
- એન્ટેના
- બાવીસ કેરેટના દાગીના ખરીદનારને 16 કે 18 કેરેટના દાગીના પધરાવી દેવામાં આવે તેવી વધી રહેલી સંભાવના
સોનાના ભાવ રૂા. ૯૬૦૦૦ની સપાટીની આસપાસ રમી રહ્યા છે. આ સ્થિતિમાં બજારમાં મળી રહેલાદાગીના ખરેખર સાચા સોનાના છે કે બનાવટી સોનાના તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે. જોકે સોનાના દાગીનાના હોલમાર્કની સિસ્ટમ આવી ગઈ છે. તેથી સોનાના બનેલા દાગીનાનું પગેરું મેળવી શકાય છે. તેમ જ ખરીદતી વખતે પણ તેની ગુણવત્તાની ચકાસણી કરી શકાય છે. હોલમાર્ક વાળું સોનું ખરીદો તે તે સાચું સોનું હોવાનું માની લેવામાં આવે છે. દસ ગ્રામ સોનાના ભાવ રૂ.૯૯૦૦૦ને વળોટી ગયા ત્યારથી બનાવટી સોનું પધરાવી દીધું હોવાના હેવાલો વહેતા થયા છે. તેમાં લોકો મહેનતની કમાણીના નાણાં ગુમાવી રહ્યા હોવાના હેવોલો પણ છપાઈ રહ્યા છે.
૨૦૨૦ની સાલમાં સોનાના ભાવ રૂા. ૫૦,૦૦૦ની સપાટીએ હતા. ત્યારબાદ સોનાના ભાવમાં બહુ જ મોટો વધારો જોવા મળ્યો છે. અત્યારે સોનાનો ભાવ રૂા. ૯૬૦૦૦ની આસપાસનો ભાવ છે. એપ્રિલ મહિનામાં તો ૧૦ ગ્રામ સોનાના ભાવ રુ. ૧ લાખને વળોટી ગયો હતા. તેથી બનાવટી કે ઓછા કેરેટનું સોનું પધરાવી દેવાનું વલણ અને ચલણ વધી રહ્યું છે. સોનાનો વેપારી તમને ૨૨ કેરેટનું સોનું હોવાનું જણાવીને ૧૮થી ૨૦ કેરેટના સોનાના દાગીના પધરાવી દે તેવી તમામ શક્યતાઓ રહેલી છે. તેથી હોલમાાર્ક તમને દેખાડે તેવો આગ્રહ રાખવો પણ જરૂરી છે. તમે ઇયરરિંગ, ગળાનો હાર કે પછી અન્ય કોઈ દાગીના ખરીદો ત્યારે તમારા સોનીને તેનો બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણેના દાગીના છે કે નહિ તેનો રિપોર્ટ બતાવવાની ફરજ પાડી શકો છો. તેના પરથી સોનાની શુદ્ધતા, તેના કેરેટ અને તેની અસલિયતનો બરાબર પરિચય મેળવી શકાય છે.
સોનાના દાગીના પર બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનો લોગો લાાગેલો હોવો જરૂરી છે. તેનાથી સોનાની શુદ્ધતા, કેરેટની ખાતરી મળી રહે છે. તેના પર છ આંકડાનો આલ્ફાન્યુમરિક નંબર પણ જોવા મલે છે. જૂની વ્યવસ્થા હેઠળ છ આંકડાનો આલ્ફાન્યુમરિક નંબર લખવો ફરજિયાત નહોતો. હવે આ નંબર લખવો ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. તેમાં જ્વેલર્સનું નમ, હોલમાર્કિંગ કરી આપનાર સેન્ટરનો નંબર પણ લખલો હોય છે. હવે છ આંકડાના આલ્ફાન્યુમરિક નંબર લગાવ્યા વિના સોનાના દાગીના વેચી જ શકાતા નથી. તેના પર હોલમાર્ક યુનિક આઈડેન્ટિટિ નંબર હોવો પણ એટલો જ જરુરી છે. ૩૧મી માર્ચ ૨૦૨૩થી હોલમાર્ક યુનિક આઈડેન્ટિટિ નંબર લખવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આ નંબરથી દાગીના ઉત્પાદનથી માંડીને વેચાણ સુુધીની વિગતો મેળવી શકાય છે. દરેક દાગીના પર આ પ્રકારનો યુનિક નંબર લાગેલો જ હોય છે.
બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડની એપ પર જઈને તેની વિગતો હાંસલ કરી શકો છો. તેના પર દાગીનાનો આખો ઇતિહાસ મળી શકે છે. તેમાં તમારી સાથે છેતરપિંડી થઈ હોય તો તમને તેના પર વળતર પણ મળી શકે છે. હોલમાર્ક કરેલા દાગીનામાં કોઈ ક્ષતિ દેખાય તો દાગીનાના ખરીદનારને વળતર આપવા કંપની બંધાયેલી છે. સોનાના વજનમાં છેતરપિંડી થઈ હોય તો તેનું પણ વળતર માગી શકાય છે.
- વિવેક મહેતા