
સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ ગઈકાલે બોગસ ડોક્ટર ઝડપાયો હતો. ત્યારે વધુ એક બોગસ ડોક્ટરની પોલીસે ધરપકડ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખાખરાથળ ગામમાંથી મેહુલ દેવરાજભાઈ પઢેરીયા નામના બોગસ તબીબની સુરેન્દ્રનગર SOG પોલીસે ધરપકડ કરી છે. આ આરોપી પાસે કોઈ માન્ય ડોક્ટરની ડિગ્રી ન હોવા છતાં તે પોતાના ઘરમાં બોગસ દવાખાનું ચલાવીને લોકોની સારવાર કરતો હતો, જેનાથી લોકોના આરોગ્ય સાથે છેડછાડ થઈ રહી હતી. SOG પોલીસે દરોડા દરમિયાન રૂ. 23,636ની કિંમતની એલોપથી દવાઓ જપ્ત કરી છે. પોલીસે મેડિકલ પ્રેક્ટિસ એક્ટ અનુસાર ગુનો દાખલ કર્યો છે.
ગુજરાતમાં ઠેક ઠેકાણેથી બોગસ ડોક્ટરો ઝડપાઈ રહ્યા છે. એવામાં સુરેન્દ્રનગરમાંથી એજાંર ગામેથી પણ ગઈકાલે એક ઝોલાછાપ ડોક્ટર ઝડપાયો હતો. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના એંજાર ગામે ડીગ્રી વિનાના બોગસ ડોક્ટરને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે. અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસને હવાલે કર્યો છે. તુષાર સંજયભાઈ સરદાર નામના શખ્સને છ હજારની કિંમતની એલોપથી દવાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. આ ડોક્ટર છેલ્લા ઘણા વર્ષોથી એંજાર ગામમાં સારવાર કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો. જેથી બાતમીના આધારે સુરેન્દ્રનગર એસઓજી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.
તુષાર સરદાર નામના બોગસ તબીબ ઉતરાખંડથી સુરેન્દ્રનગરના એંજારમાં આવી બોગસ હોસ્પિટલ ખોલી નાખવામાં આવી હતી. પોલીસ દ્વારા તેને ઝડપી પૂછપરછ પણ હાથ ધરવામાં આવી અને મેડિકલ પ્રેક્ટિસનર એક્ટ અનુસાર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.