Kutch News: કચ્છમાં પડેલા ભારે વરસાદને લઈને તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અનેક જગ્યાએ રસ્તાઓ તૂટ્યા છે, ક્યાંક ખેતરો બેટમાં ફેરવાયા છે. ભુજ તાલુકાના કોડકી નજીક પણ તળાવ તૂટી જવાના કારણે આસપાસના ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યાં છે. પરિણામે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
ભુજ તાલુકામાં પડેલા ભારે વરસાદના કારણે કોડકી નજીક આવેલ તળાવ તૂટી ગયું છે. તળાવ તૂટવાના કારણે ફોટડી અને કોડકી ગામનો રોડ તૂટી જતા વાહન વ્યવહાર બંધ થયો છે. પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે રસ્તો તોડી પાણી ખેતરોમાં ઘુસ્યા છે. જેના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકશાન થયું છે. કચ્છમાં મેઘરાજાએ તો ભલે વિરામ લીધો હોય પરંતુ લોકોની હાલાકી હજુ પણ ઓછી થઈ નથી. અનેક જગ્યાએ આ પ્રકારે વરસાદી પાણીના કારણે હાલ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જોકે તળાવ તૂટવાની ઘટના અને ખેડૂતોને થયેલા નુકશાનને લઈને હજુ સુધી કોઈપણ જાતની સર્વેની કામગીરી કરવામાં આવી નથી. ત્યારે સરકાર હવે સત્વરે સર્વે કરીને ખેડૂતોને નુકશાનીનું વળતર ચૂકવે તેવી માંગ અહીંના ખેડૂતો કરી રહ્યા છે.