
Stock market: સપ્તાહના બીજા દિવસે 11 માર્ચે ભારતીય શેરબજારમાં ભારે ચડાવ ઉતાર જોવા મળ્યો હતો. આજે 30 શેરનો સેન્સેક્સ 73,743.88 પર ખૂલ્યો હતો, જે 74,195.17ની ટોચે પહોંચ્યો હતો. છેલ્લે તે 12.85 (0.02%) ના ઘટાડા સાથે લાલ રંગમાં બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 50 22,345.95 પર ખૂલ્યો હતો, જે 22,522.10ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. આ પછી, તે આખરે 37.60 (0.17%) ચઢી ગયો અને 22,497.90 પર બંધ થયો.
બીએસઈ મીડકેપ ઈન્ડેક્સમાં 0.7 ટકાનો વધારો અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 0.7 ટકાનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટીમાં સૌથી મોટો ફાયદો ઉઠાવનારા શેરોમાં ટ્રેન્ટ, સન ફાર્મા, આઇસીઆઇસીઆઈ બેંક, શ્રીરામ ફાઇનાન્સ અને બીપીસીએલ સામેલ હતા. તે જ સમયે, સૌથી વધુ નુકસાનવાળા શેરોમાં ઇન્ડસઇન્ડ બેંક, ઇન્ફોસિસ, બજાજ ફિનસર્વ, પાવર ગ્રીડ કોર્પ અને એમએન્ડએમનો સમાવેશ થાય છે. બીએસઇ પર, 2,469 શેર ઘટ્યા, જ્યારે 1,499 શેર વધ્યા.
સેક્ટરની વાત કરીએ તો મેટલ, રિયલ્ટી, ટેલિકોમ, ઓઈલ એન્ડ ગેસમાં 0.5 થી 3% નો વધારો જોવા મળ્યો છે, જ્યારે ઓટો, આઈટી અને બેંક સેક્ટરમાં 0.3 થી 0.7% ની વચ્ચે ઘટાડો જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારો સાવધાન દેખાયા હતા. અમેરિકાની સંભવિત આર્થિક મંદીની વધતી જતી ચિંતાઓ વચ્ચે યુએસ શેરબજારમાં ભારે ઘટાડા પછી આ સાવધાની જોવા મળી હતી.
નીચલા સ્તરેથી 400 પોઈન્ટ રિકવર થઈ સેન્સેક્સમાં ઘટાડો થયો
મળતી માહિતી અનુસાર, "ચાલુ વેપાર યુદ્ધ અને આર્થિક મંદીની ચિંતાઓને કારણે યુએસ અને અન્ય એશિયન બજારોમાં ભારે વેચવાલી હોવા છતાં, સ્થાનિક બજાર ધીમે ધીમે રિકવરીના સંકેતો દર્શાવે છે."
તેમણે જણાવ્યું હતું કે, વેલ્યુએશનમાં સંતુલન, ક્રુડ ઓઇલના ભાવમાં ઘટાડો, ડોલર ઇન્ડેક્સ નબળો પડવો, ડોમેસ્ટિક એટલે કે ઘરેલું આવકમાં સુધારો થવાને કારણે ધારણા કરતાં ઓછી અસ્થિરતા આવી છે. નાયરે જણાવ્યું હતું કે આગામી રિટેલ ફુગાવાના ડેટા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જે વ્યાજદરમાં સંભવિત ઘટાડા વિશે માહિતી આપી શકે છે.
આજના ટોપ ગેઇનર્સ સ્ટોક્સ
આજના કારોબારમાં સૌથી વધુ વધારો ટ્રેન્ટના શેરમાં જોવા મળ્યો હતો, જે 4.08%ના ઉછાળા સાથે 4,995ના સ્તરે બંધ થયો હતો, જ્યારે બીપીસીએલ નો શેર 2.98%ના ઉછાળા સાથે 264.58ના સ્તરે બંધ થયો હતો. આ પછી, સન ફાર્માનો શેર 2.72% મજબૂત થઈને રૂ. 1,655 પર બંધ થયો, જ્યારે આઇસીઆઇસીઆઇ બેન્ક રૂ. 1,245 પર 2.52% વધીને બંધ થયો. આ સિવાય શ્રીરામ ફાઈનાન્સના શેર 2.03%ના વધારા સાથે 638.25ના સ્તરે બંધ થયા છે.
આજના ટોપ લુઝર્સ સ્ટોક્સ
જ્યારે, જો આપણે ટોપ લુઝર સ્ટોક વિશે વાત કરીએ, તો ઈન્ડસઇન્ડ બેન્ક સૌથી વધુ 27.16% ઘટીને 655.95 ના સ્તરે બંધ થઈ, જે માર્ચ 2020 પછીનો સૌથી મોટો ઘટાડો છે. આ પછી, ઇન્ફોસિસના શેર 2.35% ઘટીને 1,662 ના સ્તરે બંધ થયા. જ્યારે મહીન્દ્રા એન્ડ મહીન્દ્રા 2.11% ઘટીને 2,646 ના સ્તરે બંધ રહ્યો હતો. આ સિવાય બજાજ ફિનસર્વનો શેર 1.90% ઘટીને રૂ. 1,805 પર બંધ થયો હતો, જ્યારે પાવર ગ્રીડનો શેર 1.48% ઘટીને રૂ. 267.30 પર બંધ થયો હતો.
બેન્ક નિફ્ટીમાં ભારે ઘટાડો
આજના ટ્રેડિંગ સેશનમાં નિફ્ટી ફાર્મા 0.37% મજબૂત થઈને 20,332 ના સ્તર પર બંધ થયો છે. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ 0.11% ના ઘટાડા સાથે 51,951 ના સ્તર પર બંધ થયો છે. નિફ્ટી ઓટો 0.34% ઘટીને 20,683ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 0.65% ઘટીને 37,400ના સ્તરે અને બેન્ક નિફ્ટી ઈન્ડેક્સ 0.75% ઘટીને 47,854ના સ્તરે બંધ થયો છે.
અન્ય બજારોના હાલલચાલ
એશિયન બજારોમાં ટોક્યો અને સિઓલ નીચામાં બંધ રહ્યા હતા, જ્યારે હોંગકોંગ સ્થિર રહ્યા હતા. શાંઘાઈ સ્ટોક માર્કેટ લીલા નિશાનમાં બંધ થયું. રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટેરિફ પોલિસીમાં વારંવારના ફેરફારો અને તેના કારણે સર્જાયેલી અનિશ્ચિતતાની અસર અમેરિકન શેરબજારો પર દેખાવા લાગી છે. S&P 500 ગઇકાલે 2.6% અને નાસ્ડેક 4% ઘટ્યા હતા, જે ટ્રમ્પના ટેરિફ અને વર્ષના અંત સુધીમાં યુએસ મંદીની આશંકા સામે બજારનો પ્રતિભાવ હતો. વૈશ્વિક ઓઈલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.71 ટકા વધીને US$69.77 પ્રતિ બેરલ થઈ ગયું છે.
દરમિયાન, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ સોમવારે રૂ. 485.41 કરોડની ઇક્વિટી વેચી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 263.51 કરોડની ઇક્વિટી ખરીદી હતી. આ માહિતી એક્સચેન્જ ડેટા મુજબ છે. સોમવારે બીએસઇના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 217.41 અંક ઘટીને 74,115.17 ના સ્તર પર બંધ થયા છે. નિફ્ટી 92.20 પોઈન્ટ ઘટીને 22,460.30 પર બંધ રહ્યો હતો.