
નાણામંત્રી કનુ દેસાઇએ ગુજરાત વિધાનસભાનું 2025-26નું 3 લાખ 70 હજાર કરોડનું બજેટ રજૂ કર્યું છે. ગુજરાતના બજેટમાં કૃષિ વિભાગને લઇને પણ મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કૂલ 22498 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
કૃષિ વિભાગમાં બજેટની મહત્ત્વની વાતો
Farmer Registry પ્રોજેક્ટ હેઠળ 34 લાખથી વધુ ખેડૂતોના ફાર્મર આઇડી જનરેશન પૂર્ણ કરીને ગુજરાતે દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
- ખેડૂતોને વીજ સહાય માટે 10613 કરોડની જોગવાઇ
- કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત મહત્તમ ખેડૂતોને આવરી લેવા ટ્રેક્ટર ખરીદી સહાય માટે 800 કરોડની જોગવાઇ.
- કૃષિ યાંત્રિકીકરણની મીની ટ્રેક્ટર આધારિત યોજના હેઠળ રાજ્યના તમામ આદિજાતિ અને અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ફાર્મ મિકેનાઇઝેશન સહાય વધારવા માટે 122 કરોડની જોગવાઇ.
- કૃષિ યાંત્રિકીકરણના વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા 590 કરોડની જોગવાઇ.
- નેનો ખાતરના વપરાશને પ્રોત્સાહન આપવાની યોજના માટે 73 કરોડની જોગવાઇ.
- ખરીફ અને રવિ ઋતુમાં પાક પરિસ્થિતિ માટે ડિજિટલ ક્રોપ સર્વેની નવી યોજના અંતર્ગત 40 કરોડની જોગવાઇ.
- જમીનમાં ઓર્ગેનિક કાર્બનનો વધારો થાય તે હેતુસર ફર્મેન્ટેડ ઓર્ગેનીક મેન્યોર અને લિક્વિડ ફર્મેન્ટેડ ઓર્ગેનીક
- મેન્યોરના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે 10 કરોડની જોગવાઇ
- 13 એગ્રી એક્સપોર્ટ ઝોનનો પ્રી-ફિઝીબિલિટી રીપોર્ટ તૈયાર કરવાનું આયોજન.
- કચ્છ, અમદાવાદ, જુનાગઢ, વડોદરા, હાલોલ ખાતે પાંચ મેગા ફૂડ પાર્કનું નિર્માણ કરવાનું આયોજન.
- આ સાથે જ બાગાયતી ખાતાની યોજનાઓ માટે વાર્ષિક વિકાસ કાર્યક્રમ હેઠળ 605 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
97% ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી અપાશે
રાજ્યનું બજેટ રજૂ કરતાં સમયે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના જણાવ્યા અનુસાર, જગતના તાત એવા ખેડૂતોને રાત્રે ખેતરમાં પાણી વાળવામાં ઝેરી જીવજંતુઓ તેમજ જંગલી પ્રાણીઓનો ભય રહેતો હતો. આ મુશ્કેલીઓ અને રાતના ઉજાગરામાંથી મુકત કરવા દિવસે વીજળી આપવા 'કિસાન સૂર્યોદય યોજના' અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ રાજ્યના 16,683 એટલે કે 97% ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે. આ યોજનાને વધુ સુદ્રઢ કરવા માટે આ બજેટમાં 2175 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
કિસાન ક્રેડિટ કાર્ડની ધિરાણ મર્યાદામાં વધારો
ખેડૂતોને આપવામાં આવતી નાણાંકીય સહાય વિશે વાત કરતાં નાણાંમંત્રીએ જણાવ્યું કે, કેન્દ્રિય બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારી 5 લાખ રૂપિયા કરવામાં આવ્યા છે. જેનો સંપૂર્ણ રીતે અમલ કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જે અંતર્ગત 4% વ્યાજ રાહત આપવા માટે 1252 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ લોન દર વર્ષે ખેડૂતો, પશુપાલકો અને સાગરખેડુઓને મળતાં તેઓ પોતાની પ્રવૃત્તિ સમયસર કરી શકે છે. આ સિવાય રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાને પ્રાથમિકતા આપી છે. પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગ આફવા તેને લગતી વિવિધ પ્રવૃત્તિઓ માટે 400 કરોડ રૂપિયાથી વધુની જોગવાઈ કરવામાં આવી છે.
ટ્રેક્ટરની ખરીદી પર 1 લાખ રૂપિયાની સહાય
કૃષિ ઉત્પાદકતા અને ખેડૂતોની આવક વધારવા માટે કૃષિ-યાંત્રિકીકરણને મહત્ત્વ આપવા માટે રાજ્ય સરકારે બજેટમાં ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીની હાલની સહાયમાં વધારો કરીને 1 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરાઈ છે. આ ઉપરાંત ખેડૂતોને વિવિધ ખેતઓજારો, મીની ટ્રેક્ટર, ખાતર અને અન્ય ઉપકરણો માટે સહાય આપવા માટે 1612 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
અન્ય જોગવાઈ
- ઊભા પાકને વન્ય પ્રાણીઓથી રક્ષણ માટે ખેતરની ફરતે ફેન્સિંગ બનાવવા માટે 500 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
- કૃષિ ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરી ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવા એગ્રો પ્રોસેસિંગ એન્ડ એક્સપોર્ટ પ્રમોશન માટે 100 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ.
- મત્સ્ય ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે ખેતીની જમીન પર મત્સ્ય ઉછેર કરવો હોય તેને બિન ખેતીની મંજૂરી લેવી નહીં પડે તેવી નીતિ બનાવવામાં આવશે.
ગીર ગાયના સંવર્ધન માટે કરાઈ જાહેરાત
આ સિવાય "સહકારથી સમૃદ્ધિ” તરફ આગળ વધવા પ્રાથમિક વિષયક સહકારી મંડળીઓને પ્રોત્સાહન આપી આર્થિક રીતે સક્ષમ બનાવવા જોગવાઇ કરવામાં આવી છે. જેનો લાભ 1 લાખથી વધુ ખેડૂત સભાસદોને મળશે. પશુપાલનથી દૂધ ઉત્પાદન દ્વારા લાખો ખેડૂત પરિવારોને પૂરક આવક થઈ રહી છે. ગીર ગાયના સંવર્ધન, સંરક્ષણ અને આનુવાંશિક ઓલાદ સુધારણા માટે પોરબંદરના ધરમપુર ખાતે વિવિધ અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે.
કૃષિ શિક્ષણ
રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ કૃ઼ષિ સંશોધન અને શિક્ષણની પ્રવૃતિઓને સઘન બનાવવા જામનગર ખાતે નવીન કૃષિ કોલેજ તથા થરાદ ખાતે કૃષિ ઇજનેરી કોલેજની સ્થાપના કરવામાં આવશે. કૃષિ યુનિવર્સિટીઓની માળખાકીય વ્યવસ્થા, વહીવટ અને સંશોધનના ખાસ કાર્યક્રમો માટે કૂલ 1000 કરોડની જોગવાઇ.
પ્રાકૃતિક કૃષિ માટે 316 કરોડની જોગવાઇ
- પ્રાકૃતિક કૃષિની વિવિધ પ્રવૃતિઓ માટે 316 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
- નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ માટે 90 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
- રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ગૌ આધારિત બાયો ઇનપુટ યોજના હેઠળ 10 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.