વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટીના, બ્રાઝીલ અને નામીબિયા સહિત પાંચ દેશના પ્રવાસે રવાના થયા છે. વડાપ્રધાન મોદી બ્રાઝીલમાં બ્રિક્સ શિખર સમ્મેલનમાં પણ ભાગ લેશે.આ મુલાકાત ભારતની 'ગ્લોબલ સાઉથ' વ્યૂહરચના, આર્થિક સહયોગ, સાંસ્કૃતિક જોડાણ અને વૈશ્વિક પ્લેટફોર્મ પર નેતૃત્વને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. નિષ્ણાતો માને છે કે આ મુલાકાત ભારતને એક જવાબદાર અને પ્રભાવશાળી વૈશ્વિક શક્તિ તરીકે સ્થાપિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
PM મોદીની ઘાના મુલાકાતથી ભારતને શું ફાયદો થશે?
ઘના પશ્ચિમ આફ્રિકામાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે અને ભારતનો મહત્ત્વપૂર્ણ વેપારી ભાગીદાર છે. છેલ્લા 30 વર્ષમાં ભારતીય વડાપ્રધાનની ઘાનાની આ પહેલી મુલાકાત હશે, જે બંને દેશો વચ્ચેના ઐતિહાસિક સંબંધોને મજબૂત બનાવશે. ઘાના ભારત માટે સોનાનો મુખ્ય સ્ત્રોત છે, જ્યાંથી ભારતની કુલ આયાતનો લગભગ 70% હિસ્સો આવે છે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર $3.13 બિલિયનને વટાવી ગયો છે, અને વધુ વૃદ્ધિની અપાર સંભાવનાઓ છે.
PM મોદી ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત કેમ લઈ રહ્યા છે?
કેરેબિયન ક્ષેત્રમાં ત્રિનિદાદ અને ટોબેગો ભારત માટે સાંસ્કૃતિક અને ઐતિહાસિક રીતે મહત્ત્વપૂર્ણ છે. આ દેશમાં ભારતીય મૂળના લોકોની મોટી વસ્તી છે, જેઓ 19મી સદીમાં ભારતમાંથી આવેલા પ્રવાસીઓના વંશજ છે. આ ડાયસ્પોરા ભારત અને ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચે એક મજબૂત સાંસ્કૃતિક સેતુ તરીકે કામ કરે છે. આ મુલાકાત ભારત માટે કેરેબિયન દેશો સાથેના તેના સંબંધોને વધુ ગાઢ બનાવવાની તક છે.
PM મોદીનો આર્જેન્ટિનાનો પ્રવાસ પણ મહત્ત્વપૂર્ણ
આર્જેન્ટિના દક્ષિણ અમેરિકાનો એક મહત્ત્વપૂર્ણ દેશ છે અને ભારતને આ ક્ષેત્રમાં તેની રાજદ્વારી અને આર્થિક હાજરી વધારવાની તક આપે છે. ભારત અને આર્જેન્ટિના વચ્ચેનો વેપાર હાલમાં મર્યાદિત છે, પરંતુ વિકાસની અપાર સંભાવનાઓ છે. ભારત આર્જેન્ટિનાથી કૃષિ ઉત્પાદનો (જેમ કે સોયાબીન તેલ), ખનિજો અને લિથિયમ જેવા સંસાધનોની આયાત કરે છે અને આ મુલાકાત આ ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, ખાસ કરીને લિથિયમ, જ્યાં ચીનની વધતી હાજરીને સંતુલિત કરવાની જરૂર છે.
PM મોદીના બ્રાઝિલના પ્રવાસનું પણ ખાસ મહત્ત્વ
બ્રાઝિલ ભારતનું એક મહત્ત્વપૂર્ણ ભાગીદાર છે, ખાસ કરીને BRICS (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા) જેવા વૈશ્વિક મંચોનાં સંદર્ભમાં. બંને દેશો વચ્ચેનો વેપાર $12.20 બિલિયન સુધી પહોંચી ગયો છે, અને ફાર્માસ્યુટિકલ્સ, ઓટોમોબાઇલ્સ અને ઊર્જા જેવા ક્ષેત્રોમાં સહયોગ વધી રહ્યો છે.