શાહરૂખ ખાનની આજકાલ
શાહરૂખ ખાન આજકાલ જિમમાં બોડી બનાવવામાં મંડી પડયા છે. યાદ કરો, આપણે ત્યાં 'સિક્સ પેક'નો કોન્સેપ્ટ ઇન્ટ્રોડયુસ કરનારા અને પ્રચલિત બનાવનારા એસઆરકે જ હતા. શાહરૂખ એમની આગામી કઈ ફિલ્મ માટે બોડી બનાવી રહ્યા હશે, ભલા? 'પઠાણ-ટુ' માટો? 'પઠાણ વર્સસ જવાન' માટે. (યાદ કરો, 'પઠાણ'ની ક્લાઇમેક્સ, જેમાં ભાંગીને ભૂક્કો થઈ ગયેલી ટ્રેનના એક ડબ્બા પર એસઆરકે અને સલમાન ખાન બેઠાં બેઠાં વાત્યું કરી રહ્યા હતા). 'કિંગ' તો ખરી જ, જેમાં શાહરૂખ પુત્રી સુહાના મેઇન હિરોઇન છે. આ સિવાય પણ શાહરૂખની એકાધિક - અથવા કહો કે સંભવિત - આગામી ફિલ્મો ચર્ચામાં છે. 'બ્રહ્મા'માં શાહરૂખનો ટચૂકડો રોલ ખૂબ વખણાયો હતો. તેથી શક્ય છે કે 'બ્રહ્મા-ટુ'માં આ રોલ વિકસાવવામાં આવે. 'કેજીએફ' ફેમ યશ સાથે પણ શાહરૂખ જોડી જમાવે તેવું બને... અને - આહા! - સૌથી મોટા સમાચાર તો આ છે: શાહરૂખ કદાચ માર્વેલની કોઈ ફિલ્મમાં કામ કરીને હોલિવુડમાં ડેબ્યુ કરે તેવુંય બને. સુપરમેન, સ્પાઇડરમેન, આર્યનમેન, હલ્ક, થોર, કેપ્ટન અમેરિકા વગેરે માર્વેલના સુપરહીરોઝ છે. શાહરૂખ આવા જ કોઈક એસ્ટાબ્લિશ્ડ સુપરહીરો (કે સુપરહિરોઇન)નો સાથીદાર યા વિલન બની શકે. વેલ, કશું કન્ફર્મ્ડ નથી. હજુ કેવળ વાતો જ સંભળાઈ રહી છે. છતાં આ વાતોય શાહરૂખના ચાહકોને ઝુમાવી દેવા માટે પૂરતી છે!

