
Kutch news: કચ્છ જિલ્લામાં મેઘરાજાની મહેરબાનીથી સર્વત્ર આનંદનું વાતાવરણ છવાયું છે. ભૂજ શહેરમાં ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી શરૂ થયેલી મેઘમહેર સવારે 4 વાગ્યા સુધી ચાલુ રહી હતી. આ દરમિયાન 5 ઈંચ વરસાદ ભૂજમાં ખાબકી ગયો હતો.
મળતી માહિતી અનુસાર, કચ્છ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં સતત ધીમી ધારે વરસાદ થકી જળાશયોમાં નવા પાણીની આવક શરૂ થઈ છે. મુન્દ્રાનો ગજોડ ડેમ, માંડવીનો વિજય સાગર ડેમ, અબડાસાનો કંકાવટી અને બેરાચીયા ડેમ માંડવીનો વેગડી ડેમ ઓવરફ્લો થયા છે. ભૂજ તાલુકાની પાવરપટ્ટીના ગામોની સિંચાઈ માટે મહત્વનો ઝુરાનો કાયલા ડેમ પણ છલકાયો છે.
ભારે વરસાદની લીધે તંત્રએ નીચાણવાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસી જવા અને નદીપટમાં અવરજવર ન કરવા અપીલ કરી છે. રસ્તાઓ પર પાણી ભરાવા ખાડા પડવાથી શહેરીજનો હાલાકીમાં સપડાયા છે.આમ મોટાભાગના શહેરોમાં લાખો રૂપિયાના ખર્ચે થતી પ્રિ-મૉન્સૂનની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. રાતભર વરસેલા વાવણીલાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા છે.