
મંદી અને મોંઘવારીનો માર સહન કરી રહેલા મધ્યમવર્ગ, ખેડૂત અને કોર્પોરેટ દુનિયાની આશા અને અપેક્ષાઓ જેની સાથે જોડાયેલી છે, ત્યારે નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આજે (1 ફેબ્રુઆરી, 2025) પોતાનું આઠમું સામાન્ય બજેટ રજૂ કરીને એક નવો ઈતિહાસ રચશે. આ મોદી સરકાર 3.0નું પહેલું પૂર્ણ બજેટ છે. સામાન્ય રીતે સવારે 11 વાગ્યે લોકસભામાં બજેટ રજૂ કરવામાં આવે છે અને ત્યારબાદ રાજ્યસભામાં પણ રજૂ કરાય છે. નાણાંમંત્રી તરીકે નિર્મલા સીતારમણનું આ આઠમું બજેટ હશે, જેમાં અત્યાર સુધીમાં તેમના દ્વારા રજૂ કરાયેલા બે વચગાળાના બજેટ પણ સામેલ છે.
નાણામંત્રીના પટારામાંથી જરુરિયાત મંદ લોકો માટે શું નીકળશે?
છેલ્લા કેટલાક સપ્તાહો શેર બજાર માટે ભારે ચડાવ ઉતારના રહ્યા છે. દેશ અને દુનિયામાં મોંઘવારી અને મંદીના એંધાણ વરતાઇ રહ્યા છે ત્યારે નાણામંત્રીના પટારામાંથી જરુરિયાત મંદ લોકો માટે શું નીકળે છે તેની સૌ કાગડોળે રાહ જોઇ રહ્યા છે. નોકરીયાત વર્ગ પણ ટેકસમાંથી રાહત માંગી રહ્યો છે. કૃષિ અને શ્રમ રોજગાર ક્ષેત્રને પણ સકારાત્મક નિર્ણયોની અપેક્ષા છે. મોંઘવારી અને સ્થિર વેતનની વૃધ્ધિ સામે ઝઝુમી રહેલો નોકરીયાત વર્ગ આવકના દરો અને સ્લેબમાં પરિવર્તનની આશા રાખી રહ્યો છે.
કૃષિ ક્ષેત્રમાં રાહત પેકેજ તથા સબસિડી પણ જાહેર થઇ શકે
નાણામંત્રી રાજકોષિય ઘટાડાને ઓછો કરવા માટે આર્થિક વર્ષ 2025-26માં બજેટમાં આર્થિક વૃદ્ધિને ટકાવી રાખવા માટે કેટલાક કડક નિર્ણયો પણ લઇ શકે છે. કૃષિ ક્ષેત્રમાં રાહત પેકેજ તથા સબસિડી પણ જાહેર થઇ શકે છે. વર્ષમાં ત્રણ હપ્તામાં ખેડૂતોને બિયારણ-ખાતર જેવી ખેતીની જરુરિયાતો પુરી પાડવા માટે અપાતી કિસાન સન્માન નીધિની રકમમાં પણ વધારો થઇ શકે છે. બજેટમાં સરકારે અર્થતંત્રની મજબૂતીની સાથે લોકોની જરુરીયાત અને આશા અપેક્ષાનો પણ તાલમેલ બેસાડવો પડશે.