
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ રજૂ કરશે. અગાઉ એક સર્વેમાં બજેટ અંગે લોકોમાં નિરાશા જોવા મળી હતી. સી-વોટર સર્વેમાં મોટાભાગના લોકોએ કહ્યું હતું કે મોંઘવારીને કારણે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે અને તેમને ભવિષ્યમાં પરિસ્થિતિમાં સુધારો થવાની અપેક્ષા નથી.
સી-વોટરે તેના પ્રી-બજેટ સર્વેમાં દેશના વિવિધ ભાગોમાંથી 5,269 લોકો સાથે વાત કરી. આમાં લોકોએ ચોંકાવનારા જવાબો આપ્યા. લગભગ બે તૃતીયાંશ લોકોએ કહ્યું કે કોઈ મોંઘવારી પર ધ્યાન આપી રહ્યું નથી અને મોદીના વડા પ્રધાન બન્યા પછી તે સતત વધી રહી છે. અડધાથી વધુ લોકોએ કહ્યું કે વધતી જતી મોંઘવારી તેમના જીવનધોરણ પર પ્રતિકૂળ અસર કરી રહી છે, તેમના માટે સારું જીવન જીવવું મુશ્કેલ બની રહ્યું છે.
'આ વર્ષ વધુ ખરાબ થશે'
આ સર્વેમાં, લગભગ અડધા લોકોએ એમ પણ કહ્યું કે તેમની આવક પહેલા જેવી જ રહી, કોઈ ફેરફાર થયો નથી પરંતુ છેલ્લા વર્ષમાં ખર્ચ વધતો રહ્યો. બે તૃતીયાંશ લોકોએ એમ પણ કહ્યું કે વધતા ખર્ચને મેનેજ કરવું હવે મુશ્કેલ બની રહ્યું છે. 37 % લોકોએ તો એવું પણ કહ્યું કે તેમને આ વર્ષે પણ પરિસ્થિતિ સુધરવાની બહુ આશા નથી. તેમના મતે, આવક અને ખર્ચના ગુણોત્તરની દ્રષ્ટિએ આવનારું વર્ષ વધુ ખરાબ હોઈ શકે છે.
વિકાસ દર નીચો રહેવાની ધારણા
ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે પરંતુ આ નાણાકીય વર્ષમાં તેનો વિકાસ દર છેલ્લા ચાર વર્ષમાં સૌથી નીચો રહેવાની ધારણા છે. આવી સ્થિતિમાં, આ અઠવાડિયે રજૂ થનારા બજેટમાં, મોદી સરકાર વિકાસ દરને વેગ આપવા માટે કેટલાક ખાસ પગલાંની જાહેરાત કરી શકે છે. આ સાથે, લોકોની આવક વધારવા અને મોંઘવારી નિયંત્રણમાં રાખવાના પ્રયાસોના ભાગ રૂપે કેટલીક જાહેરાતો પણ કરવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે હાલમાં ભારતમાં બેરોજગારી પણ એક મોટી સમસ્યા છે. સરકારે બજેટમાં નવી રોજગારી સર્જનના ક્ષેત્રમાં પણ કેટલાક પગલાં લેવા પડશે.