
હોળીના લાંબા વિકેન્ડ બાદ સોમવારે શેરબજારમાં સારો ઉછાળો જોવા મળ્યો છે. આજના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી સારા ઉછાળા સાથે બંધ થયા છે. વૈશ્વિક બજારોમાંથી મજબૂત સકારાત્મક સંકેત મળતાં, સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં એટલે કે સોમવારે (17 માર્ચ) સ્થાનિક શેરબજારો લાભ સાથે બંધ થયા હતા. ફાઇનાન્શિયલ અને ઓટો સેક્ટરના શેરોમાં ઉછાળાથી બજારને ટેકો મળ્યો હતો.
ત્રીસ શેરો ધરાવતો બીએસઇ સેન્સેક્સ આજે લગભગ સપાટ 73,830 પોઈન્ટ પર ખુલ્યો હતો. જોકે, ટ્રેડિંગ દરમિયાન તેમાં 500થી વધુ પોઈન્ટનો વધારો થયો હતો. અંતે સેન્સેક્સ 341.04 પોઈન્ટ અથવા 0.46%ના વધારા સાથે 74,169 પર બંધ થયો.
એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) નો નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 22,500 ના મનોવૈજ્ઞાનિક સ્તરને પાર કરવામાં સફળ રહ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન તે 22,577 પોઈન્ટની ઈન્ટ્રા-ડે હાઈ પર ગયો હતો. નિફ્ટી છેલ્લે 111.55 પોઈન્ટ અથવા 0.5% વધીને 22,508 પર બંધ થયો હતો.
ટોપ ગેઇનર્સ
સેન્સેક્સની 30 કંપનીઓમાં બજાજ ફિનસર્વ 3.6 ટકા વધીને રૂ. 1,871 પર બંધ થયો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એક્સિસ બેંક અને બજાજ ફાઇનાન્સ પણ લગભગ 2 ટકા વધ્યા હતા. આ સિવાય અદાણી પોર્ટ્સ, ઝોમેટો, આઈસીઆઈસીઆઈ બેંક, સન ફાર્મા, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા મોટર્સ અને ટાટા સ્ટીલ પણ વધ્યા હતા.
સોમવારે નિફ્ટી 50ના પેકમાં ડો. રેડ્ડીઝના શેરમાં સૌથી વધારે ઉછાળો આવ્યો હતો. જે 3.86 ટકાના ઉછાળા સાથે રૂ. 1151વા લેવલે બંધ રહ્યો હતો. જ્યારે બજાજ ફિનસર્વનો શેર 3.55% વધીને 1,872ના સ્તરે બંધ રહ્યો હતો. આ પછી, એસબીઆઇ લાઇફનો શેર 3.52% મજબૂત થઈને રૂ. 1,434 પર બંધ થયો, જ્યારે ટ્રેન્ટનો શેર 2.74% વધીને રૂપિયા 5,160 પર બંધ થયો. આ સિવાય એક્સિસ બેન્ક 2.38%ના ઉછાળા સાથે 1,034 ના સ્તર પર બંધ થયો હતો.
ટોપ લૂઝર્સ
બીજી તરફ, આઇટીસી 1 ટકા ઘટ્યો હતો. નેસ્લે ઈન્ડિયા, એસબીઆઈ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (આરઆઈએલ)ના શેર પણ ઘટાડા સાથે બંધ થયા છે. તે જ સમયે, નિફ્ટીમાં વિપ્રોના શેરમાં 1.58% નો સૌથી મોટો ઘટાડો નોંધવામાં આવ્યો છે, જે 259.85ના સ્તરે બંધ થયો હતો, જ્યારે બીપીસીએલનો શેર 1.14% ના ઘટાડા સાથે 261.42 ના સ્તરે બંધ થયો હતો. આ પછી, બ્રિટાનિયાના શેર 1.13% ઘટીને 4,675 ના સ્તરે બંધ થયા, જ્યારે હીરો મોટો કોર્પ 1.03% ઘટીને 3,493ના સ્તરે બંધ થયો. આ સિવાય આઇટીસી શેર 1% ઘટીને 407.95ના સ્તરે બંધ થયો હતો.
ફાર્મા શેરોમાં તેજી પણ એફએમસીજી શેરો ઘટ્યા
સેક્ટોરલ ઈન્ડેક્સમાં નિફ્ટી ફાર્મા સૌથી વધુ 1.56%ના વધારા સાથે 20,704ના સ્તર પર બંધ થયો. નિફ્ટી ઓટો 0.91% વધીને 20,741ના સ્તર પર બંધ થયો. બેન્ક નિફ્ટી ઈન્ડેક્સ 0.61% વધીને 48,354ના સ્તર પર બંધ થયો છે. નિફ્ટી આઈટી 0.04%ના મામૂલી વધારા સાથે 36,137ના સ્તર પર બંધ થયો. તે જ સમયે, નિફ્ટી એફએમસીજી 0.20%ના ઘટાડા સાથે 51,773ના સ્તર પર બંધ થયો.
વૈશ્વિક બજારોના સંકેતો
આજના કારોબારમાં વૈશ્વિક બજારોમાંથી મળેલા મજબુત સંકેતો પણ કારણભૂત છે. શુક્રવારે અમેરિકન બજારે જોરદાર ક્લોઝિંગ આપ્યું હતું, જ્યારે એશિયન ઈન્ડેક્સ પણ તેજી સાથે બંધ થયા હતા. સિંગાપોરનો એફટીએસઇ સ્ટ્રેટ્સ ટાઇમ્સ ઇન્ડેક્સ 0.21% વધ્યો હતો, જ્યારે જાપાનનો Nikkei 0.93% વધીને 225 પર બંધ થયો હતો. તે જ સમયે, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.19% ના વધારા સાથે બંધ થયો હતો.
શેરબજારમાં આજે તેજીનું મુખ્ય કારણ
1. વૈશ્વિક બજારોમાં ઉછાળાની અસર ભારતીય શેરબજારમાં પણ જોવા મળી હતી. અમેરિકન શેરબજારો શુક્રવારે ઉછાળા સાથે બંધ થયા છે. તેની અસર એશિયન બજારો તેમજ સ્થાનિક બજારોમાં જોવા મળી હતી.
2. આ સિવાય, નીચા સ્તરે ખરીદીની સાથે પસંદગીના શેરોમાં ખરીદીને કારણે નાણાકીય ક્ષેત્રમાં આવેલી તેજીએ બેન્ચમાર્ક સૂચકાંકો નિફ્ટી અને સેન્સેક્સને ઉપર તરફ ખેંચ્યા. નિફ્ટીની વૃદ્ધિમાં નાણાકીય ક્ષેત્રે લગભગ બે તૃતીયાંશ યોગદાન આપ્યું છે.
આગળ કેવી રહેશે બજારની ચાલ
મળતી માહિતી અનુસાર, “હેલ્થકેર અને ફાઇનાન્શિયલ સેક્ટરની મજબૂત કામગીરીને કારણે સકારાત્મક ટ્રેડિંગ સેશન નોંધાયું હતું. જોકે, ટેરિફ અનિશ્ચિતતાને કારણે સ્થાનિક રોકાણકારોની ભાગીદારી ઓછી રહી હતી. "આનાથી નજીકના ભવિષ્યમાં બજાર મર્યાદિત રેન્જમાં વધઘટનું કારણ બની શકે છે."
આ ઉપરાંત “બજારમાં નિર્ણાયક ગતિ ત્યારે જ જોવા મળશે જ્યારે કંપનીઓની આવકમાં વૃદ્ધિના સંકેતો મળશે. "જો કે, સ્થાનિક આર્થિક ઈન્ડેક્સમાં સુધારો સંભવિત પુનઃપ્રાપ્તિ સૂચવે છે."
મળતી માહિતી અનુસાર, રોકાણકારો યુએસ ફેડરલ રિઝર્વ (ફેડ) અને બેન્ક ઓફ જાપાન (બીઓજે) ની આગામી બેઠકો પર ચાંપતી નજર રાખી રહ્યા છે.
ફુગાવાના જોખમો અને ટેરિફની અનિશ્ચિતતાને કારણે પોલિસીના વલણમાં ફેરફારની શક્યતા ઓછી માનવામાં આવે છે. "નજીકના ગાળામાં બજાર સાવધાનીપૂર્વક આગળ વધે તેવી શક્યતા છે અને આર્થિક રિકવરી લાંબા ગાળાની સ્થિરતા તરફ દોરી જશે તેવી અપેક્ષા છે."