
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા લગાવવામાં આવતાં સ્માર્ટ મીટર મુદ્દે વિવાદ શમતો દેખાતો નથી. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં પણ હવે આ મુદ્દે નવો વિવાદ ઊભો થયો છે, જેમાં વાલ્મિકીવાસ વિસ્તારના રહેવાસીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિક રહેવાસીઓએ DGVCL વિરુદ્ધ આક્ષેપ કર્યો છે કે વિજ વિભાગના કર્મચારીઓએ કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના આપ્યા વિના ઘરોમાં ઘૂસી જઈને જૂના મીટર બદલીને નવા સ્માર્ટ મીટર લગાવી દીધા. અનેક લોકોને તો ખબર પણ ન પડી કે મીટર બદલી દેવામાં આવ્યું છે.
જબરદસ્તી અને ઘૂસણખોરીનો આરોપ
મહત્વનું છે કે વાલ્મિકીવાસ જેવા રહીશવાળા વિસ્તારોમાં, જ્યાં લોકોનું જીવનજ્ઞાન સીમિત હોય છે, ત્યાં આ પ્રકારની જબરદસ્તીથી કાર્યવાહી વધુ અસ્વીકાર્ય બની જાય છે. લોકોનું કહેવું છે કે, "અમે કોઈ મંજૂરી આપી નથી, છતાં ઘરમાં ઘૂસીને મીટર બદલી નાખ્યાં. આ ગંભીર બાબત છે."વિરોધ વધતા વીજ કંપનીના અધિકારીઓ સ્થળ પર પહોંચી સમાધાન માટે લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
શંકા દૂર કરવી જરૂરી
અધિકારીઓએ કહ્યું કે સ્માર્ટ મીટરો લાગતા લોકોને તેમના વીજ ઉપયોગ અંગે વધુ સ્પષ્ટ માહિતી મળશે અને બિલિંગ વ્યવસ્થા વધુ પારદર્શક બની રહેશે.આ સમગ્ર ઘટનાએ એક મોટું પ્રશ્ન ચિહ્ન ઊભું કર્યું છે – શું લોકસંમતી વિના સ્માર્ટ મીટર બેસાડવા યોગ્ય છે? હજુ પણ અનેક વિસ્તારોમાં સ્માર્ટ મીટર પ્રત્યે શંકા અને ભયનું માહોલ છે, જેને દૂર કરવું પણ વીજ વિભાગ માટે મોટી જવાબદારી બની છે.