
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ પર કડક વલણ અપનાવ્યું છે. ભારતે પાકિસ્તાન સાથે સિંધુ નદીના પાણીનો પ્રવાહ બંધ કરી દીધા બાદ પાકિસ્તાનની સ્થિતિ માથાભારે થઈ ગઈ છે. પાકિસ્તાન અવારનવાર આ કરાર અંગે ભારતને ખોખલી ધમકી આપી રહ્યું છે. પાકિસ્તાને હવે ભારતમાં ભય ફેલાવવા માટે એક નવું જૂઠાણું ફેલાવ્યું છે કે, સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કરવાના જવાબમાં અમારો મિત્ર દેશ ચીન ભારતમાં બ્રહ્મપુત્ર નદીના પાણીનો પ્રવાહ રોકી શકે છે. હવે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આ ધમકીનો જવાબ તથ્યો સાથે આપ્યો છે, જે પાકિસ્તાનની આંખો ખોલી નાખશે.
આસામના CMએ પાકિસ્તાનની ધમકીઓનો આપ્યો જવાબ
તેમણે પાકિસ્તાનની આ થિયોરીને સંપૂર્ણપણે નકારી કાઢી છે કે ભારતમાં બ્રહ્મપુત્રા નદીનો પ્રવાહ ચીનથી આવતા પાણી પર નિર્ભર કરે છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં વિગતવાર જણાવ્યું કે, 'કેવી રીતે બ્રહ્મપુત્રા નદી ભારતમાં આત્મનિર્ભર છે અને તેણે પોતાનો પ્રવાહ જાળવી રાખવા માટે ચીનના પાણી પર નિર્ભર નથી રહેવું પડતું. હિમંતા બિસ્વા સરમાના મતે બ્રહ્મપુત્રાના કુલ પાણીના પ્રવાહમાં ચીન માત્ર 30-35% યોગદાન આપે છે, તે પણ મોટાભાગે પીગળતી હિમનદીઓ અને મર્યાદિત વરસાદના કારણે.'
https://twitter.com/himantabiswa/status/1929601452466429971
નદીનું 70 ટકા પાણી તો ભારતમાં જ ઉત્પન્ન થાય છે
તેમણે X પર લખ્યું કે, 'ભારત દ્વારા જ્યારથી સૌથી જૂની અને એકપક્ષીય સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે ત્યારથી, પાકિસ્તાન એક નવો ભય ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જો ચીન બ્રહ્મપુત્રના પાણીને અટકાવે તો શું થશે? ચાલો આપણે આ ખોટી કહાનીને ડરથી નહીં પરંતુ તથ્યો અને રાષ્ટ્રીય સ્પષ્ટતાથી તોડી નાખીએ. બ્રહ્મપુત્ર એક એવી નદી છે જે ભારતમાં વધે છે, ઘટતી નથી. ચીન બ્રહ્મપુત્રના કુલ પાણીના પ્રવાહમાં માત્ર 30-35% યોગદાન આપે છે, તે પણ મોટાભાગે હિમનદીઓ પીગળવા અને મર્યાદિત વરસાદથી. બાકીનું 65-70% પાણી ભારતમાં જ ઉત્પન્ન થાય છે.' તેમણે આનું કારણ પણ જણાવ્યું.
બ્રહ્મપુત્રા નદીના પ્રમુખ જળ સ્ત્રોત
હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, 'અરુણાચલ પ્રદેશ, આસામ, નાગાલેન્ડ અને મેઘાલયમાં મૂશળધાર વરસાદ. પ્રમુખ સહાયક નદીઓ: સુબનસિરી, લોહિત, કામેંગ, માનસ, ધનસિરી, જિયા-ભારાલી, કોપિલી, મેઘાલયની ખાસી, ગારો અને જયંતિયા પહાડોમાંથી નીકળતી કૃષ્ણાઈ, દિગારુ, કુલસી વગેરે સહાયક નદીઓ ભારતની બ્રહ્મપુત્રા નદીના પ્રમુખ જળ સ્ત્રોત છે. ભારત-ચીન સરહદ પર બ્રહ્મપુત્રા નદીનો પ્રવાહ 2,000–3,000 ઘન મીટર/સેકન્ડ રહે છે, જ્યારે ગુવાહાટી જેવા આસામના મેદાનોમાં ચોમાસા દરમિયાન આ પ્રવાહ 15,000–20,000 ઘન મીટર/સેકન્ડ થઈ જાય છે.
બ્રહ્મપુત્રા નદી કોઈ એક જળ સ્ત્રોત પર નિર્ભર નથી
તેમણે કહ્યું કે, 'ભારતમાં પ્રવેશ્યા પછી બ્રહ્મપુત્રા નદી સશક્ત બને છે. તે એક ભારતીય, વરસાદ આધારિત નદી પ્રણાલી છે, જે કોઈ એક સ્ત્રોત પર નિર્ભર નથી. પાકિસ્તાને જે સત્ય જાણવું જોઈએ તે એ છે કે - જો ચીન ક્યારેય બ્રહ્મપુત્રનું પાણી ઓછું પણ કરી દે (જો કે અત્યાર સુધી કોઈપણ મંચ પર કહેવામાં આવ્યું નથી અથવા સંકેત આપવામાં નથી આવ્યો), તો તે ભારત માટે મદદરૂપ જ બનશે, નુકસાનકારક નહીં બને, કારણ કે દર વર્ષે આસામમાં આવતા વિનાશક પૂર લાખો લોકોને વિસ્થાપિત કરે છે અને મોટા પાયે વિનાશ વેરે છે. પાકિસ્તાન જણે 74 વર્ષ સુધી સિંધુ જળ સંધિથી અપાર લાભ ઉઠાવ્યો છે, તે હવે ગભરાઈ રહ્યું છે, કારણ કે ભારત તેના પાણીના અધિકારો પર સાર્વભૌમ નિર્ણયો લઈ રહ્યું છે. ચાલો આપણે પાકિસ્તાનને યાદ કરાવીએ - બ્રહ્મપુત્ર એક જ સ્ત્રોત પર આધારિત નદી નથી, તે આપણા ભૂગોળ, આપણું ચોમાસુ અને આપણી સભ્યતાની શક્તિ દ્વારા પાણી મેળવે છે.'