
વર્ષોથી UPI ભારતમાં સૌથી લોકપ્રિય ડિજિટલ ચુકવણી પદ્ધતિ બની ગઈ છે. ડિસેમ્બર 2024માં વ્યવહારોનું પ્રમાણ 16.73 અબજ પર પહોંચ્યું, જે નવેમ્બરની તુલનામાં 8% વધુ છે. ભારત રોકડના ઉપયોગને બદલે UPI વ્યવહારો તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, ખાસ કરીને શહેરોમાં આ વલણ વધુ છે. આ સાથે એ પણ સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે કે સમગ્ર UPI ઇકોસિસ્ટમ શક્ય તેટલી સુરક્ષિત હોય. કારણ કે સાયબર ગુનેગારો ઘણીવાર નિર્દોષ લોકોને છેતરવા માટે UPIનો ઉપયોગ કરે છે. તેથી NPCI એ એક નવો પરિપત્ર બહાર પાડ્યો છે જેનો અમલ બધા UPI વપરાશકર્તાઓ દ્વારા કરવાનો રહેશે.
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ જાહેરાત કરી છે કે 1 ફેબ્રુઆરી 2025થી UPI IDમાં ખાસ અક્ષરોને મંજૂરી આપવામાં આવશે નહીં. આપણામાંથી મોટાભાગના લોકોના IDમાં આ ખાસ અક્ષરો હોય છે અને તેથી તેમને તાત્કાલિક સુધારવાની જરૂર છે. વધતી જતી UPI ઇકોસિસ્ટમમાં સુરક્ષા વધારવા અને ડિજિટલ વ્યવહારોને પ્રમાણિત કરવા માટે તેની જાહેરાત કરવામાં આવી છે.
9 જાન્યુઆરીના પરિપત્રમાં જણાવાયું છે કે બધા UPI ટ્રાન્ઝેક્શન ID સખત રીતે આલ્ફાન્યૂમેરિક હોવા જોઈએ. આનો અર્થ એ છે કે @, !, અથવા # જેવા અક્ષરોનો ઉપયોગ કરી શકાતો નથી. ખાસ અક્ષરોવાળા IDનો ઉપયોગ કરીને કરવામાં આવતા વ્યવહારો આપમેળે નિષ્ફળ જશે. આમ તો મોટાભાગની બેંકો અને ચુકવણી પ્લેટફોર્મ પહેલાથી જ આ જરૂરિયાતને અનુરૂપ થઈ ગયા છે. જોકે, NPCIએ જણાવ્યું હતું કે કેટલીક સંસ્થાઓ બિન-અનુપાલન ફોર્મેટનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે.
વ્યવહારોમાં થતા ઉથલપાથલથી કેવી રીતે બચવું?
હવે કોઈપણ વ્યવહાર નિષ્ફળતા ટાળવા માટે તમારે ખાતરી કરવાની જરૂર છે કે તમારું UPI ID યોગ્ય રીતે ફોર્મેટ થયેલ છે. ઉદાહરણ તરીકે, 1234567890oksbi જેવું ID માન્ય છે. તેમજ 1234567890@ok-sbi સમયમર્યાદા પછી કામ કરશે નહીં.
તમે તમારી UPI એપ પર જઈને તમારા UPI ID ફોર્મેટને ચકાસી શકો છો. ઉપરાંત, જો જરૂરી હોય તો તમે તેને સુધારી શકો છો. કારણ કે અંતિમ તારીખ ફક્ત 1 ફેબ્રુઆરી સુધીની છે. જો તમે સમયસર તમારા UPI ID ને અપડેટ નહીં કરો, તો તમે ચુકવણી કરી શકશો નહીં અને ચુકવણી પૂર્ણ કરવા માટે તમારે ID ને ઠીક કરવાની જરૂર પડશે. તેથી છેલ્લી ઘડીની મુશ્કેલીઓ ટાળવા માટે સમયમર્યાદા પહેલાં તે પૂર્ણ કરો. જો તમને ખાતરી ન હોય, તો તમે મદદ માટે સીધા કસ્ટમર (ગ્રાહક) સપોર્ટ ટીમને કૉલ કરી શકો છો.