
ગુજરાત હાઈકોર્ટેને પણ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હોવાની માહિતી સામે આવી છે. જોકે, થોડા જ સમય બાદ રાજકોટ કોર્ટને પણ બોમ્બથી ઉડાડી દેવાની ધમકીભર્યો મેઇલ મળ્યો છે. નોંધનીય છે કે, આ પહેલાં 9 જૂને પણ ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી. જોકે, રાજકોટનો મેઇલ કઈ આઈડી પરથી મળ્યો છે, તે વિશે કોઈ સ્પષ્ટતા થઈ નથી. હાલ, પોલીસ આ વિશે તપાસ કરી રહી છે.
પોલીસે શરૂ કર્યું સર્ચ ઓપરેશન
મળતી માહિતી મુજબ, ગુજરાત હાઈકોર્ટને મંગળવારે (24 જૂન) બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે. ધમકી મળતાની સાથે તંત્ર એલર્ટ થઈ ગયું છે. બોમ્બ સ્ક્વૉડ સહિતની ટીમ હાઈકોર્ટ સંકુલમાં પહોંચીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.
સોમવારે પકડાયેલા આરોપી સાથે કનેક્શન?
ઉલ્લેખનીય છે કે, સોમવારે (23 જૂન) ગુજરાત સહિત દેશના 11 રાજ્યોમાં શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, અને પબ્લિક સ્ટેડિયમમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારા આરોપીની અમદાવાદની સાયબર ક્રાઈમ બ્રાન્ચે ચેન્નઈમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જેની ઓળખ રેની જોસિલ્ડા તરીકે થઈ છે. ટેક્નિકલ સર્વેલન્સ અને ડિજિટલ ફોરેન્સિકની તપાસ માધ્યમથી આરોપી રેની જોસિલ્ડાને તમિલનાડુના ચેન્નઈમાંથી ટ્રેસ કરવામાં સફળતા મળી હતી. આજે હાઈકોર્ટમાં જે મેઈલ મળ્યો તે પણ આ જ આરોપી દ્વારા કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, પોલીસ દ્વારા આ વિશે કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ જ આરોપી દ્વારા મેઇલ શેડ્યૂલ કરવામાં આવ્યા હોય શકે.