
'સામાન્ય રીતે પરિવાર સાથે સંકળાયેલી બાબત હોય ત્યારે કોઈપણ વ્યક્તિ પડી ભાંગે. ખાસ કરીને કશુંક ખોટું થયું હોય ત્યારે. આ ઘટનાઓની અસર પણ લાંબા સમય સુધી રહેતી હોય છે.'
'હજારોં ખ્વાહિશે ઐસી' દ્વારા હિન્દી ફિલ્મોદ્યોગમાં પદાર્પણ કરનાર અભિનેત્રી ચિત્રાંગદા સિંહના દિલોદિમાગમાં ખાસ કોઈ ખ્વાહિશ હોય એવું લાગતું નથી. લાંબા વર્ષોથી બૉલીવૂડમાં હોવા છતાં તેણે માંડ આંગળીના વેઢે ગણાય એટલી જ ફિલ્મો કરી છે. જોકે થોડા સમય પહેલાં તેની સૌપ્રથમ વેબ સીરિઝ 'ખાકી : ધ બંગાલ ચેપ્ટર' રજૂ થઈ.
પોતે આટલું ઓછું કામ શા માટે કર્યું છે તે જણાવતાં ચિત્રાંગદા કહે છે કે મને જેવું કામ કરવું છે એવું કામ મળતું નથી, અને જેવી ફિલ્મો કરવાની મારી ઇચ્છા નથી એવી મૂવીની ઑફરો મને આવતી રહે છે. જોકે હવે મારી બે ફિલ્મો 'હાઉસફુલ-૫' અને 'રાત અકેલી હૈ-૨' આવવાની છે. મને નીરજ પાંડે સાથે કામ કરવાની તીવ્ર ઇચ્છા હતી. અને મને મારી ડેબ્યુ વેબ સીરિઝ તેમની સાથે કરવા મળી. મારી આ વર્ષની શરૂઆત સારી થઈ છે, એટલે આગામી ફિલ્મો પણ સારી જ રહેશે.
અહીં એ વાત યાદ કરવી રહી કે ચિત્રાંગદાએ 'સૂરમા' ફિલ્મ દ્વારા નિર્માણ ક્ષેત્રે કદમ માંડયા હતાં. તે કહે છે કે હું વધુ એક બાયોપિક બનાવવાની તૈયારી કરી રહી છું. તેના સિવાય હું એક વેબ સીરિઝનું નિર્માણ પણ કરી રહી છું. આ સીરિઝ મેં જ લખી છે. આમાંના એક પ્રોજેક્ટમાં હું પડદા પર પણ દેખાઈશ. જ્યારે બીજા પ્રોજેક્ટમાં હું બંધ નથી બેસતી.
ચિત્રાંગદા 'ખાકી: ધ બંગાલ ચેપ્ટર' કરી રહી હતી ત્યારે તેને પોતાની પહેલી ફિલ્મ 'હઝારોં ખ્વાહિશેં ઐસી'નું કિરદાર 'ગીતા રાવ' વારંવાર સાંભરી આવતું. અદાકારા કહે છે કે મારી સૌપ્રથમ ફિલ્મ અને પહેલી વેબ સીરિઝ, બંનેના કિરદાર પરિવર્તન માટે લડતી લીડર તરીકેના છે. હું મારી વેબ સીરિઝનું શૂટિંગ કરી રહી હતી ત્યારે મને વારંવાર એમ લાગ્યા કરતું કે જો 'ગીતા રાવ' આજે હોત તો ત્યાં જ હોત જ્યાં 'નિવેદિતા' છે. મહત્વની વાત એ છે કે 'ગીતા' અને 'નિવેદિતા', બંને કૉલેજ કાળમાં જ રાજનીતિમાં સંડોવાઈ હતી. બંનેએ એક આદર્શ સમાજના સપનાં જોયા હતાં અને તેને માટે પ્રશ્નો ઊભા કર્યાં હતાં, પ્રોટેસ્ટ કર્યું હતું. એટલું જ નહીં, બંને પાત્રોના સુતરાઉ સાડી અને બાંધેલા વાળના લુકમાં પણ કેટલું બધું સામ્ય છે.
અદાકારાને પોલિટિકલ કિરદારો વધુ માફક આવે છે. તે કહે છે કે મને 'આંધી' ફિલ્મમાં સુચિત્રા સેને ભજવ્યું હતું એવું પાત્ર અદા કરવાના ઓરતા છે. તેમના આ રોલે દર્શકો પર અમીટ છાપ છોડી છે.
ચિત્રાંગદાનું 'નિવેદિતા'નું પાત્ર એકદમ મજબૂત છે. આમ છતાં એક વખત તે નબળી પડે છે. કોઈપણ વ્યક્તિ માટે આમ થવું સ્વાભાવિક છે. અદાકારા કહે છે કે સામાન્ય રીતે પરિવાર સાથે સંકળાયેલી બાબત હોય ત્યારે કોઈપણ વ્યક્તિ પડી ભાંગે. ખાસ કરીને તેની સાથે જ્યારે કાંઈ ખોટું થાય ત્યારે. અને તેની અસર પણ લાંબા સમય સુધી રહે છે. આમ છતાં મહત્વની વાત એ છે કે જ્યારે તમે એ કપરા કાળમાંથી બહાર આવો ત્યારે વધુ મજબૂત બન્યા હો છો, હું પણ બની છું.