Home / Gujarat / Surat : student achieves success in 10th board results

GSEB 10th Result: બોર્ડના રિઝલ્ટમાં Surati સ્ટુડન્ટે મેળવી સફળતા, ડોક્ટર-એન્જિનિર બનવાના સપનાં

GSEB 10th Result: બોર્ડના રિઝલ્ટમાં Surati સ્ટુડન્ટે મેળવી સફળતા, ડોક્ટર-એન્જિનિર બનવાના સપનાં

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ના વર્ષ 2025ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ વર્ષે રાજ્યભરનું કુલ પરિણામ 83.08% રહ્યું છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં સુરત જિલ્લાએ પોતાની સફળતાની પરંપરા જાળવી રાખી છે અને 86.20 % પરિણામ સાથે ટોચના સ્થળે પોતાનું સ્થાન સુદ્રઢ કર્યું છે. સુરતના સામાન્ય પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓએ ઝળહળતી સિદ્ધિ મેળવી છે. સાથે જ આગામી સમયમાં ઉચ્ચ અભ્યાસ કરીને ડોક્ટર-એન્જિનિયરથી લઈને દેશ માટે આઈએએસથી આઈપીએસ ઓફિસર અને બિઝનેસમેન બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શિક્ષક માતા-પિતાના દીકરાની સિધ્ધિ

જે.બી.એન્ડ કાર્પ વિદ્યાસંકુલમાં અભ્યાસ કરતા નિહાર અમિતકુમાર પુરોહિતે માર્ચ-2025 માં લેવાયેલ બોર્ડની પરીક્ષામાં 96.83% અને 99.84PR (A-1ગ્રેડ) મેળવી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરીને માતા-પિતાનું, શિક્ષકોનું,શાળાનું અને બ્રહ્મસમાજનું નામ રોશન કર્યું છે.તેમના માતા-પિતા બંને શિક્ષક તરીકે ફરજ બજાવે છે. પિતાજી અમિતકુમાર બળવંતરાય પુરોહિત ખોલવડ પ્રાથમિક શાળામાં શિક્ષક છે અને ગુજરાતી ભાષાના SRG છે. 

સંસ્કૃતમાં 100માંથી 100 ગુણ

સુરતના ડભોલી સ્થિત મણીબા વિદ્યા સંકુલ.સ્વ. સુરેશ વિદ્યામંદિર માધ્યમિક શાળાનું પરિણામ ઝળહળતું આવ્યું છે.શાળાનું પરિણામ ગુજરાતી માધ્યમ ૯૮.૧૧% તથા અંગ્રેજી માધ્યમ ૯૧.૧૫% આવેલ છે. તથા A1 ગ્રેડ સાથે ૬ વિદ્યાર્થી તથા A2 ગ્રેડ સાથે ૧૮ વિદ્યાર્થી ઉતીર્ણ થયેલ છે.જેમાં A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીનીએ સંસ્કૃત વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કરેલ છે. શાળા પરિવાર વતી વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી ગુલદસ્તા સાથે શુભેચ્છા પાઠવવામાં આવી હતી.તથા વિદ્યાર્થીઓ દ્વારા ડી.જે ના તાલે ઝૂમી ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.

જોડિયા ભાઈઓની કમાલ

કઠોદરા વિસ્તારમાં આવેલી ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલનું ઊંચુ પરિણામ આવ્યું છે. શાળામાં અભ્યાસ કરતાં જોડિયા ભાઈઓએ કમાલ કરી છે. એક સરખો સ્વભાવ અને મહેનત કરતાં બન્ને ભાઈઓએ રિઝલ્ટમાં પણ સરખું જ કૌવત દાખવ્યું છે.  જીલ રાવળ અને તેનો ભાઈ જીત રાવળ જુડવા ભાઈ છે. બંનેની જન્મની વચ્ચે દસ મિનિટનો તફાવત છે. ધોરણ 10ની પરીક્ષામાં બેઠક પણ આગળ પાછળ હતી. આજે આ બંનેનું ધોરણ 10નું પરિણામ પણ A 1 ગ્રેડ આવ્યું છે. જેમાં બંનેના રિઝલ્ટ સરખા આવ્યા છે. બંનેને 92 ટકા આવ્યા છે અને 97 પર્સેન્ટાઇલ આવ્યા છે. પિતા ઇંટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પરિવારમાં ત્રણ ભાઈ છે. માતા પિતા અને સ્કૂલના સપોર્ટથી ટ્યુશન વિના જ બંને ભાઈઓએ આ સફળતા મેળવી છે. બંને જુડવા ભાઈઓના સપના પણ એક સરખા હોય તેમ સોફ્ટવેર એન્જિનિયર બનવાની ઈચ્છા છે.ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલના 26 વિદ્યાર્થીઓએ A1 અને 56 વિધાર્થીઓએ A2 ગ્રેડ મેળવી ઉત્કૃષ્ટ અને ઝળહળતું પરિણામ પ્રાપ્ત કરીને શાળા તેમજ પરીવારનું ગૌરવ વધાર્યું છે.આમ શૈક્ષણિક વર્ષ  દરમિયાન ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલનું ધોરણ 10નું પરિણામ 98% આવ્યું છે.શાળાના  ટ્રસ્ટી અલ્પેશભાઈ ગજેરાએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી અને શિક્ષકોના શ્રમની પ્રશંસા કરી તેમને પણ શુભેચ્છા પાઠવી છે. 

રોજે રોજની તૈયારીએ અપાવી સફળતા

મોટા વરાછા અબ્રામા ખાતે આવેલી સંસ્કારતિર્થ જ્ઞાનપીઠમાં કુલ 61 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે 77 વિદ્યાર્થીઓએ એ-2 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. શાળાનું પરિણામ 99.20 ટકા આવ્યું છે. જેમાંથી ગજેરા રૂદ્રએ 98.17 ટકા સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. જ્યારે શાળાના આચાર્ય ગિરીશભાઈના દીકરા ખોયાણી પ્રેષિતે એ-1 ગ્રેડ પ્રાપ્ત કરીને શાળાનું નામ રોશન કર્યું હતું. પ્રેષિતે કહ્યું કે મારે રોજની 5 કલાક તૈયારીનું આ પરિણામ છે. શાળામાં અદ્યતન ટેક્નોલોજી સાથે અભ્યાસ કરાવવામાં આવતું જેથી એકવારમાં જ સમજાઈ જતું હતું. હવે આગામી સમયમાં સીએસ કરવું હોવાથી એ ગ્રુપ સાથે સાયન્સમાં આગળનો અભ્યાસ કરવો છે.

એન્જિનિયર પિતાના દીકરાને ડોક્ટર બનવાની ઈચ્છા

નાના વરાછા ખાતે આવેલી સરદાર પટેલ વિદ્યાભવનના 82 વિદ્યાર્થીઓમાંથી 18 વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડ પ્રાપ્ત થયો છે. જ્યારે 29 વિદ્યાર્થીઓને એ-2 ગ્રેડ પ્રાપ્ત થયો છે. તમામ વિદ્યાર્થીઓમાંથી રૂદ્ર મનોજભાઈ પોરિયાને 97.67 ટકા પ્રાપ્ત થયા છે. પિતા એન્જિનિયર હોવા છતાં દીકરાને ડોક્ટર બનવાની ઈચ્છા છે. ત્યારે બાળકના પિતાએ કહ્યું કે અમે છૂટ આપી છે. શાળાના ટ્રસ્ટીએ કહ્યું કે બાળકોને તેમની રૂચી અને રસ પ્રમાણે માર્ગદર્શન આપવામાં આવે છે. જેથી તેઓ પોતાની ખીલી શકે છે.

તપોવનમાં તપ કરી સિધ્ધિ મેળવી

નાના વરાછા ખાતે આવેલી તપોવન વિદ્યાલયનું પરિણામ ઝળહળતું આવ્યું છે. તપોવનના 79 વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડ મેળવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. ત્યારે રાયઝન સ્કૂલમાં અભ્યાસ કરતી લાખાણી વૃંદા કેતનભાઈને 98.83 ટકા સાથે 99.99 પર્સેન્ટાઈલ પ્રાપ્ત થયા છે. ત્યારે શાળાના આચાર્ય ભાવેશભાઈએ કહ્યું કે, વૃંદા સંભવીત રાજ્યમાં ટોપર છે. જ્યારે મનસુખભાઈ ગોટીએ કહ્યું કે, આ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પરિવારની મહેનતનું પરિણામ છે. જેથી આ સફળતા વિદ્યાર્થીઓને પ્રાપ્ત થઈ છે. વૃંદાએ કહ્યું કે, રોજે રોજની મહેનતના કારણે સફળતા મળી છે. આગામી સમયમાં એ ગ્રુપ સાથે એન્જિનિયર બનવાની ઈચ્છા છે.

કૌશલની દીકરીએ દેખાડ્યું કૌશલ્ય

કૌશલ વિદ્યાભવનમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ મેદાન માર્યું હતું. એ-2 કરતાં શાળાના એ-1 વિદ્યાર્થીઓ વધુ આવ્યાં છે. શાળાાંથી 120 વિદ્યાર્થીઓને એ-1 મળ્યો છે જ્યારે 78 વિદ્યાર્થીઓને એ-2 ગ્રેડ પ્રાપ્ત થયો છે. શાળાની વિદ્યાર્થિની શેલડિયા નિયતિના પપ્પા રત્નકલાકાર છે. હીરામાં મંદી હોવા છતાં આકરી મહેનત કરીને 99.93 પીઆર અને 97.50 ટકા સાથે અવ્વલ રહી હતી. તેણીને આગામી સમયમાં એ ગ્રુપ સાથે અભ્યાસ કરીને એન્જિનિયર બનવાની ઈચ્છા છે. શાળાના ટ્રસ્ટી પરબતભાઈ ડાંગશિયાએ કહ્યું કે, દર વર્ષ કરતાં આ વર્ષે ઉંચુ પરિણામ આવ્યું છે. જેનું મુખ્ય કારણ વિશ્વાસ છે. ધગશ અને મહેનતના કારણે આ પરિણામ કોરાના પછીના વર્ષ કરતાં પણ સારું આવ્યું છે.

એમ્બ્રોઈડરી વર્ક કરતાં પિતાની દીકરીની સિધ્ધિ

ઉતરાણ ખાતે આવેલી મૌની ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી કુલ 121 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. ટ્રસ્ટી જે.બી. સરે કહ્યું કે, 24 વિદ્યાર્થીઓએ વિજ્ઞાનમાં 100માંથી 100 ગુણ જ્યારે સંસ્કૃતમાં 18 વિદ્યાર્થીઓએ 100 ગુણ મેળવ્યાં હતાં. જ્યારે ગણિત સહિતના વિષયમાં પણ ઘણા વિદ્યાર્થીઓએ 100 ગુણ મેળવ્યાં છે. સાચપરા રૂદ્રીના પિતા પરેશભાઈ એમ્બ્રોઈડરી વર્ક સાથે સંકળાયેલા છે. ત્યારે રૂદ્રીને ગણિત, વિજ્ઞાન અને સંસ્કૃતમાં 100 ગુણ મળ્યાં છે. તેને 97.66 ટકા આવ્યાં છે. તેણીને આગામી સમયમાં એરોસ્પેશ ક્ષેત્રમાં આગળ વધવાની ઈચ્છા હોવાનું કહ્યું હતું.

સામાન્ય પરિવારના સંતાનો ઝળક્યાં

ધોરણ  -10 ના પરિણામમાં પુણાગામ વિસ્તારની નાલંદા વિદ્યાલયમાં A1 ગ્રેડમાં 19 વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં 45 વિદ્યાર્થીઓએ ઝળહળતી સિધ્ધિ પ્રાપ્ત કરી છે. શાળા પરિવાર તમામ વિદ્યાર્થીઓને હૃદયની ઊર્મિઓથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ 83.08 % શાળાનું પરિણામ 81.60% આવેલ છે. ગણિતમાં 2, વિજ્ઞાનમાં 3 વિદ્યાર્થીઓએ 100 માંથી 100 ગુણ મેળવેલ છે.

ગુરુકુળના વિદ્યાર્થીઓ ઝળક્યાં

વેડ રોડ ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય વેડ રોડ, સુરતના 89 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ તેમજ પાવરા મીતરાજે  99.93 PR પ્રાપ્ત કર્યા છે. શાળાના મેરીટમાં A1 ગ્રેડમાં 89 અને A2 ગ્રેડમાં 172 તેમજ B1 ગ્રેડમાં 149 અને B2 ગ્રેડમાં 136 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. તેમજ પાવરા મીતરાજ વિજયભાઈએ 99.93 PR સાથે શાળામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. ગુરુકુલના વિદ્યાર્થીઓ માંથી વિજ્ઞાનમાં- 10, ગણિતમાં – 6, સંસ્કૃતમાં – 4 સામાજિક વિજ્ઞાનમાં- 1 વિદ્યાર્થીઓએ 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે.

રેડિયન્ટના સ્ટુડન્ટે વગાડ્યો ડંકો

અડાજણ જહાંગીરાબાદ સ્થિત ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ 100% પરિણામ સાથે સફળતાનો ડંકો  ગુંજવી દીધો જેમાં છેલ્લા ૭ વર્ષની જેમ આ વર્ષે પણ ધ રેડિયન્ટ ઇન્ટર નેશનલ સ્કૂલએ અડાજણ અને રાંદેર ઝોનમાં સૌથી વધુ 𝐀𝟏 અને A2  ગ્રેડ પ્રાપ્ત કરી અવ્વલ રહ્યું છે. જેમાં A1 માં 52 અને A2 માં 71  વિદ્યાર્થીએ ગ્રેડ મેળવ્યો છે.  સાથે સાથે સતત બીજા વર્ષે પણ 100% પરિણામ રેકોર્ડ બ્રેક સિદ્ધિ મેળવી છે. કુલ 219  વિદ્યાર્થીઓ માંથી 123 વિદ્યાર્થી A1 અને A2 માં સ્થાન મેળવી શાળાના કુલ 56 % વિદ્યાર્થીઓ અડાજણ અને રાંદેર ઝોનમાં પ્રથમ ક્રમે રહ્યા.  શાળાના  75% થી વધુ વિદ્યાર્થીઓ 80% થી વધુ માર્ક અને 85.00 થી વધુ PR મેળવ્યા હતા સાથે સાથે વિવિધ વિષયમાં 100 માંથી 100 માર્ક મેળવ્યા હોય તેવા કુલ 12 વિદ્યાર્થીઓ છે. શાળાના વાઈસ ચેરમેન જીગ્નેશભાઈ માંગુકિયા અને મેનેજિંગ ટ્રસ્ટી કિશનભાઈ માંગુકિયા દ્વારા  શાળાના ડાઇરેક્ટર આશિષભાઈ વાઘાણી , ગુજરાતી માધ્યમ શાળાના  આચાર્ય ડૉ. વિરલ નાણાવટી અને અંગ્રેજી માધ્યમના આચાર્ય માલકમ પાલીયા ને “શાળાની અને શિક્ષકો ની જ્વલંત સફળતા”માટે  ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

ફરી વિદ્યાર્થીઓએ બતાવ્યો દબદબો

એલ.પી. સવાણી ગૃપ ઑફ સ્કૂલ્સનું વર્ષ 2024 -25 નું ધોરણ 10 નું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે ફરી એકવાર ઉચ્ચ પરિણામ મેળવી શાળાના વિદ્યાર્થીઓનો દબદબો જોવા મળ્યો છે. શાળાના 183 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. તેમજ શાળાના 376 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આવા ઉજ્જવળ પરિણામ મેળવી સમગ્ર સુરત શહેરમાં  એલ.પી .સવાણી ગ્રુપ ઑફ સ્કુલ્સના બાળકોએ ડંકો વગાડ્યો છે. આ વર્ષે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓમાં પ્રથમ ક્રમે પટેલ યાજ્ઞી શૈલેષકુમાર A1 ગ્રેડ સાથે 99.98 PR મેળવી શાળાનું નામ રોશન કર્યું છે આ સાથે 149 વિદ્યાર્થીઓએ 100 માંથી 100 માર્ક્સ મેળવ્યા જેમાં ગણિત વિષયમાં બેઝિક ગણિતમાં 23 સ્ટાન્ડર્ડ ગણિતમાં 34 વિદ્યાર્થીઓએ 100 માંથી 100 માર્ક્સ, વિજ્ઞાન વિષયમાં 39 વિદ્યાર્થીઓએ 100 માંથી 100 માર્ક્સ, સામાજિક વિજ્ઞાનમાં 25 વિદ્યાર્થીઓએ 100 માંથી 100 માર્ક્સ, સંસ્કૃત વિષયમાં 28 વિદ્યાર્થીઓએ  100 માંથી 100 માર્ક્સ મેળવી શાળાને અનોખી સિદ્ધિ સાથે સફળતા અપાવી છે આ સાથે  એલ. પી. સવાણી ગ્રુપ ઑફ સ્કૂલ્સ અડાજણ વિસ્તારમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે તેમજ સમગ્ર શહેરમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે એ  બદલ શાળાના ચેરમેન માવજીભાઈ સવાણી, વાઇસ ચેરમેન ડો. ધર્મેન્દ્ર સવાણી, ડિરેક્ટર પૂર્વીબેન સવાણી, સંચાલક મયંકભાઇ ઠાકોર, આચાર્યશ્રી ડો. ક્ષિતિજ પટેલ તેમજ શાળાના તમામ શિક્ષક મિત્રોએ વિદ્યાર્થીઓના આ ઉચ્ચ પરિણામ બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. 

 

Related News

Icon