Home / Entertainment : It takes patience, dedication and determination to survive in industry says Manushi Chillar

Chitralok / "ઈન્ડસ્ટ્રીમાં ટકી રહેવા ધીરજ, સમર્પણ અને દ્રઢ સંકલ્પ જોઈએ" - માનુષી છિલ્લર

Chitralok / "ઈન્ડસ્ટ્રીમાં ટકી રહેવા ધીરજ, સમર્પણ અને દ્રઢ સંકલ્પ જોઈએ" - માનુષી છિલ્લર

'જો તમારામાં કામ પ્રત્યે ઝનૂન ન હોય, તમે તમારા કામ પ્રત્યે કમિટેડ ન હો તો આ ક્ષેત્રે ટકી ન શકો. અહીં ટકી રહેવા માટે અખૂટ ધીરજ, સમર્પણ અને દ્રઢ સંકલ્પ જોઈએ.'

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પોતાના સૌંદર્ય થકી લોકોના દિલ પર રાજ કરતી માનુષી છિલ્લરને પોતાના અંગત જીવન વિશે વાત કરવાનું ખાસ રુચતું નથી. પરંતુ આ ભૂતપૂર્વ મિસ વર્લ્ડનું નામ જ્યારે 'વીર પહાડિયા' સાથે જોડાયું ત્યારે તેની સ્થિતિ 'નાક દબાયું એટલે મોઢું ખુલ્યું' જેવી થઈ. 'સમ્રાટ પૃથ્વીરાજ'થી હિન્દી ફિલ્મોદ્યોગમાં પહેલું ડગલું માંડનાર અને પછીથી 'સ્કાય ફોર્સ' જેવી ફિલ્મ ઉપરાંત દક્ષિણ ભારતીય ફિલ્મોદ્યોગમાં પણ નસીબ અજમાવનાર માનુષી કહે છે કે મારા વ્યક્તિગત જીવન વિશે લખવામાં આવેલી બધી વાતો સાવ ખોટી છે. મારા ઘણાં મિત્રો સાથે હું હરતીફરતી હોઉં છું. વિડંબણા એ છે કે જો હું માત્ર મારી સખીઓ સાથે હરુંફરું તો લોકોને એમ લાગે કે મને  છોકરાઓમાં રસ નથી. અને જો કોઈ યુવક સાથે ક્યાંક દેખાઉ તો એમ ધારી લેવામાં આવે કે હું તેને ડેટ કરું છું. જોકે હવે મને આવી અફવાઓની ટેવ પડી ગઈ છે. આમ છતાં મને એ વાતનું આશ્ચર્ય પણ થાય છે અને રમૂજ પણ કે છોકરો-છોકરી સારા મિત્રો હોય એ હકીકત આજે પણ લોકો સ્વીકારી નથી શકતા.

અદાકારા વીર પહાડિયા અને પોતાના વિશે ફેલાયેલી અફવાઓ વિશે સ્પષ્ટતા કરતાં કહે છે કે અમે માત્ર સારા મિત્રો છીએ. એ ખરેખર મઝાનો સજ્જન છે. તેણે મને એક એવા લગ્ન સમારોહમાં કંપની આપી હતી જ્યાં હું કોઈને નહોતી ઓળખતી. બસ, ત્યાં અમને એકસાથે જોઈને લોકોએ વાતનું વતેસર કરી નાખ્યું.

અહીં એ વાતની નોંધ લેવી રહી કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના વિવાહમાં માનુષી અને વીર એકસાથે ગયા હતા. આ લગ્ન સમારોહ વખતના તેમના કેટલાંક ફોટા સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં એમ માની લેવામાં આવેલું કે બંને ડેટ કરી રહ્યાં છે.

માનુષી અગાઉ તબીબી ક્ષેત્રે અભ્યાસ કરતી હતી. પરંતુ મિસ વર્લ્ડ બન્યા પછી તેને માટે ફિલ્મોદ્યોગના દ્વાર ખુલી ગયાં. અલબત્ત, તેને પોતાને પણ આ ક્ષેત્ર બહુ ગમી રહ્યું છે. આમ છતાં તે મનોરંજન જગતના નબળાં પાસાં, ખામીઓથી પણ સુપેરે વાકેફ છે. તે કહે છે કે ગ્લેમર વર્લ્ડ અત્યંત પડકારજનક છે. જો તમારામાં કામ પ્રત્યે ઝનૂન ન હોય, તમે તમારા કામ પ્રત્યે પ્રતિબધ્ધ ન હો તો આ ક્ષેત્રે ટકી ન શકો. અહીં ટકી રહેવા માટે અખૂટ ધીરજ, સમર્પણ અને દ્રઢ સંકલ્પ જોઈએ. સૌથી પહેલા તો તમારામાં રિજેક્શન સહેવાની ત્રેવડ હોવી જોઈએ. અહીં આવતા દરેક નવા કલાકારે પોતાની કારકિર્દીના નિર્ણયો બહુ સમજીવિચારીને લેવા જોઈએ. ઉતાવળે આંબા ન પાકે.

માનુષી પીઢ અભિનેત્રીની અદામાં કહે છે કે ફિલ્મોમાં તમને ક્યારે સફળતા મળશે અને ક્યારે તમને નિષ્ફળતાનો સામનો કરવો પડશે તે કહેવું મુશ્કેલ છે. અહીં દરેક કલાકારને તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડતો હોવાથી પ્રતિભા સાથે સખત પરિશ્રમ કરવાની તૈયારી, કામ ન મળે કે પૂરતી કમાણી થવાનો આરંભ ન થાય ત્યાં સુધી ટકી રહી શકાય એટલી નાણાંકીય સધ્ધરતા અને ક્રોધ-ટેન્શન પર અંકુશ રાખવાની કુનેહ પ્રથમ શરત ગણાય. 

Related News

Icon