
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચ સિરીઝની બીજી મેચ બર્મિંગહામમાં બે જુલાઈએ શરૂ થશે. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતનો પાંચ વિકેટે પરાજય થયો હતો, ત્યારબાદ હાર બદલ બોલરોને જવાબદાર ઠેરવાયા હતા. ભારતે બીજી ઈનિંગમાં 364 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો, તેમ છતાં ઈંગ્લેન્ડની ટીમને લક્ષ્યાંક સુધી સરળતાથી પહોંચી ગઈ હતી, જે એક ભારતીય બોલરોની નિષ્ફળતા દર્શાવે છે. હવે બીજી ટેસ્ટ મેચ અંગે એવા અહેવાલ સામે આવ્યા છે કે, ભારતીય ટીમમાં ત્રણ મોટા ફેરફાર થઈ શકે છે.
બુમરાહ આઉટ, અર્શદીપની એન્ટ્રી
ક્રિકબ્લોગરના રિપોર્ટ મુજબ, ‘ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે બે જુલાઈથી શરૂ થનારી બીજી ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહનો સમાવેશ કરાયો નથી, તેના સ્થાને અર્શદીપ સિંઘને પ્લેઈંગ-11માં તક મળી શકે છે. અર્શદીપે અત્યાર સુધી એક પણ ટેસ્ટ મેચ રમી નથી, પરંતુ તે કાઉન્ટી ચેમ્પિયનશીપ રમી ચુક્યો હોવાથી ઈંગ્લેન્ડમાં રમવાનો અનુભવ ધરાવે છે. અર્શદીપ નેટ્સ પર નવી અને જૂના બોલ પર અભ્યાસ કરતો જોવા મળ્યો છે. તે બોલિંગમાં બંને તરફ સ્વિંગ કરવાની શક્તિ ધરાવે છે, તેથી તેને ઈંગ્લેન્ડ સામેની મેચમાં મેદાનમાં ઉતારવો કોઈ ચોંકાવનારી વાત નથી.
આકાશદીપ-કુલદીપને મળી શકે છે તક
રિપોર્ટ મુજબ પ્રસિધ્ધ કૃષ્ણાને સામાન્ય ઈજા થઈ છે. જો તે અનફીટ રહેશે તો તેના સ્થાને આકાશ દીપને પ્લેઈંગ-11માં તક મળી શકે છે. સૌથી મોટા સમાચાર એવા છે કે, બીજી ટેસ્ટ મેચના પ્લેઈંગ-11માંથી શાર્દુલ ઠાકુરનું પત્તુ કપાઈ શકે છે. તેણે પ્રથમ ટેસ્ટ મેચની બંને ઈનિંગમાં કુલ પાંચ રન નોંધાવ્યા હતા અને બે વિકેટ ઝડપી હતી, તેથી તેના સ્થાને કુદલીપ યાદવનો સમાવેશ થવાની સંભાવના છે. પ્રથમ ટેસ્ટ મેચમાં કરૂણ નાયરે બંને ઈનિંગમાં કુલ 20 રન અને સાઈ સુદર્શને 30 રન કર્યા હતા, તેમ છતાં એવું મનાઈ રહ્યું છે કે, બંનેને ટીમમાં જ રખાશે.