નેહમિલન સમારંભ યોજાયો હતો. જેમાં મુખ્ય અધ્યક્ષ તરીકે સામાજિક આગેવાન દિપક ઇજારદારે હાજરી આપી હતી. સમારંભ દરમિયાન ખેતીની જમીનના હેતુ ફેરફારને લઈને નોંધપાત્ર ચર્ચા થઈ હતી. ખેડૂતોના હિત માટે દિપક ઇજારદારે કહ્યું કે, ડુમસ, ભીમપોર, આભવા, સુલતાનબાદ અને ખજોદ જેવા વિસ્તારોમાં ખેતીલાયક સરકારી જમીનનો હેતુફેર કરી તેમાં ઝીંગા તળાવ ઉભા કરવામાં આવ્યા છે, જેના પાછળ મોટા મોઢા અંગત લાભો મેળવવાની કોશિશ કરી રહ્યા છે.
તળાવમાં ખેતી કરી બતાવવા હાકલ
તેમણે કહ્યું કે, “ઝીંગા તળાવની જમીન સરકારના માલિકીની છે એટલે તેને પાછી મેળવવી સરળ નથી. પરંતુ હું ગામલોકોના હિત માટે ઊપર સુધી રજુઆત કરીશ.”ખેડૂત અગ્રણી દિપક ઇજારદારે વધુમાં જણાવ્યું કે, “સરકાર કહે છે કે જો તમારું દાવો સાચો હોય તો તળાવમાં ખેતી કરી બતાવો. જો ગામવાસીઓ ઝીંગા તળાવ દૂર કરવા માંગતા હોય તો તેમને પણ મહેનત કરવી પડશે.”
જમીનોનો દુરુપયોગ
દિપક ઇજારદારે ભીમપોર સહકારી મંડળીના અમુક સભ્યો પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે તેઓ વિકાસના નામે સરકાર શ્રી ની જમીનો ના દુરુપયોગમાં સામેલ છે.તેમણે ગ્રામજનોને આગ્રહ કર્યો કે, દરેક વિસ્તારના ગ્રામજનો દિપક ઈજારદારને ટૂંક સમયમાં "સોગંદનામા પર લખી આપે કે તેઓ પોતે જ રાજીખુશીથી ઝીંગાના તળાવ હટાવવા માંગે છે." તેમણે અંતે ઉલ્લેખ કર્યો કે, "એરપોર્ટ માટે 357 હેકટરની જગ્યા પૂરતી છે. તળાવની પાછળના અન્ય હેતુઓ પર પ્રશ્ન ચિહ્ન ઉભું થાય છે."