
Sensex : ભારતીય શેરબજારો સપ્તાહના પ્રથમ દિવસે આજે (10 માર્ચ) ઘટાડા સાથે બંધ થયા છે. 30 શેરો ધરાવતો બીએસઈ સેન્સેક્સ 217.41 (0.29%) પોઈન્ટ ઘટીને 74,115.17 પર જ્યારે નિફ્ટી 50 92.20 (0.41%) પોઈન્ટ ઘટીને 22,460.30 પર બંધ થયો હતો. આજના કારોબારમાં નિફ્ટી એફએમસીજી સેક્ટર સિવાયના તમામ સેક્ટરમાં વેચવાલીનું પ્રભુત્વ છે.
આજે બજારમાં 1147 શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો જ્યારે 2776 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય 140 શેર બદલાયા વિના બંધ થયા હતા. ઈન્ડસઈન્ડ બેંક, ટ્રેન્ટ, ઓએનજીસી, આઈશર મોટર્સ, બજાજ ઓટોના શેરમાં આજે સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે પાવર ગ્રીડ કોર્પ, એચયુએલ, ઈન્ફોસિસ, એસબીઆઈ લાઈફ અને નેસ્લે ઈન્ડિયા આજે વધ્યા હતા.
સેન્સેક્સની 30 કંપનીઓમાંથી ઈન્ડસઇન્ડ બેન્ક, ઝોમેટો, લાર્સન એન્ડ ટુબ્રો, ટાઇટન, મહીન્દ્રા એન્ડ મહીન્દ્રા, બજાજ ફાઇના્ન્સ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, કોટક મહીન્દ્રા બેન્ક, ટેક મહીન્દ્રા, અને ટાટા કન્સલ્ટન્સીના શેરો ઘટાડે બંધ રહ્યા હતાં, જ્યારે પાવર ગ્રીડ, હિન્દુસ્તાન યુનિલિવર, ઈન્ફોસીસ, નેસ્લે ઈન્ડિયા, એશિયન પેઈન્ટ્સ, આઈટીસી, સન ફાર્માસ્યુટિકલ્સ અને આઈસીઆઈસીઆઈ બેંકના શેર ઉછાળા સાથે બંધ થયા હતા. બીએસઇના 30માંથી 22 શેરો નુકસાનમાં રહ્યા હતાં.
મળતી માહિતી અનુસાર, વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરિકામાં બેરોજગારી દર અને ટેરિફમાં વધારાને કારણે રોકાણકારોમાં મૂંઝવણ છે. આ કારણે બજારમાં અસ્થિરતા રહેશે.
જોકે, તેમણે કહ્યું હતું કે સ્થાનિક આર્થિક સ્થિતિ રોકાણકારોની તરફેણમાં છે. જે શેરોમાં ઘટાડો થયો છે તેમાં સાવચેતીપૂર્વક રોકાણ કરવાનો આ યોગ્ય સમય હોઈ શકે છે. ટૂંકા ગાળાની અસ્થિરતા હોવા છતાં, બજાર લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં આકર્ષક રહે છે.
આજના ટોપ ગેઇનર્સ સ્ટોક્સ
આજના ટ્રેડિંગ સેશનમાં, સરકારી માલિકીની કંપની પાવર ગ્રીડના શેરમાં 3.04%નો વધારો નોંધાયો અને 271.30ના સ્તરે બંધ થયો, જ્યારે એચયુએલ ના શેરમાં 1.96%નો વધારો થયો, જે 2,248ના સ્તરે બંધ થયો. આ સિવાય ઈન્ફોસિસનો શેર 0.92%ના વધારા સાથે 1,701ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે એસબીઆઇ લાઈફ 0.56%ના વધારા સાથે 1,419ના સ્તરે બંધ થયો હતો. આ પછી, નેસ્લે ઇન્ડિયામાં 0.45%નો ઉછાળો નોંધાયો છે, જે 2,248 ના સ્તર પર બંધ થયો છે.
આજના ટોપ લૂઝર્સ સ્ટોક્સ
તે જ સમયે, ઓએનજીસીના શેરમાં 4.17% નો જંગી ઘટાડો નોંધાયો હતો, જે 223.19 ના સ્તરે બંધ થયો હતો, જ્યારે ટ્રેન્ટનો શેર 4.01% ના ઘટાડા સાથે 4,800 ના સ્તરે બંધ થયો હતો. આ પછી, ઇન્ડસઇન્ડ બેંકના શેર 3.87% ની નબળાઈ સાથે 900.50 ના સ્તર પર બંધ થયા, જ્યારે બજાજ ઓટોના શેર 2.53% ના ઘટાડા સાથે 7,383 ના સ્તર પર બંધ થયા. આ સિવાય આઇશર મોટર્સનો શેર 2.16% ઘટીને 4,991ના સ્તરે બંધ થયો હતો.
એફએમસીજીને બાદ કરતાં તમામ સેક્ટરમાં ઘટાડો
નોંધનીય છે કે, આજના કામકાજમાં માત્ર એફએમસીજી ઇન્ડેક્સ જ લીલા નિશાનમાં બંધ રહ્યો હતો. તે 0.22%ની મજબૂતી સાથે 52,006ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી આઇટી 0.47% ઘટીને 37,644 ના સ્તર પર બંધ થયો. બેન્ક નિફ્ટી 0.58% ના ઘટાડા સાથે 48,217 ના સ્તર પર બંધ થયા છે. નિફ્ટી ફાર્મા 0.60% ના ઘટાડા સાથે 20,257 ના સ્તર પર બંધ થયા છે. નિફ્ટી ઓટો 1.22% ના જંગી ઘટાડા સાથે 20,753 ના સ્તર પર બંધ થયો.
હેવી વેઇટ શેરોએ ઈન્ડે્ક્સને પ્રેશર આપ્યું
ઉલ્લેખનીય છે કે, નિફ્ટીમાં આજે સતત ત્રીજા કારોબારી સત્રમાં તેજીને બ્રેક લાગી હતી. આજના વેપારમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આરઆઇએલ અને ઇન્ડસઇન્ડ બેન્ક જેવા હેવીવેઇટ શેરોમાં ઘટાડાને કારણે બેન્ચમાર્ક દબાણ હેઠળ હતું. આ સિવાય અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર નીતિને લઈને અનિશ્ચિતતાના કારણે રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખરાબ રહ્યું હતું.
એશિયાઇ અને વૈશ્વિક બજારોની સ્થિતિ
ટોકિયો, શાંઘાઇ, હોંગકોંગ, અને સિઓલ ના બજારમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. યુરોપીય બજાર મધ્ય સત્ર દરમિયાન નીચલા લેવલેથી કારોબાર કરી રહ્યા હતાં. શુક્રવારે યુએસ માર્કેટ તેજી સાથે બંધ થયું હતું. વિદેશી સંસ્થાકીય રોકાણકારો એ શુક્રવારે રૂ. 2,035.10 કરોડની ઇક્વિટી વેચી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 2,320.36 કરોડની ઇક્વિટી ખરીદી હતી. વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.34% વધીને 70.60 અમેરિકન ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.
છેલ્લા સત્રમાં બજારનું વલણ કેવું હતું?
છેલ્લા ટ્રેડિંગ સેશનમાં એટલે કે શુક્રવારે (7 માર્ચ) સ્થાનિક શેરબજારો લગભગ ફ્લેટ બંધ થઈ ગયા હતા. બીએસઇ સેન્સેક્સ 7.51 પોઈન્ટ્સ અથવા 0.01%ના નજીવો ઘટીને 74,332.58 પર બંધ થયો. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) નો નિફ્ટી 7.80 પોઈન્ટ અથવા 0.03% વધીને 22,552.50 પર બંધ થયો.