
ગુજરાત રાજ્યના રાજકોટ શહેર અને જિલ્લા ભાજપના સંગઠનનું નવું માળખું રચવાની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટ શહેર અને જિલ્લા ભાજપ મહામંત્રી માટે 3-3ની પેનલ બનાવવામાં આવશે.
20 હોદેદારો જેમાં 3 મહામંત્રી, 8 ઉપપ્રમુખ, 8 મંત્રી અને 1 કોષાઘ્યક્ષના નામ પર કોની મહોર
પ્રાથમિક માહિતી અનુસાર આજે જ પ્રદેશ ભાજપમાંથી માર્ગદક્શિકા જાહેર કરવામાં આવશે. શહેરના માળખામાં પૂર્વ મહામંત્રીના નામ ઉપરાંત અન્ય બે નવા નામો મૂકવામાં આવશે. શહેરમાં અન્ય 20 હોદેદારો જેમાં 3 મહામંત્રી, 8 ઉપપ્રમુખ, 8 મંત્રી અને 1 કોષાઘ્યક્ષ માટે અનેક નામો ચર્ચાઈ રહ્યા છે. છેલ્લા ઘણા વખતથી ભાજપ પ્રદેશ પ્રમુખનું કોકડુ ગુંચવાયું છે, વિસાવદરની પેટાચૂંટણીમાં કારમી હાર બાદ હાઈકમાન્ડે ગુજરાત પર ધ્યાન કેન્દ્રીત કરવું પડ્યું છે.
મહામંત્રીની પસંદગી માટે અમુક ધારાધોરણ નક્કી કરવામાં આવ્યું
તો બીજી તરફ શહેર અને જિલ્લા ભાજપ સંગઠનમાં મહામંત્રીની પસંદગી માટે અમુક ધારાધોરણ નક્કી કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પાર્ટીમાં કોર્પોરેટર કે બે વખત મહામંત્રી રહી ચૂકયા હોય તેવા નેતાઓને લગભગ નવા સંગઠનમાં સ્થાન નહી મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
માર્ગદર્શિકા મુજબ મહામંત્રીના નામોની પેનલ તૈયાર કરાશે
ઉલ્લેખનીય છે કે સમગ્ર ધારાધોરણ સહિતની માર્ગદર્શિકા આજે પ્રદેશમાંથી આવશે તો બીજી તરફ માર્ગદર્શિકા મુજબ મહામંત્રીના નામોની પેનલ તૈયાર કરાશે. ઉલ્લેખનીય છે જે નવી ટીમની રચના થઈ રહી છે તેમાં પોતાનું સ્થાન મેળવવા અધીરા બનેલા આગેવાનો ઝડપથી નવું માળખું રચાય અને તેમાં પોતાનો સમાવેશ થાય તેવી મીટ માંડીને બેઠા છે.